રુબેલ શેખ અને અનિલ ખાન ગાડી હંકારી રહ્યા છે...પણ તેઓ (કે તેમની ગાડી) જમીનની નજીક ક્યાંય નથી. તેઓ લગભગ લંબરૂપ 80 ડિગ્રી ઢોળાવ પર આશરે 20 ફૂટ ઊંચે છે. અગરતલાના મેળામાં લોકોની મોટી ભીડ તાળીઓ પાડીને, બૂમો પાડીને તેમને પ્રોત્સાહિત કરી રહી છે. રુબેલ અને અનિલ ગાડીની બારીમાંથી બહાર નીકળી (ભીડને પ્રતિસાદ આપવા) હાથ હલાવે છે.
તેઓ મૌત-કા-કુઆં (મોતનો કૂવો) ના ખેલમાં રજૂઆત કરી રહ્યા છે - અહીં ગાડીઓ અને મોટર-સાઈકલોને 'દિવાલ' અથવા મંચની બાજુઓ પર ઊભી ચલાવી લોકોના મનોરંજન માટે જુદા જુદા ખતરનાક ખેલ કરવામાં આવે છે.
આ ખેલને 10-10 મિનિટના શોમાં વહેંચવામાં આવે છે, અને એ કલાકો સુધી ચાલુ રહે છે. આ મોતનો કૂવો એ લાકડાના પાટિયા વડે બનેલું કૂવા જેવું એક માળખું હોય છે અને મેળાઓમાં આ મોતનો કૂવો ઊભો કરવામાં ઘણા દિવસો લાગે છે. મોતના કૂવામાં (ગાડીઓમાં કે મોટર-સાઈકલો પર સવારી કરનાર) મોટા ભાગના સવારો આ કૂવો ઊભો કરવામાં પણ સામેલ હોય છે, આ માળખાની રચના ખેલ માટે અને તેમની સલામતી માટે ખૂબ મહત્ત્વની હોય છે.
ત્રિપુરાના અગરતલા ખાતે ઓક્ટોબર 2023 માં દુર્ગા પૂજા દરમિયાન યોજાયેલ આ મેળામાં 'મૌત-કા-કુઆં' નું અપશુકનિયાળ નામ ધરાવતો આ ખેલ આ મેળાના ઘણા આકર્ષણોમાંનો એક છે. મેળાના બીજા આકર્ષણોમાં ચકડોળ (ફેરિસ વ્હીલ), મેરી-ગો-રાઉન્ડ, ટોય-ટ્રેનોનો સમાવેશ થાય છે.























