નામદેવ તરાળે તેમના ખેતરમાં પગ મૂકતાં જ ધીમા પડી જાય છે. આ 48 વર્ષીય ખેડૂત લીલા ચણાના છોડના પટ્ટાનું નજીકથી અવલોકન કરવા માટે નીચે તરફ વળે છે, જેને કચડીને ખાવામાં આવ્યા હોય તેવું લાગતું હતું. તે ફેબ્રુઆરી 2022માં શિયાળાની સુખદ સવાર છે, અને ઉપરના આકાશમાં સૂર્ય નરમ છે.
તેઓ ધીરજપૂર્વક કહે છે, “હા એક પ્રકારચા દુકાળચ આહે [આ એક નવા જ પ્રકારનો દુકાળ છે].”
આ નિવેદન તરાળેની હતાશા અને ડરને છતો કરે છે. પાંચ એકર જમીન ધરાવતા આ ખેડૂતના માથે, ત્રણ મહિનાની મહેનત પછી લણવા માટે તૈયાર થયેલો તુવેર અને લીલા ચણાનો ઊભો પાક ગુમાવવાની ચિંતા છે. તેઓ છેલ્લા 25 વર્ષ કરતાં વધુ સમયથી ખેતી કરે છે તે દરમિયાન તેમણે વિવિધ પ્રકારના દુકાળ જોયા છે – હવામાનને પગલે દુકાળ, જેમાં વરસાદ પડતો જ નથી કે ખૂબ વધારે પડે છે; પાણીજન્ય દુકાળ, કે જેમાં ભૂગર્ભજળનું સ્તર ભયજનક સ્તરે પહોંચી જાય છે; અથવા કૃષિને લગતા દુકાળ, જેમાં જમીનમાં ભેજ ઓછો થવાથી પાક નિષ્ફળ જાય છે.
ઉશ્કેરાયેલા તરાળે કહે છે કે, જ્યારે તમને લાગે કે આ વખતે તમારે સારી ઉપજ થઈ છે, ત્યારે આ આફત ચાર પગે આવીને ચોરી કરે છે કે પછી ખેતર ઉપર ઊડીને ત્રાટકે છે અને તેને સફાચટ કરી નાખે છે.
તેઓ આફતને ગણાવતાં કહે છે, “દિવસના સમયે જળકૂકડી, વાંદરાઓ, સસલાં; અને રાતના સમયે હરણ, નીલગાય, સાંભર, ભૂંડ, અને વાઘ.”
તેઓ હારેલ સ્વરે કહે છે, “આમ્હાલે પેરતા યેતે સાહેબ, પણ વાચવતા યેત નાહી. [અમને વાવણી કેવી રીતે કરવી તે તો ખબર છે, પણ પાકની કેવી રીતે સાચવણી કરવી તે ખબર નથી].” તેઓ સામાન્ય રીતે કપાસ અથવા સોયાબીન જેવા રોકડિયા પાકો સિવાય લીલા ચણા, મકાઈ, જુવાર અને વટાણાની ખેતી કરે છે.




















