" શુક્રવારે જયારે G20 સમિટ માટે આવી રહેલા વૈશ્વિક નેતાઓને ઉષ્માપૂર્વક આવકારતી રાજધાની દિલ્હી ઝળહળી ઉઠી , ત્યારે જ દિલ્હીના હાંસિયામાં રહેતા લોકોના વિશ્વમાં અંધકાર છવાઈ ગયો : વિસ્થાપિત ખેડૂતોને , હવે યમુના પૂરના શરણાર્થીઓને , ઝડપથી નજર સામેથી દૂર કરવામાં આવ્યા . તેઓને ગીતા કોલોની ફ્લાયઓવરની નીચે તેમના કામચલાઉ વસાહતમાંથી દૂર ભગાડી નદીના કિનારે આવેલા જંગલી વિસ્તારોમાં મોકલવામાં આવ્યા છે અને આગામી ત્રણ દિવસ સુધી ત્યાં છુપાઈ જવાનું કહેવામાં આવ્યું છે .
" અમારામાંથી કેટલાકને પોલીસે બળજબરીથી દૂર કર્યા છે . 15 મિનિટમાં અમને જગ્યા ખાલી નહીં થાય તો તેઓ અમને જબરજસ્તીથી દૂર હટાવશે એમ કહેવામાં આવ્યું ," હીરાલાલે પારીને કહ્યું .
અહીં જંગલ વિસ્તારના ઊંચા ઘાસમાં સાપ , વીંછી અને બીજા ઘણાં જોખમો છુપાયેલા છે . " અમારા પરિવારો વીજળી અને પાણી વિનાના છે . જો કોઈને કરડવામાં આવે અથવા ડંખ મારવામાં આવે , તો ત્યાં કોઈ તબીબી સહાય નથી ," એક સમયના આ ગૌરવશાળી ખેડૂત જણાવે છે .
*****
હીરાલાલે પરિવારનું રસોઈ માટેનું ગેસ સિલિન્ડર લેવા દોટ મૂકી. દિલ્હીમાં રાજઘાટની નજીક સ્થિત બેલા એસ્ટેટમાં આવેલા તેમના ઘરમાં પૂરનું કાળું પાણી ઘૂસી ગયું હોઈ, આ 40 વર્ષીય વ્યક્તિ કોઈ જોખમ લેવા માંગતા ન હતા.
તે 12 જુલાઈ, 2023ની રાત હતી. દિવસો સુધી ભારે વરસાદના કારણે યમુના નદીમાં પાણી ઊછાળા લઈ રહ્યું હતું, અને દિલ્હીમાં તેના કિનારે રહેતા હીરાલાલ જેવા લોકો પાસે ત્યાંથી બચી નીકળવા પૂરતો સમય ન હતો.
મયૂર વિહારના યમુના પુશ્તા વિસ્તારમાં રહેતાં 60 વર્ષીય ચમેલીએ (જેઓ ગીતા નામથી ઓળખાય છે) તેમના યુવાન પાડોશીની એક મહિનાની નાની બાળકી રિંકીને ઊતાવળે ઊંચકી લીધી હતી. આ દરમિયાન તેમની આસપાસ, લોકો તેમની ડરી ગયેલી બકરીઓ અને ગભરાએલા કૂતરાઓને તેમના ખભા પર બેસાડીને લઈ જઈ રહ્યા હતા, જેમાંથી ઘણાં જાનવરો રસ્તામાં જ મૃત્યું પામ્યાં હતાં. ઉભરતું અને ઝડપથી વહેતું પાણી તેમનો તમામ સામાન ભરખી જાય, તે પહેલાં નિઃસહાય રહેવાસીઓ વાસણો અને કપડાં એકઠા કરી રહ્યાં હતાં.
