ત્રણ વર્ષની સુહાનીને તેની દાદીના ખોળામાં બેભાન પડેલી જોઈને ગ્રામીણ આરોગ્ય અધિકારી ઉર્મિલા દુગ્ગા કહે છે, “તમારે તેને (મલેરિયાની દવાને) હંમેશાં મધ અથવા ગોળ જેવી મીઠી વસ્તુ સાથે લેવી જોઈએ.”
તે બાળકીને મલેરિયાની કડવી ગોળીઓ ખવડાવવા માટે ત્રણ મહિલાઓની સંયુક્ત કુશળતા અને પ્રેમસભર સમજાવટની જરૂર પડે છે — બાળકની નાની, અન્ય ગ્રામીણ આરોગ્ય અધિકારી (આર.એચ.ઓ.) સાવિત્રી નાયક, અને માનકી કચલાન, એટલે કે મિતાનિન (આશા કાર્યકર).
આ પ્રક્રિયાનું નિરીક્ષણ કરતાં 39 વર્ષીય વરિષ્ઠ આર.એચ.ઓ. ઉર્મિલા તેમની સામેના પરિસરમાં રમી રહેલા બાળકોના અવાજો વચ્ચે એક મોટા રજિસ્ટરમાં કેસની વિગતો નોંધે છે. તેમનું કામચલાઉ ક્લિનિક છત્તીસગઢના નારાયણપુર જિલ્લાના નૌમુંજમેટા ગામમાં એક આંગણવાડીનો આંશિક રીતે ઢંકાયેલો વરંડો છે.
મહિનાના દર બીજા મંગળવારે, આ આંગણવાડી એક આઉટપેશન્ટ ક્લિનિકમાં ફેરવાઈ જાય છે — જેમાં બાળકો તેમની બારખડી શીખવામાં વ્યસ્ત છે, જ્યારે માતાઓ, શિશુઓ અને અન્ય લોકો તપાસ માટે બહાર લાઇનમાં ઊભા રહે છે. ઉર્મિલા અને તેમની આરોગ્ય કર્મચારીઓની ટીમ સવારે 10 વાગ્યાની આસપાસ પહોંચે છે, અને પરીક્ષણ અને રસીકરણના સાધનો સાથે તેમના રજિસ્ટર અને બેગ ખોલે છે, વરંડામાં એક ટેબલ અને પાટલી ગોઠવે છે અને તેમના દર્દીઓને મળવા માટે તૈયાર થાય છે.
તે દિવસે સુહાનીનો જે રેપિડ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ (આર.ડી.ટી.) કરવામાં આવ્યો હતો, તે તે દિવસે કરવામાં આવેલા લગભગ 400 મલેરિયા પરીક્ષણોમાંથી એક હતો, જે ઉર્મિલા અને તેમના સહયોગીઓ, જેમાં 35 વર્ષીય આર.એચ.ઓ. સાવિત્રી નાયક પણ શામેલ છે, નારાયણપુર બ્લોકના જે છ ગામોનાં તેઓ પ્રભારી છે તેમાં એક વર્ષમાં કરે છે.
નારાયણપુર જિલ્લાના મુખ્ય તબીબી આરોગ્ય અધિકારી ડૉ. આનંદ રામ ગોટા કહે છે, “મલેરિયા આપણી સૌથી મોટી આરોગ્ય સમસ્યાઓમાંની એક છે. તે રક્ત કોશિકાઓ અને યકૃતને અસર કરે છે જે લોહ તત્ત્વની ઉણપનું કારણ બને છે, અને બદલામાં નબળી શારીરિક સહનશક્તિ તરફ દોરી જાય છે. તેથી વેતનને પણ અસર થાય છે. બાળકોનું જન્મ સમયે વજન ઓછું હોય છે અને તે રીતે આ વિષચક્ર ચાલુ થઈ જાય છે.”
