પૂણેનાં કચરો વીણનાર સુમન મોરે કહે છે, “જો કચરો તમે પેદા કરી રહ્યા હોવ, તો ‘કચરાવાળી’ અમે કઈ રીતે થયાં? હકીકતમાં, શહેરને ચોખ્ખું અમે જ રાખીએ છીએ. શું નાગરિકો ‘કચરાવાળા’ નથી?”
સુમન કાગડ કચ પત્ર કાશતકારી પંચાયત 1993 હેઠળ આયોજિત 800 કચરો ઉપાડનારાઓમાંનાં એક છે; મહિલાઓની સંખ્યા હવે આનથી ઘણી વધી ગઈ છે. પૂણે મ્યુનિસિપલ કોર્પોરેશન (પી.એમ.સી.) આગળ તેમણે માંગણી કરી હતી કે તેમને તેમના કાર્યને ઔપચારિક બનાવે તેવા સત્તાવાર ઓળખપત્રો આપવામાં આવે. તેમને 1996માં આવા ઓળખપત્રો પ્રાપ્ત થયા હતા.
મહિલાઓ હવે લોકોના ઘરોમાંથી કચરો એકત્રિત કરવા માટે પી.એમ.સી. સાથે કામ કરે છે. તેઓ મહારાષ્ટ્રમાં અનુસૂચિત જાતિ તરીકે સૂચિબદ્ધ મહાર અને માતંગ સમુદાયોનાં છે. સુમન કહે છે, “અમે સૂકા અને ભીના કચરાને અલગ કરીએ છીએ, અને ભીના કચરાને કચરાના ટ્રકમાં નાખી દઈએ છીએ. અમે સૂકા કચરામાંથી જે જોઈએ તે લઈ લઈએ છીએ અને બાકીના કચરાને સૂકા કચરા માટેના ટ્રકમાં નાખી દઈએ છીએ.”
મહિલાઓને ચિંતા છે કે પી.એમ.સી. તેમનું કામ ખાનગી ઠેકેદારો અને કંપનીઓને આઉટસોર્સ કરશે. અને તેઓ લડવા માટે તૈયાર છે. આશા કાંબલે કહે છે, “અમે કોઈને પણ અમારું કામ અમારી પાસેથી છીનવી નહીં લેવા દઈએ.”
આ ફિલ્મ, મોલ (મૂલ્ય) પૂણેમાં કચરો વીણતી મહિલાઓને ઈતિહાસને તેમના પોતાના અવાજો દ્વારા વર્ણવે છે.
અનુવાદક: ફૈઝ મોહંમદ