બેલા એસ્ટેટમાં હીરાલાલના પાડોશી, 55 વર્ષીય શાંતિ દેવી કહે છે, “સવાર પડતાં પડતાં પાણી બધે ફેલાઈ ગયું હતું. અમને બચાવવા માટે ત્યાં એકે હોડીની સગવડ ન હતી. લોકોને જ્યાં જ્યાં સુકી જમીન નજરે પડી ત્યાં તેઓ આશરો લેવા દોડી પડ્યાં. અમારો પહેલો વિચાર અમારાં બાળકોને બચાવવાનો હતો; કારણ કે ગંદા પાણીમાં સાપ અને અન્ય જીવો હોઈ શકે છે, જે અંધારામાં દેખાતા નથી.”
તેઓ નિઃસહાય બનીને તેમના ખોરાક માટેનું રાશન અને બાળકોના અભ્યાસ માટેનાં પુસ્તકોને પાણીમાં તરતાં નિહાળી રહ્યાં હતાં. “અમે 25 કિલો ઘઉં ગુમાવ્યા, કપડાં ઊડી ગયાં…”
થોડાક અઠવાડિયા પછી, ગીતા કોલોની ફ્લાયઓવર હેઠળના તેમના કામચલાઉ ઘરોમાં, બચી ગયેલા વિસ્થાપિત લોકોએ પારી સાથે વાતચીત કરી હતી. ઓગસ્ટની શરૂઆતમાં હીરાલાલે કહ્યું, “પ્રશાસનને સમય સે પહેલે જગાહ ખાલી કરને કી ચેતાવની નહીં દી. કપડે પહેલે સે બાંધ કે રખે થે, ભગવાન મેં ઉઠા-ઉઠા કે બકરીયાં નિકાલી… હમને નાંવ ભી માંગી જાનવરોં કો બચાને કે લિયે, પર કુછ નહીં મિલા [સત્તાધીશોએ અમને સમયસર બહાર નીકળવાનું કહેવાની જાહેરાત પણ નહોતી કરી. અમે પહેલેથી જ અમારાં કપડાં બાંધી દીધાં હતાં, અમારાથી બને તેટલાં બકરાંને અમે બચાવ્યાં હતાં, અમે અમારાં જાનવરોને બચાવવા માટે હોડી માંગી હતી પરંતુ કંઈ હાથ નહોતું લાગ્યું].”
હીરાલાલ અને શાંતિ દેવીના પરિવારો ગીતા કોલોની ફ્લાયઓવરની નીચે છેલ્લા બે મહિનાથી રહે છે. તેઓ ફ્લાયઓવરની નીચે તેમના કામચલાઉ સ્થળે રાત્રે ફક્ત એક બલ્બ પ્રગટાવવા જેવી તેમની મૂળભૂત વીજળીની જરૂરિયાતો માટે પણ સ્ટ્રીટલાઇટના અજવાળા પર નિર્ભર છે. હીરાલાલ દિવસમાં બે વાર, 4 થી 5 કિલોમીટર દૂર દરિયાગંજમાં આવેલા સાર્વજનિક પાણીના નળમાંથી 20 લિટર પીવાનું પાણી તેમની સાઇકલ પર ખેંચીને લાવે છે.
તેઓને તેમના જીવનને ફરીથી પાટા પર લાવવા માટે કોઈ વળતર મળ્યું નથી, અને હીરાલાલ, એક સમયે યમુના કિનારે રહેતા આ ગૌરવશાળી ખેડૂત, હવે બાંધકામ મજૂર તરીકે કામ કરે છે; તેમનાં પાડોશી, શાંતિ દેવીના પતિ, 58 વર્ષીય રમેશ નિષાદ પણ ભૂતપૂર્વ ખેડૂત છે, પણ હવે વ્યસ્ત રસ્તા પર કચોરી (નાસ્તો) વેચનારાઓની લાંબી લાઇનમાં પોતાની લારી નાખીને ઊભા છે.
પરંતુ તેમનું આ તાત્કાલિક ભવિષ્ય પણ હવે જોખમમાં મૂકાયું છે, કારણ કે સરકાર અને દિલ્હી G20 સમિટનું આયોજન કરી રહી છે, ત્યારે તેમને આગામી બે મહિના સુધી આ જગ્યા ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. સત્તાવાળાઓએ આદેશ આપ્યો છે કે, “નજરે ન પડતા.” શાંતિ પૂછે છે, “તો પછી ખાવા-પીવાનો બંદોબસ્ત કઈ રીતે કરીશું? દુનિયા સામે દેખાદેખીમાં તમે તમારા જ લોકોના ઘરો અને આજીવિકાનો નાશ કરી રહ્યા છો.”
