લક્ષીમા દેવીને યાદ નથી એ કઈ તારીખે બન્યું હતું, પરંતુ શિયાળાની એ રાત તેમને બરોબર યાદ છે. તેઓ કહે છે તેમની પાણીની કોથળી ફાટી ગઈ અને તેમને વેણ ઉપડ્યું ત્યારે, "ઘઉંનો પાક (પગની) ઘૂંટીની ઉપર સુધી ઊગ્યો હતો. તે ડિસેમ્બર અથવા જાન્યુઆરી [2018/19] મહિનો હોવો જોઈએ."
તેમના પરિવારે તેમને બારાગાંવ બ્લોકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (પ્રાયમરી હેલ્થ સેન્ટર - પીએચસી) માં લઈ જવા માટે ટેમ્પો ભાડે રાખ્યો હતો. આ પીએચસી ઉત્તર પ્રદેશના વારાણસી જિલ્લામાં આવેલા તેમના ગામ અશ્વરીથી લગભગ છ કિલોમીટર દૂર છે. 30 વર્ષના લક્ષીમા યાદ કરે છે, “અમે પીએચસી પહોંચ્યા ત્યારે મને સખત દુખાવો થતો હતો." હાલ 5 થી 11 વર્ષની વચ્ચેના તેમના ત્રણ મોટા બાળકો, રેણુ, રાજુ અને રેશમ ઘેર હતા. “હોસ્પિટલના માણસે [કર્મચારીએ] મને દાખલ કરવાની ના પાડી. તેણે કહ્યું કે હું સગર્ભા નથી, અને મારું વધેલું પેટ એ કોઈ બીમારીને કારણે હતું."
લક્ષીમાના સાસુ હીરામણીએ તેમને દાખલ કરવા કર્મચારીઓને કાલાવાલા કર્યા. છેવટે હીરામણીએ તેમને કહ્યું કે બાળકને ત્યાં જ જન્મ આપવામાં તેઓ લક્ષીમાને મદદ કરશે. લક્ષીમા કહે છે, "મારા પતિ મને બીજે શિફ્ટ કરવા માટે રીક્ષા શોધી રહ્યા હતા. પરંતુ ત્યાં સુધીમાં તો બીજે લઈ જવા માટે હું ખૂબ જ નબળી થઈ ચૂકી હતી. હું પીએચસીની બહાર એક ઝાડ નીચે બેસી ગઈ.”
લગભગ 60 વર્ષના હીરામણી લક્ષીમાનો હાથ પકડીને તેમની બાજુમાં બેસી ગયા, અને તેમને ઊંડા શ્વાસ લેવાની સલાહ આપતા રહ્યા. લગભગ એક કલાક પછી, લગભગ મધરાતે, લક્ષીમાએ તેમના બાળકને જન્મ આપ્યો. લક્ષીમાને યાદ છે ઘોર અંધારું હતું અને ઠરી જવાય એવી ઠંડી હતી.








