એક મોટરબાઈક અકસ્માતમાં પોતાનો એક પગ ગુમાવનારા 28 વર્ષીય બિમલેશ જયસ્વાલે જ્યારે મુંબઈની હદમાં આવેલા પનવેલમાં તેમના ભાડાના રૂમમાંથી તેમની હોન્ડા એક્ટિવા પર 1,200 કિલોમીટરથી વધુની સવારી કરીને મધ્યપ્રદેશ રિવા જિલ્લામાં આવેલા તેમના ઘરે જવાનું નક્કી કર્યું, ત્યારે તેમણે એક હિંમતભર્યો નિર્ણય કર્યો હતો. તેમનું સ્કૂટર ત્રણ પૈડાંવાળું છે. અને તેમણે તે મુસાફરી તેમનાં પત્ની 26 વર્ષીય સુનિતા, અને 3 વર્ષીય રૂબી સાથે કરી હતી. તેઓ હહે છે, “મારી પાસે કોઈ વિકલ્પ નહોતો.”
બિમલેશ પનવેલમાં એક ઠેકેદાર માટે કામ કરતા હતા, જેની સાથે તેઓ દરેક નવા પ્રોજેક્ટમાં જોડાતા હતા, અને ત્યાં બાંધવામાં આવનારા દરેક નવા મકાનોની સાફસફાઈ કરતા. તેઓ મને રિવાના હિનૌતી ગામમાં તેમના ઘરેથી ફોન પર કહે છે, “એક પગે કંઈપણ કરવું અઘરું છે, પરંતુ કામ કર્યા વિના કોને છૂટકો છે?” 40 ડિગ્રીને પાર કરી જતી ધગધગતી ગરમીમાંય મુસાફરી કરવાના તેમના મક્ક્મ ઇરાદા પાછળ આ જ લાગણીનું પ્રેરણાબળ હતું તેમાં કોઈ શંકા નથી. આ મુસાફરીએ તેમના જેવા સ્થળાંતર કામદારોમાં તેમના ઘરે પહોંચવા માટેના એ જ ધીરજ, દૃઢ નિશ્ચય અને ઊંડી હતાશા પર પ્રકાશ પાડ્યો હતો.
જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 24 માર્ચે કોરોનાવાયરસના ફેલાવાને અંકુશમાં લેવા માટે દેશવ્યાપી લોકડાઉન જાહેર કર્યું, ત્યારે બિમલેશ જેવા લાખો દૈનિક વેતન મજૂરો મોટી દ્વિધામાં ફસાયા હતા. તેઓ કહે છે, “અમારી પાસે કોઈ કામ નહોતું, તેથી અમને ખોરાક કેવી રીતે મેળવવો તે પણ ખબર ન હતી. અમારું ભાડું અને વીજળીનું બિલ ચૂકવવાની તો વાત જ જવા દો. ચાર કલાકની નોટિસ આપીને આખા દેશને કોણ બંધ કરી દે છે?”
આ પરિવાર તેમ છતાંય પનવેલમાં 50 દિવસ સુધી રોકાયો હતો. બિમલેશ કહે છે, “સ્થાનિક NGO અમને ખોરાક અને રેશન પૂરું પાડતા હતા. અમે ગમે તેમ કરીને બચી ગયા હતા. અમે દરેક તબક્કાના અંતે લોકડાઉન હટાવવાની આશા રાખતાં. પરંતુ જ્યારે અમને સમજાયું કે હજુ આનો ચોથો તબક્કો પણ આવશે, એટલે અમે વિચાર્યું કે આ તો કાયમ માટે રહેશે. મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં કોરોનાવાયરસના કેસ વધી રહ્યા છે, તેથી હિનૌતીમાં ઘરે મારો પરિવાર પણ અમારા માટે ચિંતિત હતો.”
તેથી તેઓએ નક્કી કર્યું કે હવે પનવેલમાં તેમણે ભાડે લીધેલા ઓરડાને છોડીને મધ્યપ્રદેશ ઘરે પાછા જવાનો સમય પાકી ગયો છે. તેઓ કહે છે, “મકાનમાલિક એટલો દયાળુ હતો કે તેણે 2,000 રૂપિયાના ભાડા માટે અમારા પર દબાણ નહોતું કર્યું. તે અમારી નિરાશા સમજી ગયો હતો.”
સુનિતા કહે છે કે તેમણે એક વાર પાછા ફરવાનો નિર્ણય કર્યો પછી, તેમની પાસે ત્રણ વિકલ્પો હતા: એક હતો રાજ્ય દ્વારા આયોજિત શ્રમિક (મજૂર) ટ્રેનોની રાહ જોવી. “પરંતુ બસ ક્યારે આવશે તેની કોઈ સ્પષ્ટ સમયરેખા કે ખાતરી નહોતી.” બીજી શક્યતા એ હતી કે મધ્યપ્રદેશ જતી ઘણી ટ્રકોમાંથી એકાદ ટ્રકમાં ગમે તેમ કરીને જગ્યા મળી જાય. “પરંતુ ડ્રાઇવરો સીટ દીઠ 4,000 રૂપિયા વસૂલતા હતા.”
