ભારતીય ઉપખંડમાં વસાહતીકરણ અને વિભાજનના પડઘા હજુ પણ જુદી જુદી રીતે આસામમાં તેમની હાજરીનો અનુભવ કરાવે છે. રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (એનઆરસી) નામની નાગરિકતા સાબિત કરવાની કવાયત, કે જે સંભવિતપણે 19 લાખ લોકોને રાજ્યવિહોણા કરી મૂકશે તેમાં તે સૌથી સ્પષ્ટપણે દૃષ્ટિગોચર થાય છે. ‘શંકાસ્પદ (ડી) − મતદાર’ તરીકે ઓળખાતી નાગરિકોની એક શ્રેણીની રચના અને તેમાં આવતા લોકોને અટકાયત કેન્દ્રોમાં કેદ કરવામાં આવતા તે ઉઘાડું પડ્યું છે. 1990ના દાયકાના અંતથી સમગ્ર આસામમાં ફોરેનર્સ ટ્રિબ્યુનલ્સનો એકાએક વધારો, અને ડિસેમ્બર 2019માં નાગરિકતા સુધારો કાયદો (સીએએ) પસાર થવાથી રાજ્યમાં નાગરિકતા સંકટ વધુ વણસ્યો છે.
આ ચાલું કટોકટીના વમળમાં અટવાયેલા છ લોકોની મૌખિક જુબાની વ્યક્તિગત જીવન અને ઇતિહાસ પરની તેની વિનાશક અસરો દર્શાવે છે. જ્યારે તેઓ આઠ વર્ષનાં હતાં ત્યારે નેલ્લી નરસંહારમાં બચી ગયેલાં રશીદા બેગમની પરિસ્થિતિ એવી છે કે તેમના પરિવારના તમામ સભ્યોનું નામ આ યાદીમાં છે, પણ તેમનું નથી. શાહજહાં અલી અહમદનું નામ પણ તેમના પરિવારના કેટલાક સભ્યોની સાથે તેમાંથી ગાયબ છે. તેઓ હવે આસામમાં નાગરિકતાના પ્રશ્ન વિષે લોકોમાં જાગરૂકતા લાવવામાં સક્રિય ફાળો આપે છે.


