ફેબ્રુઆરીની બળબળતી બપોર છે, કોલ્હાપુર જિલ્લાની રાજારામ સુગર ફેક્ટરીમાં ચારે તરફ સન્નાટો છે. ફેક્ટરીના પરિસરમાં આવેલી સેંકડો ખોપ્યા (શેરડીના કામદારોની ઘાસ છાયેલી ઝૂંપડીઓ) મોટેભાગે ખાલી છે. સ્થળાંતરિત શ્રમિકો અહીંથી કલાક દૂર આવેલા વડાનાગે ગામ પાસે શેરડીની કાપણીનું કામ કરી રહ્યા છે.

દૂરથી વાસણોનો ખખડાટ સંભળાય છે, લાગે છે કે કેટલાક શ્રમિકો કદાચ ઘેર હશે. અમે અવાજને અનુસર્યા તો અમે પહોંચ્યા 12 વર્ષની સ્વાતિ મહારનોર પાસે, તે પોતાના પરિવાર માટે રાતનું ભોજન બનાવવાની તૈયારી કરી રહી હતી. ફિક્કા પડી ગયેલા ચહેરે, થાકેલી-પાકેલી એ છોકરી સાવ એકલી તેના પરિવારની ઝૂંપડીના ઉંબરે બેઠી હતી. આસપાસ રસોઈ કરવા માટેના વાસણો પડ્યા હતા.

બગાસું રોકતા તે કહે છે, "હું સવારના 3 વાગ્યાની ઊઠી છું."

મહારાષ્ટ્રના બાવડા તાલુકામાં શેરડીની કાપણીમાં મદદ કરવા માટે આ નાની બાળકી આજે વહેલી સવારે તેના મા-બાપ, નાના ભાઈ અને દાદા સાથે બળદ ગાડામાં નીકળી હતી. પાંચ જણના આ પરિવારને દિવસમાં 25 મોલી (બંડલ) કાપવા માટે ચૂકવણી કરવામાં આવી છે, અને બધાએ ભેગા મળીને આ લક્ષ્ય સુધી પહોંચવામાં મદદ કરવાની છે. બપોરના ભોજન માટે તેઓ આગલી રાત્રે રાંધેલ ભાખરી અને રીંગણનું શાક સાથે બાંધીને લાવ્યા છે.

એ બધામાંથી માત્ર સ્વાતિ બપોરે 1 વાગે છ કિલોમીટર ચાલીને ફેક્ટરી પરિસરમાં આવેલા તેના ઘેર પાછી ફરી છે. "મને મૂકીને બાબા [દાદા] પાછા ગયા." પરિવારના બાકીના સભ્યો માટે રાતનું ભોજન તૈયાર કરવા માટે તે બીજા લોકો કરતા વહેલી ઘેર આવી છે, 15 કલાકથી વધુ સમય માટે શેરડીની કાપણી કરીને થોડી વારમાં તેઓ ભૂખ્યા અને થાક્યા-પાક્યા ઘેર પાછા ફરશે. સ્વાતિ કહે છે, “અમે [પરિવારના બધા જ સભ્યોએ] સવારથી માત્ર એક કપ ચા જ પીધી છે."

નવેમ્બર 2022 માં બીડ જિલ્લાના સકુંદવાડી ગામમાં આવેલા પોતાના ઘેરથી સ્વાતિનો પરિવાર કોલ્હાપુર જિલ્લામાં સ્થળાંતરિત થયો ત્યારથી - છેલ્લા પાંચ મહિનાથી ખેતરો અને ઘરની વચ્ચે આ રોજની આવ-જા, શેરડીની કાપણી કરવી અને રસોઈ બનાવવી, એ જ સ્વાતિનો નિત્યક્રમ છે. તેઓ અહીં ફેક્ટરીના પરિસરમાં રહે છે. ઓક્સફેમ દ્વારા બહાર પાડવામાં આવેલ 2020 ના હ્યુમન કોસ્ટ ઓફ સુગર અહેવાલમાં જણાવાયું છે કે મહારાષ્ટ્રમાં સ્થળાંતરિત કામદારોને ઘણી વાર તાડપત્રી છાયેલા કામચલાઉ તંબુઓની મોટી વસાહતોમાં રહેવું પડે છે. આ વસાહતોમાં ઘણીવાર પાણી, વીજળી કે શૌચાલય જેવી (મૂળભૂત) સુવિધાઓ પણ હોતી નથી.