વર્ષ 2020માં છત્તીસગઢમાં મલેરિયાથી 18 મૃત્યુ નોંધાયાં હતાં — જે દેશના કોઈપણ રાજ્યમાં સૌથી વધુ છે; મહારાષ્ટ્ર 10 મૃત્યુ સાથે બીજા ક્રમે હતું. નેશનલ વેક્ટર બોર્ન ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ નોંધે છે કે મલેરિયાના 80 ટકા કેસ ‘આદિવાસી, ડુંગરાળ, કઠીન રસ્તાવાળા અને દુર્ગમ વિસ્તારોમાં’ જોવા મળે છે.
ઉર્મિલા કહે છે કે, સામાન્ય રીતે અહીંના લોકો મચ્છરોને દૂર કરવા માટે લીમડાના પાંદડા બાળવાનું પસંદ કરે છે. “અમે તેમને વારંવાર સૂતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ કરવા અને તેમના ઘરની નજીકના જળાશયોને એક વાર સૂકવવા માટે કહીએ છીએ. [લીમડાના પાંદડા સળગાવવાથી] નીકળતો ધુમાડો મચ્છરોને દૂર કરવામાં મદદ તો કરે છે, પરંતુ એક વાર તે ધૂમાડો જતો રહે એટલે તેઓ પાછા આવી જાય છે.”
બાદમાં, ઉર્મિલા નારાયણપુર જિલ્લાના આવા 64 કેન્દ્રોમાંથી એક એવા હલામીમુનમેટામાં પેટા આરોગ્ય કેન્દ્ર (એસ.એચ.સી.) ખાતે મોટા રજિસ્ટરમાં બીજી વખત કેસની વિગતો ભરશે. રજિસ્ટરને અપડેટ કરવામાં તેમને લગભગ ત્રણ કલાક લાગે છે − અને આ કામ દરેક પરીક્ષણ, બહુવિધ રસીકરણ, પ્રસૂતિ પહેલાંની અને પ્રસૂતિ પછીની તપાસ, મલેરિયા અને ક્ષય રોગની તપાસ અને તાવ, પીડા અને દુ:ખાવા માટેની પ્રાથમિક સારવાર માટે કરવું પડે છે.
ઉર્મિલા એક સહાયક નર્સ મિડવાઇફ (એ.એન.એમ.) પણ છે, અને તેમણે આના માટે બે વર્ષની તાલીમ લીધી છે. આર.એચ.ઓ. તરીકે, તેઓ વર્ષમાં લગભગ પાંચ વખત રાજ્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ નિયામક દ્વારા યોજાતી 1 થી 3 દિવસ માટેની તાલીમ શિબિરોમાં પણ હાજરી આપે છે.
પુરુષ આર.એચ.ઓ.ને માત્ર એક વર્ષ માટે બહુહેતુક આરોગ્ય કાર્યકરો તરીકે તાલીમ આપવામાં આવે છે. ઉર્મિલા કહે છે, “આ યોગ્ય નથી. અમે એ જ કામ કરીએ છીએ, તેથી [લાયકાત તરીકે અપાતી] તાલીમ સમાન હોવી જોઈએ. અને શા માટે દર્દીઓ મને ‘બહેન’ કહે છે ને, પુરુષ આર.એચ.ઓ.ને ‘ડૉક્ટર સાહેબ’? તમે તમારી વાર્તામાં આનો ઉલ્લેખ કરજો!”
અત્યાર સુધીમાં, બાળકો તેમના વર્ગોમાં પાછા આવી ગયા છે અને મૂળાક્ષરો વાંચી રહ્યા છે. સુહાનીને તેની દવા લીધા પછી ઊંઘ આવતી જોઈને ઉર્મિલા તેમનાં દાદીને થોડી વાત કરે છે અને ગોંડીમાં મલેરિયાની સારવાર અને પોષણ વિશેની કેટલીક ટીપ્સ આપે છે. નારાયણપુર જિલ્લામાં 78 ટકા રહેવાસીઓ ગોંડ સમુદાયના છે.