16 જુલાઈના રોજ દિલ્હી સરકારે દરેક પૂરગ્રસ્ત પરિવારને 10,000 રૂપિયાની રાહત આપવાની જાહેરાત કરી હતી. આ રકમ સાંભળીને હીરાલાલ હેબતાઈ ગયા. તેઓ કહે છે, “આ તે કેવું વળતર છે? તેઓ કયા આધારે આ આંકડા પર આવ્યા? શું અમારા જીવનની કિંમત ફક્ત 10,000 રૂપિયા જ છે? હાલ તો એક બકરીની કિંમત 8,000-10,000 રૂપિયા હોય છે. કામચલાઉ ઘર બનાવવા માટે પણ 20,000-25,000 રૂપિયા ખર્ચ થાય છે.”
અહીં રહેતા મોટા ભાગના લોકો પોતાની જમીન ગુમાવી ચૂક્યા છે, જેના પર એક સમયે તેઓ ખેતી કરતા હતા; હવે તેઓ દૈનિક મજૂરી કરવા અને રિક્ષા ખેંચવા અને ઘરેલું કામ કરવા મજબૂર છે. તેઓ પૂછે છે, “શું કોને કેટલું નુકસાન થયું હતું તે નક્કી કરવા માટે એકે સર્વે કરવામાં આવ્યો હતો?”
છ અઠવાડિયા પછી હવે પાણીતો ઓછું થઈ ગયું છે, પરંતુ બધા લોકોને વળતર નથી મળ્યું. રહેવાસીઓ લાંબી કાગળ પરની કાર્યવાહી અને કંટાળાજનક પ્રક્રિયાઓને દોષ આપે છે. કમલલાલ કહે છે, “પહેલાં તેઓએ કહ્યું કે તમારું આધાર કાર્ડ, બેંકનાં કાગળિયાં, ફોટા લાવો… પછી તેઓએ રાશન કાર્ડ માંગ્યા…” સરકારે યોગ્ય પગલાં લીધાં હોત તો જેને ટાળી શકાય તેવી આ માનવસર્જિત આપત્તિનો ભોગ બનેલા 150 જેટલા પરિવારોને આખરે આ નાણાં મળશે કે કેમ તે પણ તેમને ખબર નથી.
આ વિસ્તારના લગભ 700 જેટલા કૃષિ પરિવારોએ રાજ્યની વિવિધ પરિયોજનાઓમાં પોતાની જમીન પહેલાં પણ ખોયી છે. પુનર્વસન મેળવવાના તેમના અગાઉના પ્રયાસોમાં પણ હજું કોઈ સફળતા હાથ નથી લાગી. સત્તાવાળાઓ સાથે સતત ઘર્ષણ યથાવત છે, જેનો તેઓ અંત લાવવા માંગે છે. તે ‘વિકાસ’ હોય, વિસ્થાપન હોય, આપત્તિ હોય કે પ્રદર્શન, દરેક યોજનામાં છેલ્લે નુકસાન તો દર વખતે ખેડૂતોનું જ થાય છે. કમલ એ બેલા એસ્ટેટ મઝદૂર બસ્તી સમિતિ જૂથના એક સભ્ય છે, જે વળતર માટે માંગણી કરી રહ્યા છે, પરંતુ ઓગસ્ટની એક ભેજવાળી બપોરે સાઇટ પર પરસેવો લૂછતા આ 37 વર્ષીય વ્યક્તિ કહે છે, “પૂરના કારણે અમારો વિરોધ રોકાઈ ગયો હતો.”