Khopyas (thatched huts) of migrant sugarcane workers of Rajaram Sugar Factory in Kolhapur district
PHOTO • Jyoti Shinoli

કોલ્હાપુર જિલ્લામાં રાજારામ સુગર ફેક્ટરીના શેરડીના સ્થળાંતરિત શ્રમિકોની ખોપ્યા (ઘાસ છાયેલી ઝૂંપડીઓ)

સ્વાતિ કહે છે, "મને શેરડી કાપવાનું ગમતું નથી. મને તો મારા ગામમાં રહેવું ગમે કારણ કે ત્યાં હું શાળાએ જઉં." સ્વાતિ પટોડા તાલુકાના સકુંદવાડી ગામની જીલ્લા પરિષદ મિડલ સ્કૂલમાં 7 મા ધોરણની વિદ્યાર્થીની છે. તેનો નાનો ભાઈ ક્રિષ્ના એ જ શાળામાં 3 જા ધોરણમાં ભણે છે.

સ્વાતિના મા-બાપ અને દાદાની જેમ લગભગ 500 સ્થળાંતરિત શ્રમિકો શેરડીની કાપણીની મોસમ દરમિયાન રાજારામ સુગર ફેક્ટરીમાં કરાર પર કામ કરવા માટે આવે છે. તેમની સાથે તેમના નાના-નાના બાળકો પણ હોય છે. સ્વાતિ કહે છે, "માર્ચ [2022] માં અમે સાંગલીમાં હતા."  સ્વાતિ અને ક્રિષ્ના બંને વર્ષના લગભગ પાંચ મહિના શાળાએ જઈ શક્યા નથી.

સરકારી શાળામાંથી સ્વાતિનું અને તેના ભાઈનું નામ રદ કરી નાખવામાં ન આવે એ માટે તેઓ શું કરે છે એ સમજાવતા સ્વાતિ કહે છે, “અમે પરીક્ષા આપી શકીએ એ માટે દર વર્ષે માર્ચમાં બાબા [દાદા] અમને અમારે ગામ પાછા લઈ જાય. પરીક્ષા પૂરી થાય કે તરત અમે ફરી અમારા મા-બાપને મદદ કરવા પાછા આવીએ."

નવેમ્બરથી માર્ચ સુધી શાળામાં ગેરહાજર રહેવાથી વાર્ષિક પરીક્ષાઓ પાસ કરવી મુશ્કેલ બને છે. સ્વાતિ કહે છે, “મરાઠી અને ઈતિહાસ જેવા વિષયો તો અમે ભણી લઈએ, પણ ગણિત સમજવાનું અઘરું પડે છે. ગામમાં તેમના કેટલાક મિત્રો તેમને મદદ કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ ગેરહાજર રહેવાને કારણે ગુમાવેલા વર્ગો માટે એ પૂરતું નથી.

સ્વાતિ કહે છે, "શું કરીએ અમે? મારા મા-બાપને કામ તો કરવું પડે ને?"

તેઓ સ્થળાંતર કરતા ન હોય તે મહિનાઓ (જૂન-ઓક્ટોબર) દરમિયાન સ્વાતિના મા-બાપ, 35 વર્ષના વર્ષા અને 45 વર્ષના ભાઉસાહેબ સકુંદવાડીની આસપાસના ખેતરોમાં ખેતમજૂર તરીકે કામ કરે છે. વર્ષા કહે છે, “ચોમાસાની ઋતુમાં કાપણી [લણણી] સુધી અમને અઠવાડિયામાં 4-5 દિવસ ખેતરોમાં કામ મળી રહે છે."