ઉર્મિલા કહે છે, “હું તેમનામાંથી (ગોંડ) જ એક છું. હું ગોંડી, હલબી, છત્તીસગઢી અને હિન્દી બોલી શકું છું. મારે અસરકારક રીતે વાતચીત કરવી જરૂરી છે. મને અંગ્રેજી બોલવામાં થોડી સમસ્યા નડે છે, પણ હું તેને સમજી શકું છું.”
લોકો સાથેની આ ક્રિયાપ્રતિક્રિયાઓ તેમને તેમની નોકરીમાં સૌથી વધુ પસંદ છે. તેઓ કહે છે, “મને તે ભાગ ગમે છે, જેમાં હું લોકોને મળું છું અને તેમના ઘરોમાં તેમની મુલાકાત લઉં છું.” તેઓ હસીને ઉમેરે છે, “હું દરરોજ 20 થી 60 લોકોને મળું છું. મને તેમની ચિંતાઓ સાંભળવી અને તેમના જીવન વિશે જાણવું ગમે છે. હું ભાષણ નથી આપતી, અથવા ઓછામાં ઓછું મને તો એવું નથી લાગતું!”
બપોરના 1 વાગ્યા છે અને ઉર્મિલા પોતાનું ટિફિન બહાર કાઢે છે, જેમાં તેમણે સવારે બનાવેલી રોટલી અને મોસમી લીલા પાંદડાવાળી શાકભાજીનું મસાલેદાર શાક છે. તેઓ બપોરનું ભોજન પૂરું કરવાની ઉતાવળમાં છે, જેથી તેમની ટીમ ઘરની મુલાકાતો માટે જઈ શકે. ઉર્મિલા દરરોજ તેમના ગિયરલેસ સ્કૂટર પર આશરે 30 કિલોમીટરનું અંતર કાપે છે, જેમાં સાવિત્રી (જેઓ હલબી આદિવાસી સમુદાયનાં છે) પાછળ બેસેલાં છે. તેમણે એક ગામડાથી બીજા ગામડામાં જવા માટે ગાઢ જંગલમાંથી પસાર થવું પડે છે અને તેઓ કહે છે કે તેઓ બે જણની જોડીમાં વધુ સુરક્ષિત છે.
આ રીતે આગળ વધતાં, ઉર્મિલા અને તેમની ટીમ તેમના કાર્ય દરમિયાન 10 થી 16 કિલોમીટરની ત્રિજ્યામાં આવેલા છ ગામોમાં આશરે 2,500 લોકોની આરોગ્યસંભાળની જરૂરિયાતો પૂરી કરે છે. તેઓ જે 390 ઘરોની મુલાકાત લે છે તેમાંથી મોટાભાગના ગોંડ અને હલબી આદિવાસીઓ છે, જ્યારે કેટલાક પરિવારો દલિત સમુદાયોના છે.
તેમની માસિક મુલાકાતો, જેને ‘ગ્રામીણ સ્વાસ્થ્ય સ્વચ્છતા આહાર દિવસ’ તરીકે ઓળખવામાં આવે છે, તે મહિનાના એક નક્કી કરેલા દિવસે વિવિધ વિસ્તારોમાં યોજાય છે. આ દિવસે, ઉર્મિલા અને તેમના સહયોગીઓ (એક પુરુષ અને સ્ત્રી આર.એચ.ઓ.) રસીકરણ, જન્મ નોંધણી અને માતૃત્વ આરોગ્યસંભાળ સહિત 28 રાષ્ટ્રીય કાર્યક્રમોમાંથી ઘણા માટે કરવામાં આવેલી પાયાની કામગીરીની તપાસ કરે છે.
તેમની જવાબદારીમાં ઘણાં કાર્યો શામેલ છે − ઉર્મિલા અને અન્ય આર.એચ.ઓ. જાહેર આરોગ્ય સંભાળ પ્રણાલીના પાયાના વહીવટકર્તા છે, જેમના પર દરેક જિલ્લામાં સુપરવાઇઝર, સેક્ટર ડૉક્ટરો, બ્લોક તબીબી અધિકારી અને મુખ્ય તબીબી અધિકારીનું માળખું હોય છે.
