પ્રહલાદ ધોકે પોતાની ગાયોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ તે માટે, તેમણે નાછૂટકે તેમના ત્રણ એકરના જામફળના બગીચાથી હાથ ધોવા પડશે.
7 થી 8 ફૂટ ઊંચા જામફળના છોડની હાર સામે ઊભા રહીને 44 વર્ષીય પ્રહલાદ આંસુ સાથે કહે છે, “આ એક સાટા વ્યવહાર છે. મેં મારી બચત, સોનું બધું જ ખર્ચી નાખ્યું છે, પણ હવે હું મારા છોડને બચાવવા માટે દરરોજ વધુ પાણી ખરીદી શકતો નથી. તેથી, મેં મારી ગાયોને બચાવવાનું પસંદ કર્યું. આ મુશ્કેલ પસંદગી છે.”
ગાયોને એક વાર વેચી દીધા પછી ફરીથી ખરીદવી મુશ્કેલ છે, અને એપ્રિલની શરૂઆતમાં મહારાષ્ટ્ર સરકારના દુષ્કાળ રાહત પગલાંના ભાગ રૂપે, બીડ જિલ્લામાં તેમના ગામ, વડગાંવ ધોકની બહાર એક પશુ શિબિર યોજાઈ. પ્રહલાદની 12 ગાયો, જેમાં તેમણે સ્થાનિક બજારમાંથી એક-એક લાખમાં ખરીદેલી બે ગીર ગાયોનો સમાવેશ થાય છે તેમને તે શિબિરમાં ખસેડવામાં આવી છે. પરંતુ છોડને છોડી દેવાનો અર્થ છે ભરપાઈ ન થઈ શકે તેવું નુકસાન વેઠવું.
તેઓ કહે છે, “ મારા મોટા ભાઈ ચાર વર્ષ પહેલાં લખનૌ ગયા હતા. તેઓ ત્યાંથી જામફળના રોપા લાવ્યા હતા.” પ્રહલાદ અને તેમના પરિવારને આ બગીચાને ઉછેરવામાં ચાર વર્ષ લાગ્યાં હતાં. પરંતુ દુષ્કાળગ્રસ્ત મરાઠવાડા પ્રદેશમાં વર્ષોના દુષ્કાળ અને વધતી જતી પાણીની અછત પછી 2018માં એક અનાવૃષ્ટી આવી. આ એક એવો પડકાર હતો, જેનો તેઓ સામનો કરી શકે તેમ નહોતા.
જ્યારે આ રાજ્યના કેટલાક તાલુકાઓમાં દુષ્કાળ અને પાણીની અછત દર વર્ષે જોવા મળે છે, ત્યારે મરાઠવાડામાં 2012-13ની વાવણીની મોસમમાં સમગ્ર વિસ્તારમાં પાણીની તીવ્ર અછત શરૂ થઈ હતી (2012ના નિષ્ફળ ચોમાસાએ 2013ના ઉનાળામાં પાણીની અછત સર્જી હતી), ત્યાર બાદ 2014-15માં અને હવે 2018-19માં. આમ તો દર ઉનાળામાં પાણીની અછત સર્જાય જ છે, પણ 2012થી, મરાઠવાડામાં વધતા જતા હવામાનને લગતો દુષ્કાળ (ચોમાસાની નિષ્ફળતા), કૃષિ દુષ્કાળ (ખરીફ અને રવિ પાકની નિષ્ફળતા), અને હાઇડ્રોલોજિકલ દુષ્કાળ (ભૂગર્ભજળનો ઘટાડો) નોંધાયો છે.
વડગાંવ ધોક ગામ જિયોરાઈ તાલુકામાં આવેલું છે, જે ઑક્ટોબર 2018માં મહારાષ્ટ્ર સરકાર દ્વારા દુષ્કાળગ્રસ્ત જાહેર કરાયેલ 151 તાલુકાઓમાંનું એક છે. જિયોરાઈમાં જૂનથી સપ્ટેમ્બર 2018 સુધીમાં 50 ટકાથી પણ ઓછો વરસાદ નોંધાયો હતો – જે ભારતના હવામાન વિભાગની માહિતી અનુસાર આ સમયગાળા દરમિયાનની લાંબા ગાળાના સરેરાશ 628 મિમીની સામે માત્ર 288 મિમી જ હતો. સપ્ટેમ્બરમાં, જે પાક માટે મહત્વનો મહિનો છે, તેમાં સરેરાશ 170 મિમીની સામે વરસાદ માત્ર 14.2 મિમી હતો.









