સુનિતા રાણી કહે છે, "હવે, અમારે રોજેરોજ ઓછામાં ઓછા 25 ઘેર જવું પડશે અને દરેક ઘેર મહિનામાં ઓછામાં ઓછું ચાર વાર જવું પડશે, કોરોનાવાયરસનું સર્વેક્ષણ કરવા." એક તરફ તે છેલ્લા 10 દિવસથી આ ચક્કરો લગાવી રહી છે, તો બીજી તરફ હરિયાણામાં કોરોનાવાયરસ સંક્રમિતઓની સંખ્યા છેલ્લા 10 દિવસથી વધી રહી છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, 14 મી એપ્રિલ સુધીમાં 180 થી વધુ નવા કેસ અને બે મૃત્યુ નોંધાયા છે.
સુનિતા કહે છે , “લોકો આ રોગથી ડરે છે. ઘણા લોકોને લાગે છે કે તે સ્પર્શથી ફેલાય છે. પ્રસાર માધ્યમોમાં એ લોકો ‘સામાજિક અંતર’ કહેતા રહે છે. કોરોનાવાયરસ શું છે અને તેમણે એકબીજાથી કેવી રીતે અંતર રાખવું જોઈએ તે સમજાવ્યા પછી તેમની સાથે આંખ શી રીતે મેળવવી એ મને સમજાતું નથી. 10 બાય 10 ફૂટની ખોલીમાં જ્યાં સાત લોકો એકસાથે રહેતા હોય ત્યાં સામાજિક અંતર શી રીતે જાળવવું?"
39 વર્ષના સુનિતા હરિયાણાના સોનીપત જિલ્લાના નાથુપુર ગામમાં માન્યતા પ્રાપ્ત સામાજિક આરોગ્ય કાર્યકર (આશા/ Accredited Social Health Activist --ASHA) તરીકે કામ કરે છે. તેઓ ભારતની ગ્રામીણ વસ્તીને જાહેર આરોગ્યસંભાળ સેવા સાથે જોડતી 10 લાખથી વધુ 'આશા'માંના એક છે. તેમના સામાન્ય વ્યસ્ત દિવસમાં તેઓ નવજાત શિશુઓને રસી આપવાથી માંડીને સગર્ભા સ્ત્રીઓની સંભાળ રાખવી અને તેમને કુટુંબ નિયોજન વિષે સલાહ આપવી વગેરે જેવા 60થી વધારે કામમાંથી કોઈ પણ કામ કરતા હોય છે. કોવિડ -19 એ જાહેર આરોગ્ય અને સમાજ કલ્યાણની સૌથી મોટી સમસ્યા બની છે ત્યારથી તેમની રોજની સામાન્ય વ્યસ્ત દિનચર્યામાં ઉથલપાથલ મચી ગઈ છે.
17 મી માર્ચે હરિયાણાના ગુરુગ્રામમાં કોવિડ -19 નો પહેલો કેસ નોંધાયો. ત્યાં સુધી સોનીપતમાં 'આશા'ઓને તેમના નિરીક્ષકો દ્વારા આ રોગ વિશે કોઈ માહિતી અપાઈ ન હતી . ચાર દિવસ પછી સોનીપતમાં પહેલો દર્દી મળી આવ્યો. તેમ છતાં નિરીક્ષકોએ ગામ લોકોને અનુસરવા માટે અથવા તેમને જાગૃત કરવા માટે નવા સુરક્ષા નિયમો અંગે કોઈ ટિપ્પણી કરી નહોતી. 2 જી એપ્રિલે સુનિતા અને સોનીપતના 1270 આશા કાર્યકરોને જીવલેણ સાર્સ-સીઓવી-2 વાયરસ સામે જાગૃતિ લાવવા માટેની લડતમાં મોખરે રહેવાની તાલીમ આપવામાં આવી. ત્યાં સુધીમાં તો દેશવ્યાપી લોકડાઉન શરુ થઈ ગયું હતું અને રાજ્યમાં કોવિડ-19 ને કારણે પહેલું મોત થઇ ચૂક્યું હતું.
સુનિતાની દેખરેખ હેઠળ તેના ગામના આશરે 1000 લોકો છે. સુનિતાની નવી જવાબદારીઓમાં તેની દેખરેખ હેઠળના પ્રત્યેક ઘરોમાં રહેતા કુટુંબના બધા સભ્યોની વિગતવાર નોંધ તૈયાર કરવાનો, કુટુંબના બધા સભ્યોની ઉંમર, કુટુંબના કોઈ સભ્ય વિદેશથી પાછા ફર્યા છે કે કેમ અને કોવિડ -19 ના સંક્રમણનું સૌથી વધુ જોખમ ધરાવતા - દા.ત. કેન્સર, ક્ષય રોગ અથવા હ્રદયની બિમારીથી પીડાતા દર્દીઓ - ની તબિયતની વિગતવાર નોંધ તૈયાર કરવાનો સમાવેશ થાય છે. સુનિતા કહે છે કે, "જો કોઈને ઈન્ફલ્યુએન્ઝા અથવા કોરોનાવાયરસના લક્ષણો જણાય તો હું ચકાસીને તેની નોંધ કરું છું. આ બધું મુશ્કેલ નથી. હું વિગતવાર નોંધ રાખવા માટે ટેવાયેલી છું, પરંતુ સંજોગો એકદમ બદલાઈ ગયા છે.




