કોલ્હાપુર જિલ્લાના ઉચગાંવ ગામના ખેડૂત સંજય ચવ્હાણ કહે છે, “સિમેન્ટચે જંગલચ ઝાલેલે આહે [આ ગામ હવે લગભગ સિમેન્ટ-કોંક્રિટનું જંગલ જ બની ગયું છે]. છેલ્લા એક દાયકામાં ઉચગાંવમાં કારખાનાઓ અને ઉદ્યોગોની સંખ્યામાં ઝડપી વધારો જોવા મળ્યો છે અને ભૂગર્ભજળના સ્તરમાં એ જ ઝડપે ચિંતાજનક ઘટાડો જોવા મળ્યો છે.
48 વર્ષના આ ખેડૂત કહે છે, “અમારા કૂવાઓમાં હવે પાણીનું ટીપુંય રહ્યું નથી, બધાય કૂવાઓ સાવ સુકાઈ ગયા છે."
ગ્રાઉન્ડ વોટર ઇયર બુક ઓફ મહારાષ્ટ્ર (2019) (મહારાષ્ટ્ર ભૂગર્ભજળ વાર્ષિક અહેવાલ, 2019) મુજબ, કોલ્હાપુર, સાંગલી, સાતારા સહિતના મહારાષ્ટ્રના ભાગોમાં લગભગ 14 ટકા કૂવાઓમાં પાણીનું સ્તર ઘટી રહ્યું છે. ડ્રિલિંગ કોન્ટ્રાક્ટર (કૂવાઓ ખોદતા ઠેકેદાર) રતન રાઠોડ કહે છે કે છેલ્લા બે દાયકામાં કૂવાઓની સરેરાશ ઊંડાઈ 30 ફીટથી વધીને 60 ફીટ થઈ ગઈ છે.
સંજય કહે છે, ઉચગાંવમાં હવે ઘેરેઘર બોરવેલ છે, આ બોરવેલને કારણે ભૂગર્ભજળનો મોટો જથ્થો ખેંચાઈ જાય છે. ઉચગાંવના ભૂતપૂર્વ ડેપ્યુટી સરપંચ મધુકર ચવ્હાણ કહે છે, “20 વર્ષ પહેલા ઉચગાંવમાં માત્ર 15-20 બોરવેલ હતા. આજે એ સંખ્યા વધીને 700-800 થઈ ગઈ છે."
ઉચગાંવમાં પાણીની દૈનિક માંગ 25 થી 30 લાખ લિટરની વચ્ચે છે, પરંતુ મધુકર કહે છે, “[...] ગામને માત્ર 10-12 લાખ લિટર જ પાણી મળે છે, અને તે પણ એકાંતરે દિવસે." તેઓ કહે છે કે પરિસ્થિતિ એટલી વિકટ છે કે ગમે તે દિવસે ગામમાં પાણીની ભયંકર કટોકટી ઊભી થઈ શકે છે.
આ ટૂંકી ફિલ્મ કોલ્હાપુરમાં ભૂગર્ભજળના ઘટતા સ્તરથી અસરગ્રસ્ત ખેડૂતોની હાલત વિષે છે.
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક