અમદાવાદમાં સાઇન બોર્ડ રંગનારા ચિત્રકાર શેખ જલાલુદ્દીન કમરુદ્દીન કહે છે, “મૈને કભી દો બોર્ડ એક જૈસા નહીં બનાયા [મેં ક્યારેય બે બોર્ડને એક જેવાં નથી રંગ્યાં].” તેમણે કાતર ઉત્પાદકો માટે જાણીતા વ્યસ્ત વિસ્તાર ઘીકાંટાનાં તમામ સાઇન બોર્ડ રંગ્યાં છે. ઘણી બધી દુકાનો એક જ ઉત્પાદનનું વેચાણ કરતી હોવા છતાં, જલાલુદ્દીનને ચીતરેલાં પાટિયાં એ સુનિશ્ચિત કરે છે કે દરેક દુકાનની પોતાનો એક આગવો દેખાવ અને પોતાની ઓળખ હોય.
આ પીઢ ચિત્રકારનું કામ “દીવાર, દુકાન અને શટર [દિવાલો, દુકાનો અને દુકાનનાં શટર]” પર અને ફિલ્મોની પૃષ્ઠભૂમિ તરીકે પણ જોઈ શકાય છે. સાઇનબોર્ડ રંગનારા ચિત્રકારે ઘણી સ્થાનિક ભાષાઓની લિપિના અક્ષરો કેવી રીતે દોરવા અને રંગવા તે જાણવું આવશ્યક છે. અમદાવાદના માણેક ચોકમાં એક ઝવેરીની દુકાનમાં અડધી સદી પહેલાં બનાવવામાં આવેલું એક પાટિયું ચાર ભાષાઓ − ગુજરાતી, હિન્દી, ઉર્દૂ અને અંગ્રેજીમાં પ્રદર્શિત કરવામાં આવેલું છે.
જલાલુદ્દીન કહે છે કે ચિત્રકામમાં તેમને સહજ રીતે જ રસ પડ્યો હતો. 71 વર્ષની ઉંમરે, તેઓ ‘જે.કે. પેઇન્ટર’ નામથી ઓળખાતા અમદાવાદના સૌથી જૂના સાઇન બોર્ડ ચિત્રકારોમાંના એક છે. તેઓ કહે છે કે તેમણે 50 વર્ષ પહેલાં પાટિયાં રંગવાનું કામ કરવાનું શરૂ કર્યું ત્યારે તેમને જેટલું કામ મળતું હતું તેટલું અત્યારે નથી મળતું.
આ પીઢ ચિત્રકારે 7મા ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો અને તેઓ પાંચ ભાષાઓ − ગુજરાતી, અંગ્રેજી, હિન્દી, ઉર્દૂ અને અરબીમાં સાઇન બોર્ડ રંગી શકે છે. શાળા છોડ્યા પછી તેમણે ઢાલગરવાડ બજારમાં રહીમની દુકાનમાં ચિત્રકામ શીખતા પહેલાં દોરડું બનાવનાર, બુક બાઈન્ડર અને ગેરેજ મિકેનિક તરીકે કામ કર્યું હતું.
તેઓની ઉંમર સિત્તેર વર્ષથી વધુ હોવા છતાં જલાલુદ્દીન હજુ પણ સાઇન બોર્ડ રંગવા માટે તેમનો 20 કિલો વજનનો ઘોડો (સીડી) સ્થળ પર ઊંચકીને લઈ જાય છે. પરંતુ તેમને બાયપાસનું ઓપરેશન કરાવ્યા પછી ડૉક્ટરે તેમને ભારે વજન ન ઉપાડવાની સલાહ આપી છે. તેથી તેમનું ઓનસાઇટ કામ ઓછું થઈ ગયું છે, અને તેઓ માત્ર તેમની દુકાનમાં જ રંગકામ કરે છે. તેઓ કહે છે, “ જો હું ખૂબ લાંબો સમય સીડી પર ઊભો રહું, તો મારા ઘૂંટણમાં પણ દુખાવો થાય છે.” પણ, તેઓ ઉમેરે છે કે, “ જ્યાં સુધી મારા હાથ-પગ કામ કરશે ત્યાં સુધી હું આ કામ ચાલુ જ રાખીશ.”


















