મારી સામે તેમના ફોનમાં વૉટ્સઍપ પર એક સંદેશ બતાવતાં 30 વર્ષીય શાહિદ હુસૈન મને કહે છે, “યે બારાહ લાખવાલા ના? ઇસી કી બાત કર રહે હૈ ના?” તે આવકવેરાની મુક્તિ મર્યાદા વધારીને રૂ. 12 લાખ થઈ તેની વાત કરે છે. શાહિદ બેંગલુરુમાં મેટ્રો લાઇન પર કામ કરતી નાગાર્જુન કન્સ્ટ્રક્શન કંપનીમાં ક્રેન ઓપરેટર છે.
તે જ સાઇટ પર કામ કરતા બ્રિજેશ યાદવ થોડા તુચ્છકાર સાથે કહે છે, “અમે આ 12 લાખ પર કરમુકિતવાળા બજેટ વિશે ઘણું સાંભળી રહ્યા છીએ. અહીં વર્ષે કોઈ 3.5 લાખ રૂપિયાથી વધુ કમાતું જ નથી.” 20 વર્ષીય બ્રિજેશ ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લાના ડુમરિયા ગામના એક બિનકુશળ સ્થળાંતરિત મજૂર છે.
બિહારના કૈમૂર (બબુઆ) જિલ્લાના બિઉરના શાહિદ કહે છે, “જ્યાં સુધી આ કામ ચાલશે, ત્યાં સુધી અમે દર મહિને લગભગ 30,000 રૂપિયા કમાઈશું.” તેઓ કામની શોધમાં ઘણા રાજ્યોમાં ગયા છે. “આ નોકરી પછી, કાં તો કંપની અમને બીજે મોકલે છે, કાં અમે અન્ય કામ શોધીએ છીએ જેમાં 10-15 રૂપિયા કમાઈ શકીએ.”