*****
લગભગ 45 વર્ષ પછી દિલ્હી ફરી ડૂબી રહ્યું છે. 1978માં યમુના તેના અધિકૃત સલામતી સ્તરથી 1.8 મીટર ઊંચી સપાટીએ પહોંચીને 207.5 મીટરની ઊંચાઈ આંબી ગઈ હતી. આ વર્ષે જુલાઈમાં, તે 208.5 મીટરને પાર કરી ગઈ હતી, જે એક સર્વકાલીન રેકોર્ડ છે. હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં બંધ સમયસર ખોલવામાં આવ્યા ન હતા અને ફુલેલી નદીમાં દિલ્હીમાં પૂર આવ્યું હતું, જેના પરિણામે જીવન, ઘરો અને આજીવિકાનું નુકસાન થયું હતું; પાક અને અન્ય જળાશયોને પણ વ્યાપક નુકસાન થયું હતું.
1978માં આવેલા પૂર દરમિયાન, દિલ્હી સરકારના સિંચાઈ અને પૂર નિયંત્રણ વિભાગે નોંધ્યું હતું કે, ‘તેમાં અંદાજે 10 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું, અને 18 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને હજારો લોકો બેઘર થયા હતા.’
આ વર્ષે, જુલાઈમાં ઘણા દિવસો સુધી વરસાદ આવ્યો હતો જે પૂર માટે કારણભૂત બન્યો હતો. એક જનહીતની અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે 25,000થી વધુ લોકો સીધી કે આડકતરી રીતે પ્રભાવિત થયા હતા. યમુના નદી પ્રોજેક્ટ: ન્યુ દિલ્હી અર્બન ઇકોલોજી મુજબ, પૂરના મેદાનના સતત અતિક્રમણના ગંભીર પરિણામો આવશે, “…જેવા કે પૂરના મેદાનના નીચાણવાળા વિસ્તારોમાં બાંધવામાં આવેલા બાંધકામોનો વિનાશ અને પૂર્વ દિલ્હીમાં પાણીનો ઘેરાવો.”
યમુના કિનારે લગભગ 24,000 એકરમાં ખેતી થઈ રહી છે, અને ખેડૂતો એક સદી કરતાં પણ વધુ સમયથી અહીં ખેતી કરી રહ્યા છે. પરંતુ પૂરના મેદાનોમાં મંદિર, મેટ્રો સ્ટેશન, કોમનવેલ્થ ગેમ્સ વિલેજ (CWG)ના કોન્ક્રીટાઈઝેશનથી પૂરના પાણીને સ્થાયી થવા માટેની જમીનમાં નિરંતર ઘટાડો થઈ રહ્યો છે. વાંચો: મોટું શહેર, નાના ખેડૂતો અને મૃત્યુ પામતી નદી
બેલા એસ્ટેટના કમલ કહે છે, “આપણે ગમે તે કરીએ, કુદરત તેનો રસ્તો કરી જ લેશે. અગાઉ વરસાદ અને પૂર દરમિયાન પાણી ફેલાઈ જતું હતું, અને હવે [પૂરના મેદાનોમાં] જગ્યા ઓછી હોવાને કારણે, તેને વહેવા માટે ઉપર ઉઠવાની ફરજ પડી હતી, અને આ પ્રક્રિયામાં અમારો નાશ થયો હતો.” કમલ હજુ પણ 2023ના પૂરની કિંમત ચૂકવી રહ્યા છે. તેઓ ઉમેરે છે, “સાફ કરની થી યમુના, લેકીન હમેં હીં સાફ કર દિયા!”
કમલ આગળ કહે છે, “યમુના કે કિનારે વિકાસ નહીં કરના ચાહિયે. યે ડુબ ક્ષેત્ર ઘોષિત હૈ. CWG, અક્ષરધામ, મેટ્રો યે સબ પ્રકૃતિ કે સાથ ખિલવાડ હૈ. પ્રકૃતિ કો જીતની જગા ચાહિયે, વો તો લેગી. પહલે પાની ફૈલકે જાતા થા, ઔર અબ ક્યૂંકી જગહ કમ હૈ, તો ઉઠ કે જા રહા હૈ, જિસકી વજહ સે નુક્સાન હમેં હુઆ હૈ [અમે નથી ઇચ્છતા કે યમુના કિનારાના પૂરના મેદાનોનો વિકાસ થાય. તે પહેલાંથી જ પૂરગ્રસ્ત વિસ્તાર તરીકે નિયુક્ત છે. પૂરના મેદાનોમાં CWG, અક્ષરધામ મંદિર, મેટ્રો સ્ટેશન બનાવવું એ કુદરત સાથે રમવા સમાન છે.”
