અમે વાત કરીએ છીએ ત્યારે, પાલ ભીની માટીથી ભગવાન કાર્તિકના ચહેરાને બનાવી રહ્યા છે અને તેમના નિષ્ણાત હાથથી તેમાં વિગતો ઉમેરી રહ્યા છે. તેઓ પેઇન્ટ બ્રશ અને ચિયાળીનો ઉપયોગ કરે છે, જે વાંસનું હાથથી પોલિશ કરવાનું સાધન છે.
નજીકની અન્ય એક વર્કશોપમાં, ગોપાલ પાલે માટીના માળખા પર બારીક ટુવાલ જેવી સામગ્રીને ચોંટાડવા માટે ગુંદર તૈયાર કર્યો છે, જેથી તેને ચામડી જેવું ટેક્ષ્ચર જેવું ફિનીશીંગ મળે. ગોપાલ કોલકાતાની ઉત્તરે લગભગ 120 કિલોમીટર દૂર આવેલા નોદિયા જિલ્લાના કૃષ્ણનગરના રહેવાસી છે. અહીંના ઘણા કામદારો — બધા પુરુષો — એક જ જિલ્લાના છે; તેમાંના મોટાભાગના કામદારો તે જ વિસ્તારમાં વર્કશોપ માલિકો દ્વારા પૂરા પાડવામાં આવેલાં ક્વાર્ટર્સમાં રહે છે. કામદારોને પીક સીઝનના મહિનાઓ પહેલાં જ નોકરીએ રાખવામાં આવે છે. તેઓ આઠ કલાકની પાળીમાં કામ કરે છે, પરંતુ પાનખરના તહેવાર પહેલાં આ કારીગરો આખી રાત કામ કરે છે અને ઓવરટાઇમ માટે પગાર મેળવે છે.
કુમોરટુલીના પ્રથમ કુંભારો લગભગ 300 વર્ષ પહેલાં કૃષ્ણનગરમાંથી સ્થળાંતર કરીને આવ્યા હતા. તેઓ થોડા મહિનાઓ માટે બાગબાજાર ઘાટની નજીક નવા રચાયેલા કુમોરટુલીમાં રોકાયા હતા, જેથી નદીમાંથી માટી સરળતાથી મળી રહે. અને તેઓ જમીનદારોના ઘરોમાં કામ કરતા હતા, દુર્ગા પૂજા તહેવારના અઠવાડિયા પહેલાં ઠાકુરદાલાન (જમીનદારોના રહેણાંક પરિસરની અંદર ધાર્મિક તહેવારો માટે સીમાંકિત વિસ્તારો)માં મૂર્તિઓ બનાવતા હતા.
1905માં બંગાળના ભાગલા પહેલાં અને તે દરમિયાન બાંગ્લાદેશના અત્યંત કુશળ કારીગરો − ઢાકા, બિરકમપુર, ફરિદપુરથી − કુમોરટુલીમાં આવ્યા હતા. ભારતની આઝાદી પછી જમીનદારી પ્રણાલીના પતન સાથે, સરબોજોનિન અથવા સામુદાયિક પૂજા લોકપ્રિય બની હતી. આ તે સમય હતો જ્યારે મા દુર્ગા તંગ ઠાકુરદાલાનમાંથી બહાર નીકળીને રસ્તાઓ પરના વિશાળ પંડાલોમાં આવતાં, જેમાં આ દેવી અને અન્ય મૂર્તિઓ માટે વિસ્તૃત અને અલગ પૃષ્ઠભૂમિ તૈયાર કરવામાં આવતી.