આજનો દિવસ, ફરી એકવાર, પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયા બે કારણસર ઉજવે છે, એક આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસ અને બીજી પત્રકારિત્વનની વેબસાઈટમાં સર્વશ્રેષ્ઠ એવી અમારી અનુવાદક ટીમનો દિવસ. જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી- અને જો હું ખોટો હોઉં તો મને જરૂર ટોકજો - PARI એ વિશ્વની સૌથી વધુ બહુભાષી એવી પત્રકારત્વની વેબસાઇટ છે. 170 અનુવાદકોની અદ્ભુત ટીમનો આભાર કે PARI 14 ભાષાઓમાં લેખ પ્રકાશિત કરે છે. એવા મીડિયા હાઉસ પણ અવશ્ય છે જે 40 ભાષામાં પ્રકાશન કરે છે. પરંતુ તેમને ત્યાં એક નિશ્ચિત અધિક્રમ હોય છે. કેટલીક ભાષાઓ અન્ય ભાષાઓ કરતાં ઓછી સમાનતા ધરાવતી હોય છે.
ઉપરાંત, અમારા પ્રકાશનનો એક સિદ્ધાંત છે કે ‘દરેક ભારતીય ભાષા તમારી ભાષા છે’. અને આમાં માતૃભાષાઓ વચ્ચે સમાનતાનું સૂચન છે. જો કોઈ લેખ જો એક ભાષામાં પ્રકાશિત થાય તો એ બાકીની 14માં પ્રકાશિત થવો રહ્યો. આ જ અમારો આદર્શ છે. છત્તીસગઢી આ વર્ષે PARIના ભાષા-પરિવારમાં જોડાઈ છે. એની પાછળ લાંબી હરોળમાં ભોજપુરી છે.
અમે માનીએ છીએ કે ભારતીય ભાષાઓને પ્રોત્સાહન આપવું એ સમગ્ર સમાજ માટે આવશ્યક છે. આ દેશની ભાષાકીય સમૃદ્ધિએ જ પેલી જૂની કહેવતને જન્મ આપ્યો કે, અહીં, જો દર ત્રણ-ચાર ગાઉએ પાણી બદલાય, તો દર 12-15 ગાઉએ બોલી.
પરંતુ હવે આપણે એ કહેવતથી સંતોષ માનીને બેસી રહેવાય એવું નથી. ખાસ કરીને એવા સમયે નહીં જ્યારે પીપલ્સ લિંગ્વિસ્ટિક સર્વે ઑફ ઇન્ડિયા કહે છે કે લગભગ 800 જીવંત ભાષાઓ ધરાવતા આ દેશે છેલ્લા 50 વર્ષોમાં 225 ભાષાઓને મૃત્યુ પામતી જોઈ છે. એવા સમયે નહીં જ્યારે યુનાઈટેડ નેશન્સ દાવો કરે છે કે આ સદીના અંત સુધીમાં વિશ્વની 90-95 ટકા ભાષાઓ લુપ્ત થઈ જશે અથવા ગંભીર રીતે જોખમમાં મૂકાઈ જશે. એવા પણ સમયે નહીં જ્યારે સમગ્ર વિશ્વમાં દર પખવાડિયે ઓછામાં ઓછી એક સ્થાનિક ભાષા મરી રહી છે.



