ગૂગલના નકશા પ્રમાણે તો હું મારા નિશ્ચિત સ્થળે પહોંચવામાં છું. પણ આ જગ્યાનું મને જે દ્રશ્ય યાદ હતું એના કરતા તો આ કંઈ અલગ જ દેખાય છે. અત્યારે દરિયા કિનારે તૂટી રહેલા જૂના મકાનની કોઈ નિશાની જોવા મળતી નથી, જેના કોઓર્ડિનેટ્સ મેં છેલ્લી વખત ઉપારાની મુલાકાત લીધી ત્યારે મારા ફોનમાં સેવ કરીને રાખ્યા હતા. “અરે, તે ઘર? તે તો હવે દરિયામાં તણાઈ ગયું – ત્યાં આગળ! બંગાળની ખાડીમાંથી ઉછળીને આવી રહેલા મોજા તરફ ઈશારો કરીને ટી. મરમ્મા જણાવે છે.
માર્ચ ૨૦૨૦માં લાગુ થયેલા દેશવ્યાપી લોકડાઉનના થોડા અઠવાડિયા પહેલા મેં એ ઘરની અત્યંત સુંદર અને શાંત પૃષ્ઠભૂમિમાં મરમ્મા અને તેમના પરિવારના સભ્યોનો ફોટો પાડ્યો હતો તે મને હજુ પણ યાદ છે. આ સદીના શરૂઆતના વર્ષો સુધી મરમ્માનું સંયુક્ત કુટુંબ જે વિશાળ ઘરમાં રહેતું હતું તેનો એકમાત્ર ભાગ હવે એ સાંકડા બીચ પર જોખમી રીતે ઉભો હતો.
એક સમયે માછલીનો વ્યવસાય કરતા અને નાના સ્થાનિક રાજકારણી રહેલા ૫૦ વર્ષના મરમ્મા કહે છે, “એ ઈમારતમાં આઠ ઓરડાઓ અને ત્રણ મોચમ [પ્રાણીઓ માટે] હતી. ૧૦૦ જેટલા લોકો અહિં રહેતા હતા.” ઉપારામાં ૨૦૦૪માં સુનામી પહેલા આવેલા ચક્રવાતમાં એ ઈમારતનો મોટો હિસ્સો તણાઈ ગયો હતો, એટલે આ સંયુક્ત પરિવારને અલગ-અલગ મકાનોમાં રહેવા જવાની ફરજ પડી. નજીકના મકાનમાં રહેવા જતા પહેલા મરમ્માએ અમુક વર્ષો સુધી એ જૂના મકાનનો ઉપયોગ કરવાનું ચાલુ રાખ્યું હતું.
મરમ્મા અને તેમનો પરિવાર એકલા નથી; દરિયાના અતિક્રમણને કારણે ઉપારામાં લગભગ દરેક જણે ઓછામાં ઓછું એક વાર ઘર બદલવું પડ્યું હોય તેવું છે. ઘર ક્યારે છોડવું તે અંગેની તેમની ગણતરીઓ તેમના જીવિત અનુભવો અને દરિયાના સહજ વાંચન પર આધારિત છે. ઓ. શિવ કહે છે, “જ્યારે દરિયાના ઉછળતા મોજા આગળ આવવા લાગે ત્યારે અમે સમજી જઈએ છીએ કે હવે ઘર દરિયામાં તણાઈ જશે. પછી અમે અમારા વાસણો અને બધું એક બાજુએ ખસેડીએ છીએ [અને ભાડા પર કામચલાઉ ઘર શોધવાનું શરૂ કરીએ છીએ]. જૂનું ઘર સામાન્ય રીતે એક મહિનામાં [દરિયામાં] તણાઈ જાય છે.” ઓ. શિવે ૧૪ વર્ષની ઉંમરે દરિયાથી બચવા માટે એક ઘર છોડવું પડ્યું હતું.