ગંભીર મુદ્રામાં રાજેન્દ્ર કહે છે, “દિલ્હી કો કિસને ડુબોયા [દિલ્હીને કોણે ડુબાડી]? દિલ્હી સરકારનો સિંચાઈ અને પૂર નિયંત્રણ વિભાગે દર વર્ષે 15 થી 25 જૂનની વચ્ચે તૈયાર રહેવાનું હોય છે. જો તેઓએ બંધના દરવાજા [સમયસર] ખોલ્યા હોત, તો પાણી આ રીતે છલકાયું ન હોત. પાની ન્યાય માંગને સુપ્રીમ કોર્ટ ગયા થા [પાણી જાણે કે ન્યાય મેળવવા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યું હતું].”
24 જુલાઈ, 2023ના રોજ ‘દિલ્હીનું પૂર: અતિક્રમણ કે અધિકાર?’ શિર્ષક હેઠળ જાહેર ચર્ચાને સંબોધિત કરતી વખતે અલવાર સ્થિત પર્યાવરણવાદીએ ધ્યાન દોર્યું હતું કે, “આ કોઈ કુદરતી આપત્તિ નહોતી. અગાઉ પણ અનિયમિત વરસાદ થયો છે.” તેનું આયોજન યમુના સંસદ દ્વારા દિલ્હીમાં કરવામાં આવ્યું હતું, જે યમુનાને પ્રદૂષણથી બચાવવા માટે લોકોની પહેલ છે.
ડૉ. અશ્વની કે. ગોસાઈને ચર્ચામાં જણાવ્યું હતું કે, “આ વર્ષે યમુના સાથે જે બન્યું તે જોતાં તે માટે જવાબદાર લોકોને કડક સજા કરવી જોઈએ.” તેઓ 2018માં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા સ્થાપિત યમુના મોનિટરિંગ કમિટીના નિષ્ણાત સભ્ય હતા.
બંધના બદલે જળાશયો બનાવવાની હિમાયત કરતા ગોસાઈન પૂછે છે, “પાણીને પણ વેગ હોય છે. પાળા વિના પાણી ક્યાં જશે?” ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલૉજી, દિલ્હીમાં સિવિલ એન્જિનિયરિંગના એમેરિટસ પ્રોફેસર ગોસાઈન નિર્દેશ કરે છે કે 1,500 અનધિકૃત વસાહતો તેમજ શેરી સ્તરે ગટરના અભાવને કારણે તે બધાં ગટરની લાઇનોમાં પાણી મોકલે છે અને “આનાથી રોગો પણ થાય છે.”
*****
બેલા એસ્ટેટના ખેડૂતો પહેલાંથી જ આબોહવા પરિવર્તન સાથે અનિશ્ચિતતામાં જીવી રહ્યા છે, તેમની ખેતી બંધ થઈ ગઈ છે, પુનર્વસનનાં કોઈ એંધાણ નથી અને ઘર છોડવાના ભય હેઠળ જીવન ગુજારી રહ્યા છે. વાંચોઃ ‘ રાજધાનીમાં ખેડૂતો સાથે આવું વર્તન કરવામાં આવે છે. ’ તાજેતરના પૂરથી થયેલ નુકસાનની શ્રેણી તેની નવીનતમ કડી છે.