સી.એમ.ઓ. ડૉ. ગોટા કહે છે, “આર.એચ.ઓ. અગ્ર હરોળના આરોગ્ય કર્મચારીઓ છે, તેઓ આરોગ્ય પ્રણાલીનો ચહેરો છે. તેમના વિના અમે લાચાર અને નિરાશ છીએ.” તેઓ ઉમેરે છે કે, નારાયણપુર જિલ્લાની 74 મહિલા અને 66 પુરુષ આર.એચ.ઓ., “બાળક અને માતાના સ્વાસ્થ્ય, માનસિક સ્વાસ્થ્ય, ક્ષય રોગ, રક્તપિત્ત અને લોહતત્ત્વની ઉણપ પર નજર રાખે છે. તેમનું કામ ક્યારેય અટકતું નથી.”
થોડા દિવસો પછી, હલામીમુનમેટાથી આશરે 16 કિલોમીટર દૂર માલેચુર ગામના ‘આરોગ્ય, સ્વચ્છતા અને પોષણ દિવસ’ પર ઉર્મિલા લગભગ 15 મહિલાઓને સલાહ આપે છે, જેમાંથી મોટાભાગની નાની બાળકો સાથે હોય છે.
રાહ જોનારાઓમાં ફુલકુવર કરંગા છે, જેઓ ગંડા સમુદાય (છત્તીસગઢમાં અનુસૂચિત જાતિ તરીકે સૂચિબદ્ધ) ના છે. થોડા દિવસો પહેલાં, જ્યારે ઉર્મિલા અહીં મેદાનની મુલાકાતે આવ્યાં હતાં, ત્યારે ફુલકુવરે તેમને નબળાઈ અને થાક અનુભવતા હોવા વિશે કહ્યું હતું. તેમને લોહતત્ત્વની ખામી હોવાનું માનીને ઉર્મિલાએ તેમને આયર્નની ગોળીઓ લેવાની સલાહ આપી હતી અને તેઓ તેને લેવા આવ્યાં છે. બપોરે લગભગ 2 વાગ્યા છે અને તેઓ તે દિવસનાં છેલ્લાં દર્દી છે.
રાષ્ટ્રીય પરિવાર આરોગ્ય સર્વેક્ષણ-4 (2015-16) નોંધે છે કે છત્તીસગઢમાં 15-49 વય જૂથની લગભગ અડધી (47 ટકા) મહિલાઓ લોહતત્ત્વની ઉણપથી પીડાય છે — અને પરિણામે રાજ્યમાં 42 ટકા બાળકો પણ લોહતત્ત્વની ઉણપથી પીડાય છે.
ઉર્મિલા દરરોજ તેના ગિયરલેસ સ્કૂટર પર આશરે 30 કિલોમીટરનું અંતર કાપે છે, જેમાં સાવિત્રી તેમની પાછળ બેસેલાં હોય છે. તેમણે એક ગામડાથી બીજા ગામડામાં જવા માટે ગાઢ જંગલમાંથી પસાર થવું પડે છે અને તેઓ કહે છે કે તેઓ બે જણની જોડીમાં વધુ સુરક્ષિત છે.
ઉર્મિલા કહે છે કે યુવાન છોકરીઓમાં લગ્ન પહેલાં આ સ્થિતિનું સમાધાન કરવું સરળ નથી. તેમના રજિસ્ટરમાં છેલ્લી કેટલીક વિગતો લખીને તેઓ કહે છે, “છોકરીઓના લગ્ન 16 કે 17 વર્ષની ઉંમરે થાય છે અને તેઓ થોડા પીરિયડ્સ ચૂકી ગયા પછી જ અમારી પાસે આવે છે અને મોટે ભાગે તેઓ ગર્ભવતી જ હોય છે. આવા સમયે હું તેમને આયર્ન અને ફોલિક એસિડ જેવા જરૂરી પ્રિ-નેટલ સપ્લિમેન્ટ્સ પણ નથી આપી શકતી.”
