"અમ્મી, નિશાળ ક્યારે ખૂલશે?" મુનિયા પૂછે છે. સહરા શણના ખેતરમાં છેલ્લા તબક્કાના નીંદણમાં રોપાયેલી છે. તેની 10-દશાંશ જમીનમાં આ વ્યસ્ત દિવસો છે. અને મુનિયાના પ્રશ્નો માટે તેની પાસે અત્યારે જરાય સમય નથી.
"સ્કૂલ કેમ ખૂલતી નથી...!" નાની બાળકી આ જ સવાલ પર અટકી રહી છે. આ વખતે સહરા બે ઘડી થોભે છે, તેની તરફ મોં ફેરવે છે ને કહે છે: "દેખિશ ના કીગોરમ (તને દેખાતું નથી કેટલી ગરમી પડે છે? આઠ મહિનાથી વરસાદનું એક ટીપું નથી." એકેક શબ્દ બોલતાં એ પોતાના અવાજમાં વધતી જતી નિરાશાને કાબૂમાં લેવાનો સખત પ્રયાસ કરે છે.
"તો પછી એ લોકો એસી કેમ નથી લગાવતા?" મુનિયાના પ્રશ્નોનો અંત નથી.
"સરકાર પાસે પૈસા નથી." સહરાની ધીરજ હવે ઘટી રહી છે.
"તો પછી બોરોલોક(પૈસાવાળા)ની અંગ્રેજી શાળાઓ પાસે આટલા બધા એસી કેવી રીતે છે?"
સહરા ફરી માથું નીચું કરી મહેનતમાં ડૂબી જાય છે અને સાંજ સુધી મૌન રહે છે. આજે એણે પોતાનું કામ અધૂરું છોડીને આજે મુનિયા સાથે ઘરે જવાની ઉતાવળ કરવી પડી એક છે. મતદાનનો દિવસ છે. સહરા કામ વહેલું આટોપી પ્રાથમિક શાળાના બૂથ તરફ ઝડપભેર મત આપવા માટે જાય છે, તેની પાછળ દોડતી એની આઠ વર્ષની છોકરી છે.
"અમ્મી, તમારે મત આપવાની શી જરૂર છે?" મુનિયાના પ્રશ્નોનો મારો આજે અવિરત છે. સહરાને રાહત છે કે બે ઘડી વિષય બદલાયો છે, પરંતુ એનામાં તેની પુત્રી સાથે જીભાજોડી કરવાની તાકાત નથી.
"ખબર છે મેં પેલા દિવસે ટીવી પર એક મોટા નેતાને બોલતા સાંભળેલા. એ કહેતા હતા કે તેમને મુસ્લિમ મતોની જરૂર નથી! આપણે તો મુસ્લિમ છીએને અમ્મી. તો અમે શા માટે મત આપીએ છીએ?"
સહરા રસ્તાની વચોવચ અડધા ડગલે જ અટકી, એક શબ્દ બોલ્યા વિના ઘાતક નજરે જાણે નાનકીને એકીટસે તાકી રહેવા જ ઊભી હતી. અને માની એ ટાઢી ને ઘાતક નજરનો અર્થ મુનિયા બરાબર જાણતી હતી. તે ચૂપ થઈ ગઈ.


