પદ્મા થુમો કહે છે, “યાકની વસ્તી ઘટી રહી છે.” 30 વર્ષ કરતાં વધુ સમયથી યાકના પાલક એવાં પદ્મા ઉમેરે છે, “આજકાલ નીચલા ઉચ્ચપ્રદેશમાં [લગભગ 3,000 મીટર સુધી] બહુ ઓછાં યાક જોવા મળે છે.”
પદ્મા ઝાંસ્કર બ્લોકના અબ્રાન ગામનાં છે અને લદ્દાખના ઊંચા અને ઠંડા પર્વતોમાં દર વર્ષે આશરે 120 પશુઓ સાથે તેઓ મુસાફરી કરે છે જ્યાં તાપમાન માઈનસ 15 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહે છે.
યાક (બોસ ગ્રુનીઅન્સ) આ ઠંડા તાપમાનમાં તો સરળતાથી રહે છે પરંતુ 13 ડિગ્રી સેલ્સિયસથી ઉપર તાપમાન જાય એટલે તેમના માટે રહેવું મુશ્કેલ થઈ જાય છે.
સ્થાનિકોનું કહેવું છે કે છેલ્લા કેટલાક દાયકાઓમાં, ઝાંસ્કર ખીણના નીચલા પઠારોમાં ઉનાળાનું સરેરાશ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસથી વધીને છેક 32 ડિગ્રી સેલ્સિયસથી ઉપર જવા લાગ્યું છે. ખીણમાં ડ્રાઇવર તરીકે કામ કરતા તેનઝિન એન. કહે છે, “શિયાળા અને ઉનાળાની ઋતુમાં તાપમાનમાં મોટો તફાવત જોવા મળે છે.”
આ અસામાન્ય ગરમીએ યાકની વસ્તીને અસર કરી છે, 2012થી 2019ની વચ્ચે જમ્મુ અને કાશ્મીરમાં જેની સંખ્યા ઘટીને અડધી (20મી પશુધન વસ્તી ગણતરી) થઈ ગઈ છે.