આનાથી જયસ્વાલ પાસે સ્કૂટર લઈને જવા સિવાય બીજો કોઈ વાસ્તવિક વિકલ્પ વધ્યો ન હતો. જ્યારે હું 15 મેના રોજ મુંબઈ-નાસિક હાઈવે પર ખારેગાંવ ટોલ નાકા પર બિમલેશને મળ્યો, ત્યારે આા પરિવારે 1,200 કિલોમીટરમાંથી માત્ર 40 કિલોમીટર યાત્રા જ પૂરી કરી હતી. તેઓ વિરામ લેવા માટે રોડની એક તરફ ઊભા રહ્યા હતા. સ્કૂટરમાં પગ મૂકવાની જગ્યાએ બે થેલીઓ મૂકેલી હતી. સુનિતા થોડીક ખેંચાણ દૂર કરવા માટે નીચે ઉતર્યાં હતાં, જ્યારે રૂબી તેમના હાથમાં રમી રહી હતી.
બિમલેશની કાખઘોડી સ્કૂટરના ટેકે રાખેલી હતી. તેઓ કહે છે, “2012માં, મારો બાઇક સાથે એક ગંભીર અકસ્માત થયો હતો. તેમાં મેં મારો ડાબો પગ ગુમાવ્યો હતો. ત્યારથી હું આ કાખઘોડીનો ઉપયોગ કરું છું.”
અકસ્માતના ચાર વર્ષ પહેલાં - 2008માં મુંબઈના મોટા શહેરમાં કામની શોધમાં આ તેજસ્વી આંખોવાળા કિશોર બિમલેશ મુંબઈ આવ્યા હતા. તેઓ બાંધકામ મજૂર તરીકે કામ કરતા હતા. તે સમયગાળામાં તેઓ પ્રતિ માસ 5,000-6,000 કમાતા હતા.
પછી અકસ્માત થયો. જેમાં બાઈક-સવાર બિમલેશને એક ટ્રકે ટક્કર મારી હતી અને તેના પગને કચડી નાખ્યો હતો. આ 2012માં બન્યું હતું.
ત્યારથી, તેઓ ઠેકેદારના હેઠળ ઘરોમાં ડસ્ટિંગ અને સાફસફાઈ કરવાનું કામ કરીને દર મહિને લગભગ 3,000 રૂપિયાની કમાણી કરે છે. આ કમાણી તેઓ એકાદ દાયકા પહેલાં જેટલું કમાતા હતા તેનાથી અડધી જ છે. જ્યારે લોકડાઉન શરૂ થયું ત્યારે સુનિતા ઘરેલુ કામદાર જેટલી જ કમાણી કરતાં હતાં - તેઓ બંનેની માસિક આવક મળીને 6,000 થતી હતી.
રૂબીના જન્મ પછી પણ સુનિતાએ કામ કરવાનું ચાલુ રાખ્યું હતું. પરંતુ 25 માર્ચથી તેમણે કંઈ કમાણી કરી નથી − તેમના નોકરીદાતાએ તેમને આ સમયગાળા દરમિયાન કોઈ ચૂકવણી કરી નથી. તેઓ મધ્યપ્રદેશ જવા નીકળ્યાં ત્યાં સુધી, તેમનો પરિવાર એક નાનકડા ઓરડામાં રહેતો હતો, જેમાં બહાર સામાન્ય શૌચાલય રહેતું હતું. આ ઓરડા માટે તેઓ તેમની માસિક કમાણીનો ત્રીજો ભાગ ભાડા પેટે ચૂકવતાં હતાં.
15 મેના રોજ, જ્યારે અમે વાત કરી, ત્યારે બિમલેશ સંધ્યાકાળમાં શાંતિથી બેઠા હતા, જ્યારે હાઇવે કામદારોને લઈ જતા ટેમ્પોથી ધમધમતો હતો. લોકડાઉન પછીથી, મુંબઈમાં રહેતા લાખો પરપ્રાંતિય કામદારો બિહાર, ઓડિશા, ઉત્તર પ્રદેશ અને અન્યત્ર પરિવહનના વિવિધ માધ્યમોનો ઉપયોગ કરીને તેમના ગામો તરફ જઈ રહ્યા છે. આ સમયગાળા દરમિયાન મુંબઈ-નાસિક હાઈવે અત્યંત વ્યસ્ત છે.
તે માર્ગ ગંભીર માર્ગ અકસ્માતોનો પણ સાક્ષી છે − જેમાં ભરચક ટ્રકો પલટી ખાઈને સ્થળાંતર કામદારોના મોત થવાના કિસ્સાઓ પણ છે. બિમલેશને તેની જાણ હતી. તેઓ કહે છે, “હું જૂઠું નહીં બોલું. હું ભયભીત છું. પણ હું વચન આપું છું કે રાત્રે 10 વાગ્યા પછી હું સ્કૂટર નહીં ચલાવું. અને જ્યારે હું ઘરે પહોંચીશ ત્યારે હું તમને ફોન કરીશ.”
