ઝાકિર હુસૈન અને મહેશ કુમાર ચૌધરી બાળપણના મિત્રો છે. હવે તેઓ ચાલીસેક વર્ષના છે, અને હજુ પણ એકબીજાની નજીક છે. ઝાકિર અજના ગામમાં રહે છે અને પાકુડમાં બાંધકામ ઠેકેદાર તરીકે કામ કરે છે, જે શહેરમાં મહેશ એક નાની રેસ્ટોરન્ટ ચલાવે છે.
મહેશ કહે છે, “પાકુડ (જિલ્લો) ખૂબ જ શાંતિપૂર્ણ સ્થળ છે; અહીંના લોકોમાં સુમેળથી રહે છે.”
તેમના મિત્રની બાજુમાં બેઠેલા ઝાકિર ઉમેરે છે, “[આસામના મુખ્યમંત્રી] હિમંતા વિશ્વ શર્મા જેવા બહારથી આવતા લોકો જ તેમના ભાષણોથી લોકોને ઉશ્કેરી રહ્યા છે.”
સંથાલ પરગણા પ્રદેશનો એક ભાગ એવો પાકુડ ઝારખંડની પૂર્વિય સરગદ પર આવેલો છે, જ્યાં 20 નવેમ્બર, 2024ના રોજ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. કુલ 81 બેઠકો માટે ચૂંટણી યોજાઈ રહી છે. 2019ની છેલ્લી ચૂંટણીમાં ઝારખંડ મુક્તિ મોરચા (જે.એમ.એમ.)ની આગેવાની હેઠળના ગઠબંધને ભાજપને હરાવી દીધું હતું.
ગમે તેમ કરીને સત્તામાં પાછા ફરવા માટે ભાજપે મતદારોને આકર્ષવા માટે આસામના મુખ્યમંત્રી સહિત અન્ય લોકોને મોકલ્યા છે. ભાજપના નેતાઓએ મુસ્લિમ સમુદાયો સામે ગુસ્સો ઠાલવ્યો છે અને તેમને ‘બાંગ્લાદેશના ઘૂસણખોરો’ ગણાવ્યા છે.
ઝાકિર આગળ કહે છે, “હિંદુઓ મારી બાજુમાં રહે છે; તેઓ મારા ઘરે આવે છે, અને હું તેમના ઘરે જાઉં છું. હિંદુ-મુસ્લિમનો મુદ્દો હંમેશાં માત્ર ચૂંટણી દરમિયાન જ સામે આવે છે. અન્યથા તેઓ [ભાજપ] કેવી રીતે જીતશે?”
સપ્ટેમ્બર, 2024માં જમશેદપુરમાં યોજાયેલી એક રેલીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઘૂસણખોરીના મુદ્દાઓને પોતાનું રાજકીય મહત્ત્વ આપ્યું હતું. તેમણે પ્રેક્ષકોના ટોળાને સંબોધીને કહ્યું હતું, “સંથાલ પરગણામાં આદિવાસીઓની વસ્તી ઝડપથી ઘટી રહી છે. જમીનો જપ્ત કરવામાં આવી રહી છે. ઘૂસણખોરો પંચાયતોમાં હોદ્દાઓ પર કબજો કરી રહ્યા છે.”
રક્ષામંત્રી રાજનાથ સિંહ અને ગૃહમંત્રી અમિત શાહે પણ પોતાના જાહેર ભાષણોમાં આવી જ વાતો કરી છે. ભાજપના ચૂંટણી મેનિફેસ્ટોમાં કહેવામાં આવ્યું છે કે, “અમે ઝારખંડમાં ગેરકાયદેસર બાંગ્લાદેશી ઘૂસણખોરીને રોકવા અને આદિવાસી સમુદાયોના અધિકારોનું રક્ષણ કરવા માટે નક્કર પગલાં લઈશું.”