તેમની પત્ની અને અનુક્રમે 17, 15, 10, અને 8 વર્ષની વયના ચાર બાળકો સાથે રહેતા હીરાલાલ કહે છે, “4-5 લોકોનો એક પરિવાર રહી શકે તેવી 10 x 10ની એક ઝુંપડી [કામચલાઉ ઘર] બનાવવા માટે 20,000-25,000 રૂપિયા ખર્ચ થાય છે. એકલી વોટરપ્રૂફિંગ શીટની કિંમત જ 2,000 રૂપિયા છે. જો અમે અમારાં ઘર બાંધવા માટે મજૂર રાખીએ, તો અમારે તેને દરરોજ 500-700 રૂપિયા ચૂકવવા પડશે. જો અમે જાતે આ કામ કરીએ, તો અમારે અમારી એક દિવસની મજૂરીથી હાથ ધોવા પડશે.” એટલે સુધી કે વાંસના સળિયાની કિંમત પણ 300 રૂપિયા છે, અને તેઓ કહે છે કે એક ઝુંપડી બનાવવા માટે તેમણે ઓછામાં ઓછા 20 સળિયાની જરૂર પડશે. વિસ્થાપિત પરિવારોને તેમના નુકસાન માટે કોણ વળતર આપશે તે અંગે પણ અનિશ્ચિતતા છે.
વધુમાં તેમના પશુધનને ફરીથી ખરીદવાનો ખર્ચ તો હજુ બાકી જ છે, જેમાંથી ઘણા પૂરમાં તણાઈ ગયા હતા. તેઓ ઉમેરે છે, “એક ભેંસની કિંમત 70,000 રૂપિયાથી વધુ હોય છે. તે જીવતી રહે અને સારું દૂધ આપે તે માટે તમારે તેને સારી રીતે ખવડાવવું પડશે. અમારા બાળકોની દૈનિક દૂધની જરૂરિયાત માટે અને ચા માટે અમારે જે બકરી રાખવી પડે છે તેના પાછળ પણ 8,000-10,000 રૂપિયાનો ખર્ચ થાય છે.”
તેમનાં પાડોશી, શાંતિ દેવીએ પારીને કહ્યું કે તેમના પતિ યમુના કિનારે જમીનમાલિક અને ખેડૂત તરીકે ઓળખાવા માટેની લડાઈ હારી ગયા પછી, સાઇકલ પર કચોરી વેચે છે, પણ તેઓ રોજના માંડ 200-300 રૂપિયા જ કમાઈ શકે છે. તેઓ કહે છે, “પોલીસ દર મહિને સાઇકલ દીઠ 1,500 રૂપિયા વસૂલે છે, પછી ભલેને તમે ત્યાં ત્રણ દિવસ ઊભા હોય કે 30 દિવસ.”
પૂરનું પાણી તો ઓછું થઈ ગયું છે, પરંતુ ત્યાં અન્ય જોખમો છુપાયેલાં છે: મેલેરિયા, ડેન્ગ્યુ, કોલેરા, ટાઈફોઈડ જેવા પાણીજન્ય રોગો ખતરો ઉભો કરે છે. જ્યારે રાહત શિબિરોમાં પૂરના તરત પછી દરરોજ 100થી વધુ આઈ ફ્લૂના કેસો નોંધાયા પછી, તેમને વિખેરી નાખવામાં આવ્યા હતા. અમે તેમને મળ્યા ત્યારે હીરાલાલની આંખો પણ લાલ રંગની થઈ ગઈ હતી. તેમની પાસે મોંઘી કિંમતના સનગ્લાસની જોડી હતી: “આની કિંમત 50 રૂપિયા હોય છે, પણ માંગને કારણે હાલ તે 200 રૂપિયામાં વેચાઈ રહ્યા છે.”
જે વળતર પૂરતું નથી થઈ રહેવાનું તેની રાહ જોઈ રહેલા પરિવારો વતી તેઓ વ્યંગવાળા સ્મિત સાથે કહે છે, “આ કોઈ નવી વાત નથી, લોકો હંમેશાં અન્યોની પીડામાંથી લાભ ઉઠાવે છે.”
આ લેખને સપ્ટેમ્બર 9, 2023ના રોજ ઉપડૅટ કરવામાં આવેલ છે.
અનુવાદક: ફૈઝ મોહંમદ