અંજના દેવી માને છે કે બજેટ સમજવાનું કામ પુરુષોનું છે.
તેઓ કહે છે, "મરદ લોગ હી જાનતા હૈ એ સબ, લેકિન વો તો નહીં હૈં ઘર પર [એ બધું તો માત્ર પુરુષો જ જાણે છે પણ મારા પતિ ઘેર નથી]." જોકે ઘેર, પરિવારનું બજેટ તો અંજના દેવી જ ચલાવે છે. અંજના અનુસૂચિત જાતિ તરીકે સૂચિબદ્ધ ચમાર સમુદાયમાંથી આવે છે.
બજેટમાં કરવામાં આવેલી નવી જાહેરાતો વિશે તેમણે સાંભળ્યું છે કે નહીં એ યાદ કરવાનો પ્રયત્ન કરતા તેઓ કહે છે, "બજ્જટ [બજેટ], ઓ સબ તા હમ નાહી સુને હૈં [મેં તેના વિશે સાંભળ્યું નથી]." પરંતુ બિહારના વૈશાલી જિલ્લાના સોંધો રત્તી ગામના આ દલિત રહેવાસી કહે છે: “ઇ સબ [બજેટ] પૈસા વાલા લોગ કે લિયે હૈ [એ બધું પૈસાવાળા લોકો માટે છે].”
અમે અંજનાને મળ્યા ત્યારે તેમના પતિ, 80 વર્ષના શંભુ રામ ભજનિક તરીકે ભજનો ગાવા ગયા હોઈ ઘરથી દૂર હતા - શંભુ રામ પોતાને ઘેર રેડિયો રિપેર કરવાની વર્કશોપ ચલાવે છે. પરંતુ ગ્રાહકો ઓછા છે. અંજના કહે છે, "અમે અઠવાડિયામાં માંડ 300-400 રુપિયા કમાઈએ છીએ." એટલે તેમની વાર્ષિક સરેરાશ આવક બહુ બહુ તો 16500 રુપિયા થાય. અથવા તો કર મુક્તિ મર્યાદા હેઠળ આવતી 12 લાખ રુપિયા સુધીની વ્યક્તિગત આવકના ફક્ત 1.37 ટકા. જ્યારે તેમને વધારવામાં આવેલી કર મુક્તિની મર્યાદા વિશે કહેવામાં આવે છે ત્યારે તેઓ હસે છે. તેઓ ફરિયાદ કરે છે, "ક્યારેક તો અમે અઠવાડિયામાં 100 રુપિયાય કમાઈ શકતા નથી. આ મોબાઇલ ફોનનો જમાનો છે. આજકાલ રેડિયો સાંભળે છે કોણ?"





