વિમલ ઠાકરે વાંગાણી શહેરમાં તેમના બે ઓરડાવાળા ઘરના નાના બાથરૂમમાં કપડાં ધોઈ રહ્યાં છે. તેમના હાથ નબળા પડી ગયા છે અને તેથી સાડી, શર્ટ અને અન્ય કપડાંના ઢગલા પર સાબુ લગાવવામાં અને લીલા પ્લાસ્ટિકના મગમાંથી પાણી રેડવામાં તેઓ સંઘર્ષ કરી રહ્યાં છે.
તેઓ પછી તે દરેક ધોયેલી વસ્તુને નાકની પાસે લઈ જાય છે અને તે સ્વચ્છ છે કે કેમ તેની ખાતરી કરવા માટે તેને ઘણી વખત સૂંઘે છે. પછી, દિવાલને પકડીને, દિશા માટે દરવાજાની ફ્રેમને સ્પર્શ કરીને, તેઓ બાથરૂમમાંથી બહાર નીકળે છે, પરંતુ ઉંબરા પર ઠોકર ખાય છે. પછી તેઓ મારી સાથે વાત કરવા માટે ઓરડામાં બેડ પર બેસે છે.
62 વર્ષીય વિમલ કહે છે, “અમે સ્પર્શ વડે વિશ્વને જોઈએ છીએ, અને તે સ્પર્શ દ્વારા જ અમે અમારી આસપાસના વાતાવરણને અનુભવીએ છીએ.” તેઓ અને તેમના પતિ નરેશ બંને દૃષ્ટિહીન છે. તેઓ મુંબઈની પશ્ચિમ રેલવે લાઇન પર ચર્ચગેટથી બોરીવલી સ્ટેશનો સુધીની ટ્રેનોમાં રૂમાલ વેચતાં હતાં. જોકે, તે કામ 25 માર્ચથી બંધ થઈ ગયું છે, જ્યારે દેશવ્યાપી કોવિડ-19 લોકડાઉન દરમિયાન શહેરની લોકલ ટ્રેન સેવાઓને સ્થગિત કરવામાં આવી હતી.
લોકડાઉન પહેલાં મુંબઈની સ્થાનિક ટ્રેનની ખીચોખીચ ભીડ સામે લડીને, તેઓ સાથે મળીને, કોઈકવાર 250 રૂપિયા જેટલા પણ કમાતાં હતાં. રવિવારે તેઓ આરામ કરતાં હતાં. તેઓ દક્ષિણ મુંબઈમાં મસ્જિદ બંદરના જથ્થાબંધ બજારમાંથી એક સાથે 1,000 રૂમાલ ખરીદતાં હતાં. લોકડાઉન પહેલાં દરરોજ તેઓ 20-25 રૂમાલ વેચવામાં સફળ રહેતાં હતાં, જે દરેકની કિંમત 10 રૂપિયા હતી.
તેમની સાથે રહેતો તેમનો 31 વર્ષીય પુત્ર સાગર 10 ધોરણ સુધી ભણ્યો છે અને લોકડાઉન શરૂ થયું ત્યાં સુધી થાણેમાં એક ઓનલાઈન કંપનીના વેરહાઉસમાં કામ કરતો હતો. તેમણે અને તેમનાં પત્ની મંજુ, જેઓ એક ઘરેલુ કામદાર છે, તેમની બંનેની મળીને માસિક આવક 5,000-6,000 રૂપિયા છે. તેમની ત્રણ વર્ષની પુત્રી સાક્ષી સાથે, ઠાકરે પરિવારનાં પાંચ સભ્યો બે ઓરડાના નાના મકાનમાં સાથે રહે છે. નરેશ કહે છે, “હવે દર મહિને 3,000 રૂપિયા ભાડું ચૂકવવું મુશ્કેલ થઈ પડે છે. આ ઉપરાંત રેશન, દવાઓ અને પ્રસંગોપાત ડૉક્ટરોની ફી જેવા ખર્ચ પણ થાય છે.”









