“ઈંગ્લીશ” વર્ગના બાળકો એકસાથે બોલ્યા. "તેમનો પ્રિય વિષય કયો છે?" એવા અમારા પ્રશ્નનો એમનો એ સામૂહિક જવાબ હતો. જો કે એ ભારતની નિશાળના વર્ગખંડમાં પૂછવા માટેનો સૌથી ચતુર પ્રશ્ન તો ના જ કહી શકાય. જો પહેલાં બે બાળકો "અંગ્રેજી" કહે, તો રૂમમાં રહેલું દરેક ટબૂડીયું તે જ કહેશે એની ખાતરી. જ્યારે તમે જુઓ છો કે પહેલા બે બાળકોને એમના જવાબ બદલ કોઈ ઠપકો મળતો નથી ત્યારે તમે સમજી જાઓ છો કે આગળ રસ્તો સાફ છે.
પરંતુ આ માત્ર કોઈ જેવીતેવી જગ્યા નથી. તે એડલિપારામાં એકમાત્ર શિક્ષક દ્વારા ચલાવતી ટ્રાઇબલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ શાળા છે. તે કેરળના સૌથી દૂરના અને એકમાત્ર આદિવાસી પંચાયત, એડમલકુડીમાં આવેલી છે. શાળાની બહાર ક્યાંય પણ તમને કોઈ અંગ્રેજી બોલતું સંભળાય એ શક્ય જ નથી. તે ભાષામાં કોઈપણ બોર્ડ, પોસ્ટર અથવા સાઈનેજ પણ શોધ્યા જડે એમ નથી. તેમ છતાં, બાળકોએ કહ્યું કે અંગ્રેજી તેમનો પ્રિય વિષય છે. બીજી ઘણી શાળાઓની જેમ, ઇડુક્કી જિલ્લાની આ શાળા પણ 1 થી 4 ધોરણના વિદ્યાર્થીઓને એક વર્ગમાં ભેગા ભણાવે છે. ગંભીર રીતે ઓછો પગાર, ભારે વધારે કામ, અશક્ય પરિસ્થિતિઓ સામે લડીને પણ પોતાના સમૂદાય માટે કામ કરતાં એક અદ્ભુત શિક્ષકની દેખરેખમાં આ શાળા ચાલે છે.
બધાંની વચ્ચે એક અવાજ વિરોધનો છે, “ગણિત”!! એક બહાદુર નાનો છોકરો ઊભો થઈને બોલ્યો. એને ઊંચકીને સળગતા કોલસા પર ઊભો કરતાં હોઈએ એમ અમે માંગણી કરી, 'ચાલો તો અમને તમારું ગણિત બતાવો'. તે તેની નાનકડી છાતીને ફુલાવી કડકડાટ 1 થી 12 ના ઘડિયા બોલવા લાગ્યો, હા શ્વાસ લેવા રોકાયો કે ના તાળીઓના ગડગડાટ માટે. એ બીજી વાર ચાલુ કરે એ પહેલાં જ અમારે એને અટકાવવો પડ્યો.





