નવેમ્બર 2015 માં શિખા મંડલના પતિ અસિતનું મૃત્યુ થયું હતું. તેઓ કહે છે, “તેઓ બીજા બે માણસો સાથે ગરાલ નદીમાંથી કરચલા પકડવા બગનબારી જંગલમાં ગયા હતા. બીજા બે માણસો પાછા ફર્યા હતા અને મને કહ્યું હતું કે એક વાઘ મારા પતિને ઉપાડી ગયો હતો.” અસિત મંડલનું મૃત્યુ થયું ત્યારે તેઓ 32 વર્ષના હતા, પરિવારના એકમાત્ર કમાનાર સભ્ય અને શાળાએ જતા બે દીકરાના પિતા.
પશ્ચિમ બંગાળના ગોસાબા બ્લોકના જહાર કોલોની ગામના રહેવાસી શિખાએ વળતરનો દાવો કરવાનું નક્કી કરી તેમને મદદ કરવા માટે એક વકીલને 10000 રુપિયા ચૂકવ્યા હતા. "અમારે સંખ્યાબંધ દસ્તાવેજો ભેગા કરવાના હતા - પોલીસ અને વન-વિભાગ (ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ) તરફથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી), વીમા કાર્ડ, ગામના પ્રધાન તરફથી એક પત્ર અને મૃત્યુનું પ્રમાણપત્ર."
વકીલ વીમા કંપની પાસેથી 1 લાખ રુપિયાનું વળતર મેળવવામાં સફળ રહ્યા હતા. પરંતુ શિખાને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી એનઓસી નકારવામાં આવ્યું હતું કારણ કે તેમના પતિનું મૃત્યુ મુખ્ય વિસ્તાર (વન વિભાગ દ્વારા વ્યાખ્યાયિત કરાયેલ સૌથી ઊંડા જંગલ વિસ્તાર) માં થયું હતું. વીમા કંપનીએ હજી સુધી તેમના દસ્તાવેજો પરત કર્યા નથી.
શિખા હવે કરચલા અને ઝીંગા પકડે છે, નાનાં-મોટાં કામ કરે છે અને ખેત મજૂરી કરે છે અને ગમે તે રીતે તેમના દીકરાઓને શાળાએ મોકલવાની વ્યવસ્થા કરે છે. સ્વતંત્ર ઘર ચલાવવાનું પોસાય તેમ ન હોવાથી શિખા અને તેમના બાળકો કાકા ને ઘેર રહે છે.
સુંદરવનમાં હજારો મહિલાઓએ આ રીતે વાઘના હુમલામાં પોતાના પતિ ગુમાવ્યા છે. આ મુખત્રિકોણ પ્રદેશ પૂર્વીય ભારતમાં લગભગ 4200 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે અને અહીં વિશ્વના સૌથી મોટા મેન્ગ્રોવ જંગલો છે, જે વાઘનો પર્યાય બની ગયાં છે.