આ કુટુંબના સભ્યો મહારાષ્ટ્રમાં વિચારતી જાતિઓમાં સૂચિત ધનગર સમુદાયના છે. આ દંપતી દિવસના 350 રુપિયા કમાય છે - વર્ષા 150 રુપિયા કમાય છે અને ભાઉસાહેબ 200. જ્યારે તેમના ગામની નજીક કામ મળતું નથી ત્યારે તેઓ શેરડીની કાપણીનું કામ કરવા સ્થળાંતર કરે છે.

Sugarcane workers transporting harvested sugarcane in a bullock cart
PHOTO • Jyoti Shinoli

શેરડીના કામદારો બળદ ગાડામાં કાપણી કરેલી શેરડી બળદગાડામાં લઈ જઈ રહ્યા છે

*****

' ધ રાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ (આરટીઈ) 2009' ( બાળકોને  મફત અને ફરજિયાત શિક્ષણ અધિનિયમ (આરટીઈ) 2009) અનુસાર "છ થી 14 વર્ષની વયના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ" મળવું જ જોઈએ. પરંતુ શેરડીના સ્થળાંતરિત કામદારોના સ્વાતિ અને ક્રિષ્ણા જેવા (6-14 વર્ષની વયના) લગભગ 1.3 લાખ બાળકોને તેમના માતાપિતા સાથે જવું પડે છે ત્યારે તેઓ શાળાકીય શિક્ષણ મેળવી શકતા નથી.

શાળા છોડી દેનારાઓની સંખ્યા ઘટાડવાના પ્રયાસરૂપે મહારાષ્ટ્ર સરકારે 'એજ્યુકેશન ગેરંટી કાર્ડ્સ' (ઈજીસી) રજૂ કર્યા. ઈજીસી એ રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ,  2009 (શિક્ષણનો અધિકાર અધિનિયમ, 2009) હેઠળ 2015 માં પસાર કરાયેલા ઠરાવનું પરિણામ હતું. આ કાર્ડનો ઉદ્દેશ્ય, સ્થળાંતરિત શ્રમિકો સાથે જતા તેમના બાળકો જ્યાં જાય ત્યાં નવી જગ્યાએ કોઈપણ વિક્ષેપ વિના તેમનું શાળાકીય અભ્યાસ ચાલુ રાખી શકે એ સુનિશ્ચિત કરવાનો છે. ઈજીસીમાં વિદ્યાર્થીની તમામ શૈક્ષણિક વિગતોનો સમાવેશ થાય છે અને તેમના મૂળ ગામની શાળાઓમાં શિક્ષકો દ્વારા જારી કરવામાં આવે છે.

બીડ જિલ્લામાં સ્થિત સામાજિક કાર્યકર્તા અશોક તાંગડે સમજાવે છે, “બાળક જે જિલ્લામાં સ્થળાંતર કરી રહ્યો હોય ત્યાં કાર્ડ તેણે તેની સાથે લઈ જવાનું હોય છે." તેઓ ઉમેરે છે કે નવી શાળામાં અધિકારીઓ સમક્ષ કાર્ડ રજૂ કરવાથી "માતાપિતાએ પ્રવેશ પ્રક્રિયામાંથી પસાર થવાની જરૂર રહેતી નથી અને બાળક તે જ ધોરણમાં અભ્યાસ ચાલુ રાખી શકે છે."

અશોક કહે છે કે જો કે વાસ્તવિકતા એ છે કે “આજ સુધી કોઈ જ બાળકને એક પણ ઈજીસી કાર્ડ આપવામાં આવ્યું નથી." બાળકે જે શાળામાં પ્રવેશ લીધો હોય અને જ્યાંથી થોડા સમયગાળા માટે સ્થળાંતર કરી રહ્યો હોય તે શાળા દ્વારા આ કાર્ડ આપવામાં આવવું જોઈએ.

સ્વાતિ કહે છે, "જિલ્લા પરિષદ (ઝેડપી) મિડલ સ્કૂલના અમારા શિક્ષકે મને અથવા મારા કોઈ મિત્રને આવા કોઈ કાર્ડ આપ્યા નથી." તે મહિનાઓ સુધી શાળામાં જઈ શકતી નથી.

