અનીતા ઘોટાળે માટે, શનિવાર, 21 માર્ચ કામનો સામાન્ય દિવસ હતો - જોકે શહેરમાં ઘણી દુકાનો બંધ હતી, બજારો ઉજ્જડ હતા, શેરીઓ શાંત હતી. કોવિડ -19 ના ફેલાવાને કારણે સરકારે લોકડાઉનના પગલાં લીધાં હોવાથી, તે દિવસે ઘણા લોકો મુંબઈમાં ઘરમાં પૂરાઈ રહ્યા હતા.
પણ અનીતા તે શાંત શેરીઓ સાફ કરતી હતી, એકઠા થયેલા કાળા ગંદા પાણીમાંથી જાડા ચીકણા કાદવ જેવો કચરો સાફ કરતી હતી. તેના પગ પર કચરાવાળા ગંદા પાણીના છાંટા ઉડ્યા હતા. તે કહે છે, “અમારા માટે, દરેક દિવસ જોખમી હોય છે. હાલ ફક્ત આ કોરોનાને કારણે જ નહીં, પરંતુ ઘણી પેઢીઓથી [અમારે માટે તો આવું રહ્યું છે]."
સવારે 9 વાગ્યાની આસપાસનો સમય હતો, અને તે લગભગ બે કલાકથી પૂર્વ મુંબઈના ચેમ્બુરના માહુલ ગામના એમ-પશ્ચિમ વોર્ડમાં શેરીઓ અને ફૂટપાથ સાફ કરવાનું કામ કરતી હતી.
આ વિકટ પરિસ્થિતિમાં તેના પોતાના સ્વાસ્થ્યનું શું? તેણે કહ્યું, "અમને હજી ગઈકાલે [20મી માર્ચે] જ આ માસ્ક મળ્યાં હતાં, તે પણ જ્યારે અમે વાયરસને કારણે તેની માંગણી કરી ." તેની કમરમાં સાડીના છેડા સાથે એક માસ્ક ખોસેલો હતો, અને 35 વર્ષની અનીતાએ સ્વરક્ષણ માટે ગળે સ્કાર્ફ બાંધ્યો હતો. તેણે કહ્યું, "આ માસ્ક પાતળા છે અને [બે દિવસના વપરાશ પછી] ફરીથી વાપરી શકાય તેવા નથી" હાથમોજાંના કોઈ ઠેકાણાં નથી અને મજબૂત બૂટ જેવા રક્ષણાત્મક પગરખાં વિષે તો તેણે જીંદગીમાં ક્યારેય સાંભળ્યું જ નથી.
અનીતા મહારાષ્ટ્રમાં અનુસૂચિત જાતિ તરીકે સૂચિબદ્ધ માતંગ સમુદાયની છે અને તે કહે છે કે તેનો પરિવાર પેઢીઓથી શહેરની સફાઈના કામમાં રોકાયેલો છે. તે કહે છે, "મારા દાદા [મુંબઈમાં] ખુલ્લી ગટરમાંથી માનવીય મળ કાઢી માથે ઊંચકીને લઈ જતા હતા. ગમે તે પેઢી હોય કે ગમે તે વર્ષ, અમારા [સમુદાયના] લોકોએ હંમેશાં તેમના માનવીય હક માટે લડવું પડ્યું છે."
અનીતા જયાં રહે છે અને કામ કરે છે તે વિસ્તાર, માહુલ, નજીકના રાસાયણિક ઉદ્યોગો અને રિફાઇનરીઓને લીધે ત્યાંની હવામાં વિપુલ પ્રમાણમાં રહેલી ઝેરની માત્રાને કારણે કેટલાક વર્ષોથી ચર્ચામાં છે. હવામાં વિપુલ પ્રમાણમાં રહેલી ઝેરની માત્રાને કારણે પરિસ્થિતિ વધુ વિકટ બને છે.









