ગોકુલને દિવસ-રાત આગ સાથે ખેલ ખેલવાના હોય છે. તેઓ લોખંડને તપાવીને લાલ કરે છે, તેની પર હથોડો ટીપે છે અને તેને આકાર આપે છે. લોખંડને આગમાં તપાવતી વખતે કે પછી ટીપતી વખતે ઝરતા તણખાને કારણે તેમના કપડાંમાં અને તેમના જૂતામાં નાના-મોટા કાણા પડી જાય છે; તેમના હાથ પરના ડામ (દાઝ્યાના નિશાન) ભારતીય અર્થતંત્રનાં પૈડાં ફરતા રહે એ માટે તેમણે કરેલી તનતોડ મહેનતના પુરાવા છે.
તેમણે બજેટ વિષે સાંભળ્યું છે કે કેમ એમ પૂછવામાં આવતા તેઓ કહે છે, "ક્યા હુંદા હૈ [તે વળી શું છે]?"
સંસદમાં 2025 નું કેન્દ્રીય બજેટ રજૂ થયાને 48 કલાકથી પણ ઓછો સમય થયો છે અને આ સમાચાર દેશભરમાં પ્રસારિત થઈ ગયા છે. પરંતુ બાગડિયા સમુદાયના વિચરતા લુહાર ગોકુલ માટે કશું જ બદલાયું નથી.
ચાલીસેક વર્ષના આ લુહાર કહે છે, “જુઓ, વાત એમ છે કે અમારે માટે કોઈએ કંઈ જ કર્યું નથી. લગભગ 700-800 વર્ષ આમ ને આમ જ વીતી ગયા છે. અમારી પેઢીઓની પેઢીઓને પંજાબની ભૂમિમાં દફન થઈ ગઈ છે. આજ સુધી કોઈએ અમને કંઈ આપ્યું નથી."




