ઝારખંડ જિલ્લામાં આજકાલ જ્યાં જાઓ ત્યાં બધા ગુમલા જિલ્લાના લુપુંગપાઠની સક્રિય ગ્રામ સભાની જ વાતો કરી રહ્યા છે. જિલ્લા મુખ્યાલયથી ગાડીમાં જઈએ તો પણ લુપુંગપાઠ પહોંચતા એક કલાકથી વધુ સમય લાગી જાય અને ઝારખંડની રાજધાની રાંચીથી લગભગ 165 કિમીના અંતરે આવેલ આ અંતરિયાળ ગામ સુધી પહોંચવું સરળ નથી. જંગલની વચ્ચોવચ આવેલા આ ગામમાં અહીં પહોંચવા માટે પહેલા પહાડી પર ચડીને પછી કાચા રસ્તે નીચે ઊતરવું પડે છે. અહીં જવા માટે મોટી જાહેર પરિવહનની બસો સરળતાથી મળતી નથી, પરંતુ ઓટોરિક્ષા અને નાના વાહનો દેખાય છે ખરા, જોકે તે પણ ક્યારેક જ.
આ ગામ અસુર સમુદાયના લગભગ 100 પરિવારોનું ઘર છે - જે પીવીટીજી (પર્ટિક્યુલરલી વલ્નરેબલ ટ્રાઈબલ ગ્રુપ - વિશેષરૂપે સંવેદનશીલ આદિજાતિ જૂથ) તરીકે સૂચિબદ્ધ છે. આ જનજાતિ ગુમલા ઉપરાંત ઝારખંડના લોહારડાગા, પલામૂ અને લાતેહાર જિલ્લામાં વસે છે અને (સ્ટેટિસ્ટિકલ પ્રોફાઈલ ઓફ એસટી ઈન ઈન્ડિયા, 2013 - ભારતમાં અનુસૂચિત જનજાતિની આંકડાકીય રૂપરેખા, 2013 અનુસાર) રાજ્યમાં તેમની કુલ વસ્તી 2,459 છે.
લગભગ અડધું ગામ જ શિક્ષિત છે, અને છતાં ગ્રામ સભાના તમામ કામોનું દસ્તાવેજીકરણ કરવામાં આવે છે. એક સક્રિય યુવા નેતા અને ભૂતપૂર્વ ફૂટબોલ ખેલાડી સંચિત અસુર કહે છે, “બધું દસ્તાવેજીકરણ કરવામાં આવી રહ્યું છે. કાર્યસૂચિ નક્કી કરવામાં આવી રહી છે, અને અમે લોકોને માટે ચિંતાનો વિષય હોય એવા મુદ્દાઓ ઉઠાવી રહ્યા છીએ." (પરંપરાગત લિંગભેદને ટાળીને) લિંગ-સમાનતા ધરાવતી સમિતિ તરફ આગળ વધવા માટેના વલણ પર ભાર મૂકતા તેઓ ઉમેરે છે, "ગ્રામ સભા પુરુષો અને મહિલાઓ બંને માટે છે."
સરિતા જણાવે છે કે અગાઉની ગ્રામ સભાની બેઠકોમાં માત્ર પુરુષો જ હાજરી આપતા હતા. આ ભૂતપૂર્વ રાષ્ટ્રીય હોકી ખેલાડી સરિતા કહે છે, "(બેઠકોમાં) શું ચર્ચા કરવામાં આવી તેની [અમને] મહિલાઓને ખબર જ નહોતી પડતી. એ બેઠકો મુખ્યત્વે ગામના પરિવારો વચ્ચેના ઘરેલુ વિવાદોના સમાધાન પર ધ્યાન કેન્દ્રિત કરતી હતી."
સરિતા ખુશીથી ઉમેરે છે, “પણ હવે એવું નથી રહ્યું. અમે પણ ગામની ગ્રામ સભામાં ભાગ લઈએ છીએ અને દરેક મુદ્દા પર ચર્ચા કરીએ છીએ, અને (કોઈ પણ બાબતનો) અંતિમ નિર્ણય લેવામાં અમારો અભિપ્રાય પણ મહત્ત્વનો છે."