ગર્ભનિરોધકની સલાહ આપવી એ ઉર્મિલાની નોકરીનો બીજો મોટો ભાગ છે, અને તેઓ ઇચ્છે છે કે આ વધુ અસરકારક હોત તો સારું હતું. તેઓ કહે છે, “હું લગ્ન પહેલાં તેમને તપાસી શકતી નથી, તેથી [બે ગર્ભાવસ્થા વચ્ચે] અંતર અથવા ગર્ભાવસ્થામાં વિલંબ કરવા વિશે વાત કરવા માટે કોઈ સમય જ નથી હોતો.” તેથી ઉર્મિલા યુવાન છોકરીઓ સાથે વાત કરવા માટે મહિનામાં ઓછામાં ઓછી એક શાળાની મુલાકાત લેવાનો પ્રયાસ કરે છે, અને વયસ્ક મહિલાઓને પણ આમાં જોડવાનો પ્રયાસ કરે છે અને તેમને એવી આશામાં સલાહ આપે છે કે જ્યારે તેઓ પાણી ભરવા સમયે, ઘાસચારો એકત્રિત કરવા સમયે અથવા ક્યારેક અનૌપચારિક રીતે યુવતિઓને મળે ત્યારે તેઓ તેમને કેટલીક માહિતી આપે.
જ્યારે ઉર્મિલાએ 2006માં આર.એચ.ઓ. તરીકે કામ કરવાની શરૂઆત કરી રહી હતી ત્યારે 52 વર્ષીય ફુલકુવર ટ્યુબલ લિગેશન માટે સંમત થનારી પહેલ વહેલી મહિલાઓમાંનાં એક હતાં. તેમણે 10 વર્ષમાં ચાર છોકરાઓ અને એક છોકરીને જન્મ આપ્યો હતો. તેઓ હવે ગર્ભવતી નહોતાં થવા માંગતાં, એ જાણીને કે તેમના મોટા થતા જતા પરિવારે તેમની માલિકીની થોડા વિઘા જમીન પર ગુજારો કરવો કઠીન થઈ પડશે. તેઓ યાદ કરીને કહે છે, “મારા ઓપરેશનની વ્યવસ્થાથી માંડીને મને નારાયણપુરની જિલ્લા હોસ્પિટલમાં લઈ જવા સુધી ઉર્મિલા ત્યાં જ હતી. તે મારી સાથે રહી અને બીજા દિવસે મને પાછી લાવી હતી.”
બંને મહિલાઓ વચ્ચેનું બંધન જળવાયું હતું અને જ્યારે ફુલકુવરના પુત્રોના લગ્ન થયા અને તેમના પ્રથમ બાળકના જન્મ પછી, તેઓ તેમની બંને પુત્રવધૂઓને ઉર્મિલા પાસે લાવ્યાં, જેમણે તેમને આગામી ગર્ભાવસ્થા વચ્ચે અંતર રાખવાનું મૂલ્ય સમજાવ્યું હતું.
તેમની કમર પર એક નાની થેલીમાં આયર્નની ગોળીઓ મૂકીને તેમની સાડીને વ્યવસ્થિત કરીને જવા માટે તૈયાર થતાં ફુલકુવર કહે છે, “હું દર બે વર્ષે ગર્ભવતી થતી હતી, અને મને ખબર છે કે તેનાથી શરીરની શું હાલત થાય છે.” તેમની બંને પુત્રવધૂઓને કોપર-ટી લગાવવામાં આવી છે, અને બંનેએ ફરીથી ગર્ભવતી થતાં પહેલાં 3 થી 6 વર્ષ સુધી રાહ જોઈ હતી.
