જેઠાભાઈ રબારી કહે છે, “મારા દાદા પાસે 300 ઊંટ હતા. હવે મારી પાસે માત્ર 40 જ છે. બાકીના મૃત્યુ પામ્યા... તેમને દરિયામાં જવા દેવાયા નહોતા.” તેઓ ખંભાળિયા તાલુકાના બેહ ગામમાં દરિયામાં તરતા ઊંટોનો ઉછેર કરે છે. આ પ્રાણીઓ ખારાઈ નામની લુપ્તપ્રાય જાતિના છે જે ગુજરાતના દરિયાકાંઠાના ઈકોઝોનને અનુકૂલિત છે. કચ્છના અખાતમાં દરિયાઈ વનસ્પતિ આરોગવાની શોધમાં ઊંટો કલાકો સુધી તરે છે.
ખારાઈ ઊંટોને ફકીરાણી જાટ અને ભોપા રબારી સમુદાયો 17મી સદીથી અખાતના દક્ષિણ કિનારે પાળે છે, જ્યાં હવે દરિયાઈ રાષ્ટ્રિય ઉદ્યાન અને અભયારણ્ય [મરીન નેશનલ પાર્ક & સેન્ચ્યુરી] આવેલું છે. પરંતુ 1995માં દરિયાઈ રાષ્ટ્રિય ઉદ્યાનની અંદર ચરવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો ત્યારથી, ઊંટો અને તેમના પાલકોના અસ્તિત્વ સામે જોખમ ઊભું થયું છે.
જેઠાભાઈ કહે છે , આ ઊંટોને ચેર (દરિયાઈ વનસ્પતિ)ની જરૂર છે. દરિયાઈ વનસ્પતિનાં પાંદડાં તેમના આહારનો આવશ્યક ઘટક છે. જેઠાભાઈ પૂછે છે, “જો તેઓને પાંદડાં ખાવાથી રોકવામાં આવશે, તો શું તેઓ મરી નહીં જાય?” પરંતુ જો પ્રાણીઓ દરિયામાં જાય, તો તેઓ કહે છે, “દરિયાઈ રાષ્ટ્રિય ઉદ્યાનના સત્તાવાળાઓ અમને દંડ કરે છે અને અમારા ઊંટોને જપ્ત કરીને તેમને બંદી બનાવી લે છે.”
આ વીડિયોમાં આપણે ઊંટોને દરિયાઈ વનસ્પતિની શોધમાં તરતા જોઈ રહ્યા છીએ. પશુપાલકો તેમને જીવંત રાખવામાં તેમની નડતી મુશ્કેલીઓ વર્ણવે છે.
ઊર્જાની ફિલ્મ
કવર ફોટો: રિતાયન મુખર્જી
આ પણ વાંચો: ઊંડા પાણીમાં ઉતારતાં જામનગરના તરવૈયા, ઊંટો
અનુવાદક: ફૈઝ મોહંમદ