એક સમય હતો કે જ્યારે તે રાજાની જ પ્રતિકૃતિ, એનો પડછાયો, મિત્ર, સહાયક, અને સલાહકાર હતો. તેઓ એકબીજા સાથે કેટકેટલી વાતો કરતાં, શું પ્રેમની અને શું ખાવાનાની. તે પોતે દરબારનો જીવ હતો. ખબર નહિ એની ભૂલ ક્યાં થઇ. આ બધું ક્યારે બન્યું? જેલની અંધારી કોટડીમાં, વિદૂષક એના રાજા સાથેના સંબંધોએ અચાનક લીધેલા અવળા વળાંક વિષે ફરી ફરી વિચારી રહ્યો. શા માટે મહારાજ આજે નારાજ હતા? શું હવે તેઓ એટલા દૂર થઇ ગયા હતા કે એને કારણ સુદ્ધાં આપવાની જરૂર એમને નોહતીલાગતી? તેના નસીબે મારેલી હાસ્યાસ્પદ પલટી પર તે હસી શક્યો નહીં.
પરંતુ રાજધાનીમાં ખાસ્સી ઊથલપુથલ થઇ હતી. એ પ્લેટોનું રિપબ્લિક હતું, કે ઓશનિયા, કે ભારત, એ અગત્યનું જ નોહ્તું. અગત્યનો હતો રાજાનું ફરમાન, જે મુજબ હવે તમામ પ્રકારના સ્મિતને દરેક જગ્યાએથી ભૂંસી નાખાવાનો હુકમ હતો. વ્યંગ, રમૂજ, હાસ્યનાટકો, જોક્સ, સિટકોમ, ઠઠ્ઠાચિત્રો, અને વક્રોક્તિ, લિમરિક્સ અને વિનોદી શબ્દશેષ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
છૂટ હતી તો માત્ર મહાકાવ્યોની (જે અધિકૃત તેમજ હાસ્ય સિપાઈઓ દ્વારા યોગ્ય રીતે ચકાસાયેલાં હોય) અને કાં તો ખરા ઇશ્વરોની મહાપ્રશંસા કરતા હોય કાં સત્તાવાર રીતે પ્રમાણિત દેશભક્તિના નાયકોનું મહિમાગાન. આ સિવાય રાજ્ય દ્વારા પ્રાયોજિત ઇતિહાસ અને સાચા નેતાઓના જીવનચરિત્ર સ્વીકાર્ય હતાં. પરંતુ મનને ઉત્તેજિત કરી મૂકે અથવા જુસ્સો અંદર ભરી દે તેવું કંઈપણ મનોરંજન માટે યોગ્ય ન હતું. હાસ્ય ફક્ત બુદ્ધિવિહિનો માટે હતું - એનો સંપૂર્ણપણે નાબૂદ કરવાનું હતું, કોર્ટરૂમમાંથી, સંસદ ગૃહમાંથી, થિયેટરમાંથી, પુસ્તકોમાંથી, ટેલિવિઝનમાંથી, ફોટોગ્રાફ્સમાંથી, બાળકોના ચહેરાઓ પરથી.



