અલી મોહમ્મદ લોન માને છે કે યુનિયન "બજેટ અધિકારીઓ માટે છે." તેમના કહેવાનો અર્થ એ છે કે બજેટ મધ્યમ વર્ગના સરકારી લોગ અથવા સરકારી કર્મચારીઓ માટે ઘડાયેલું છે. અને તેમનું કહેવું એ પણ સૂચવે છે કે કાશ્મીરના બારામુલ્લા જિલ્લાની બેકરીની નાની દુકાનના આ માલિક સમજી ગયા છે કે બજેટ તેમના જેવા લોકો માટે નથી.
તંગમર્ગ બ્લોકના માહીન ગામમાં અમારી સાથે વાત કરતા 52 વર્ષના આ બ્રેડ બનાવનાર કહે છે, "2024 માં 50 કિલોગ્રામ લોટની બેગ હું 1400 રુપિયામાં ખરીદતો હતો, તેના હવે 2200 રુપિયા ચૂકવવા પડે છે. બજેટમાં એવું કંઈ હોય જે ભાવ ઘટાડવામાં મદદ કરે તો મને તેમાં રસ છે; નહીં તો મેં કહ્યું તેમ આ બજેટ અધિકારીઓ માટે છે."
શ્રીનગરથી આશરે 45 કિલોમીટર દૂર આવેલું માહીન ગામ, શિયાળુ પર્યટન સ્થળો તંગમર્ગ અને દ્રાંગ વચ્ચે આવેલું છે. અહીં લગભગ 250 પરિવારો રહે છે, તેઓ મુખ્યત્વે પર્યટન સંબંધિત પ્રવૃત્તિઓમાં રોકાયેલા છે જેમ કે ટટ્ટુ ભાડા પર આપવા, સ્લેજ ખેંચવી અને ભોમિયા તરીકેની સેવાઓ આપવી. પ્રમાણમાં ઠંડી આબોહવાને કારણે માહીનમાં મુખ્યત્વે મકાઈનું ઉત્પાદન થાય છે.