અને તેમણે તેમનું બીજું વચન પાળ્યું ખરું. 19 મેની સવારે મારો ફોન રણક્યો. બિમલેશે કહ્યું, “સર જી અમે હમણાં જ ઘરે પહોંચી ગયા છીએ. મારાં માતાપિતા અમને જોઈને લગભગ ભાંગી પડ્યાં હતાં. તેઓ તેમની પૌત્રીને જોઈને ખુશખુશાલ હતાં.”
બિમલેશે જણાવ્યું હતું કે તેઓ રસ્તા પર વિતાવેલા ચાર દિવસ અને રાતમાંથી એકે સમયે ત્રણ કલાકથી વધુ આરામ નહોતો કર્યો. તેઓ કહે છે, “હું ડાબી બાજુની લેનમાં સ્થિર ગતિએ સ્કૂટર ચલાવતો રહેતો. અમે રાત્રે 2 વાગ્યા સુધી આગળ વધતાં રહેતાં, અને સવારે 5 વાગ્યે ફરી પાછી મુસાફરી શરૂ કરી દેતાં.”
રોજ રાત્રે એક ઝાડ નીચે યોગ્ય જગ્યાએ તેઓ થોડી વાર સૂઈ જતાં. બિમલેશ ઉમેરે છે, “અમે અમારી ચાદર સાથે લીધી હતી. અમે તેને પાથરીને સૂઈ જતાં. મને નથી લાગતું કે મારી પત્ની અને હું બિલકુલ ચેનથી સૂયાં હતાં, કારણ કે અમે હંમેશાં ચાલતાં વાહનો, અમારો સામાન અને અમે જે રોકડ લઈ જઈ રહ્યા છીએ તેની ચિંતામાં રહેતાં.”
તે અર્થમાં, તેમ છતાં, તેમની મુસાફરી ખતરાથી ખાલી રહી હતી. આ પરિવારને રાજ્યની સરહદે પણ ચેકિંગ માટે રોકવામાં આવ્યા ન હતા.
સૌથી વધુ નોંધપાત્ર બાબત એ હતી કે બિમલેશનું ગિયરલેસ ટુ-વ્હીલર, કે જે અસલમાં શહેરો અથવા નગરોની અંદર ટૂંકા અંતરની મુસાફરી માટે હોય છે, તે લગભગ ચાર દિવસ સુધી અવિરતપણે ચાલવા છતાંય કામ કરતું હતું.
તેમણે તેમની પાસે બળતણ અને ખોરાક માટે 2,500 રૂપિયા રાખ્યા હતા. તેઓ કહે છે, “કેટલાક પેટ્રોલ પંપ ખુલ્લા હતા, તેથી જ્યારે અમને એકાદ પેટ્રોલ પંપ દેખાય એટલે અમે ટાંકી ભરાવી લેતાં. અમને અમારી દીકરીની ચિંતા હતી. પરંતુ રૂબીએ સ્કૂટર પર ગરમી અને ગરમ પવનનો સામનો કર્યો હતો. અમે તેના માટે પૂરતો ખોરાક લઈ ગયાં હતાં અને રસ્તામાં સારા રાહદારીઓએ તેને બિસ્કિટ આપ્યાં હતાં.”
છેલ્લા એક દાયકામાં મુંબઈ બિમલેશનું ઘર બની ગયું હતું. અથવા તો તેમણે આવું વિચાર્યું હતું, લોકડાઉન સુધી. તેઓ કહે છે, “હું છેલ્લા કેટલાક અઠવાડિયાથી અસુરક્ષિત હોવાની અનુભૂતિ કરતો હતો. કટોકટીના સમયમાં, તમે તમારા પરિવાર સાથે રહેવા માંગો છો. તમે તમારા પોતાના લોકોથી ઘેરાયેલા રહેવા માંગો છો. ઘરે કોઈ કામ ન હોવાથી હું મુંબઈ આવ્યો હતો. તે પરિસ્થિતિ હજુય યથાવત છે.”
હિનૌતીમાં તેમની પાસે કોઈ ખેતીની જમીન નથી. આ પરિવારની આવક દૈનિક મજૂરીમાંથી આવે છે. તેઓ કહે છે, “જો તમારે મજૂરી કરવાની જ હોય, તો ત્યાં કેમ ન કરવી કે જ્યાં તમને તે સમયસર મળી રહે. એક વાર બધું વ્યવસ્થિત થઈ જશે પછી મારે મુંબઈ પાછા ફરવું જ પડશે. મોટાભાગના સ્થળાંતર કામદારો શહેરોમાં એટલા માટે આવે છે કારણ કે તેમની પાસે તેમના ગામોમાં પાછા ફરવાનો કોઈ વિકલ્પ નથી હોતો. એટલા માટે નહીં કે તેઓને શહેરોમાં રહેવું ગમે છે.”
અનુવાદક: ફૈઝ મોહંમદ