એક વર્ષમાં, ઉર્મિલાને 18 કે તેથી ઓછી વયની અપરિણીત છોકરીઓમાં અનિચ્છનીય ગર્ભાવસ્થાના ઓછામાં ઓછા ત્રણ ઉદાહરણો જોવા મળે છે. તેમાંના મોટા ભાગના કિસ્સાઓમાં તેમને તેમની માતાઓ દ્વારા ત્યાં લાવવામાં આવી હતી અને તેઓ ગર્ભપાત માટે તૈયાર હતાં. ગર્ભપાત સામાન્ય રીતે જિલ્લા હોસ્પિટલમાં કરવામાં આવે છે. ઉર્મિલા કહે છે કે તેઓ તેમની સ્થિતિ વિશે તેમની સાથે ‘લુકા છુપ્પી’ (સંતાકુકડી) રમે છે. તેઓ કહે છે, “તેમને ગર્ભ હોવાના મારા નિદાનને તેઓ ગુસ્સાથી નકારી કાઢે છે અને સિરાહા [સ્થાનિક ચિકિત્સક] પાસે જાય છે, અથવા તેઓ મંદિરોની મુલાકાત લે છે અને તેમના માસિક સ્રાવને ‘ફરી શરૂ’ કરવા માટે પ્રાર્થના કરે છે.” એન.એફ.એચ.એસ.-4 નોંધે છે કે રાજ્યમાં 45 ટકા ગર્ભપાત ઘરે કરવામાં આવ્યા હતા.
આ આર.એચ.ઓ. તેમની સૌથી તીખી ટિપ્પણીઓ તે પુરુષો માટે બાકી રાખે છે જેઓ તેમની પાસે ક્યારેય આવતા નથી. “તેઓ ભાગ્યે જ અહીં [એસ.એચ.સી.માં] જોવા મળે છે. પુરુષો માને છે કે ગર્ભાવસ્થા એ સ્ત્રીની સમસ્યા છે. કેટલાક પુરુષો નસબંધી કરાવે છે, પરંતુ તેઓ સામાન્ય રીતે તેને સ્ત્રીઓ પર છોડી દે છે. પેટા-કેન્દ્રમાંથી કોન્ડોમ ખરીદવા પણ તેઓ [પતિઓ] તેમની પત્નીઓને જ મોકલે છે!”
ઉર્મિલા અંદાજ લગાવે છે કે એક વર્ષમાં, કદાચ તેમના કાર્યક્ષેત્રમાં એકાદ પુરુષ જ નસબંધી કરાવે છે. તેઓ ઉમેરે છે, “આ વર્ષે [2020]માં મારા ગામમાં એક પણ માણસે નસબંધી કરાવી ન હતી. અમે ફક્ત સલાહ જ આપી શકીએ છીએ, અમે દબાણ કરી શકતાં નથી, પરંતુ આશા છે કે ભવિષ્યમાં વધુ લોકો આ પ્રક્રિયા માટે આગળ આવશે.”
તેમનો લાંબો કામકાજનો દિવસ, જે સવારે 10 વાગ્યા પહેલાં શરૂ થયો હતો તે સાંજે લગભગ 5 વાગ્યે સમાપ્ત થઈ રહ્યો છે. તેઓ તેમના પતિ, 40 વર્ષીય પોલીસ કર્મચારી કન્હૈયા લાલ દુગ્ગા સાથે લગભગ તે જ સમયે હલામીમુનમેટામાં તેમના ઘરે પરત ફરે છે. હવે સમય છે તેમની છ વર્ષની દીકરી પલક સાથે બેસીને તેના હોમવર્કને જોવાનો અને ઘરનું થોડું કામ કરવાનો.
ઉર્મિલા જાણતાં હતાં કે તેઓ મોટાં થઈને તેમના લોકો માટે કંઈ કરવા માંગતાં હતાં, તેઓ કહે છે કે તેમને તેમના કામથી પ્રેમ છે, ભલેને પછી તેમાં સખત મહેનત કેમ ન કરવી પડતી હોય. તેઓ કહે છે, “આ કામથી મને ઘણું સન્માન મળ્યું છે. હું ગમે તે ગામમાં જાઉં, લોકો મને તેમના ઘરોમાં આવકારે છે અને મારી વાત સાંભળે છે. આ મારું કામ છે.”
અનુવાદક: ફૈઝ મોહંમદ