વાસ્તવમાં સ્થાનિક ઝેડપી મિડલ સ્કૂલ સુગર ફેક્ટરી નજીકની સાઈટથી ત્રણ કિમી દૂર  આવેલી છે, પરંતુ હાથમાં કાર્ડ ન હોવાથી સ્વાતિ અને ક્રિષ્ણા તેમાં જઈ શકતા નથી.

આરટીઈ 2009 ના આદેશ છતાં શેરડીના સ્થળાંતરિત કામદારોના આશરે 1.3 લાખ બાળકોને તેમના માતાપિતા સાથે જવું પડે છે ત્યારે તેઓ શાળાકીય શિક્ષણ મેળવી શકતા નથી

વિડીયો જુઓ: સ્થળાંતરિત શ્રમિકોના બાળકો શાળામાં જઈ શકતા નથી

પુણેની પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી (ધ ડિરેક્ટોરેટ ઓફ પ્રાઈમરી એજ્યુકેશન) ના એક અધિકારી જો કે ભારપૂર્વક કહે છે કે, “આ યોજનાનો સક્રિય રીતે અમલ થઈ રહ્યો છે. શાળા સત્તાવાળાઓ સ્થળાંતર કરી રહેલા વિદ્યાર્થીઓને કાર્ડ જારી કરે છે.” પરંતુ અત્યાર સુધીમાં કાર્ડ મેળવનાર કુલ બાળકોની સંખ્યા અંગેની માહિતી પૂછતાં તેમણે કહ્યું, “સર્વેક્ષણ ચાલી રહ્યો છે; અમે ઈજીસી વિષયક વિગતો આંકડા એકત્ર કરી રહ્યા છીએ અને હાલમાં તેનું સંકલન કરવામાં આવી રહ્યું છે.”

*****

અર્જુન રાજપૂત કહે છે, “મને અહીં રહેવાનું જરાય ગમતું નથી." 14 વર્ષનો અર્જુન   કોલ્હાપુર જિલ્લાના જાધવવાડી વિસ્તારમાં બે એકરના ઈંટના ભઠ્ઠામાં કામ કરતા તેના પરિવાર સાથે રહે છે.

તેમનો સાત સભ્યોનો પરિવાર ઔરંગાબાદ જિલ્લાના વડગાંવ ગામમાંથી કોલ્હાપુર-બેંગ્લોર હાઈવે પર આવેલા ભઠ્ઠામાં કામ કરવા સ્થળાંતરિત થયો હતો. પ્રવૃત્તિથી ધમધમતા ભઠ્ઠામાં દરરોજ સરેરાશ 25000 ઈંટો તૈયાર થાય છે. અર્જુનનો પરિવાર  ભારતમાં ઈંટના ભઠ્ઠામાં કામ કરતા 100-230 લાખ લોકોમાંથી છે, ઈંટોના ભઠ્ઠા એ કામ કરવા માટે સૌથી વધુ અસુરક્ષિત ગણાતા સ્થળોમાંથી એક છે, ત્યાં ખૂબ ઊંચા તાપમાનમાં પુષ્કળ શારીરિક શ્રમ માગી લેતા કામો કરવા પડે છે. સાવ નજીવા શોષણકારી વેતનને કારણે ઈંટના ભઠ્ઠા કામની શોધમાં નીકળેલા લોકો માટે નછૂટકાનો સાવ છેલ્લો ઉપાય હોય છે.

પોતાના માતાપિતા સાથે સ્થળાંતરિત થવું પડતા અર્જુન નવેમ્બરથી મે સુધી શાળામાં જઈ શક્યો નહોતો. અર્જુન કહે છે, "હું મારા ગામની ઝેડપી શાળામાં ધોરણ 8 માં અભ્યાસ કરું છું,"  તે અમારી સાથે વાત કરે છે ત્યારે જ ધૂળના ગૂંગળાવી દેતા ગોટેગોટા ઉડાડતા જેસીબી મશીનો ત્યાંથી પસાર થાય છે.

Left: Arjun, with his mother Suman and cousin Anita.
PHOTO • Jyoti Shinoli
Right: A brick kiln site in Jadhavwadi. The high temperatures and physically arduous tasks for exploitative wages make brick kilns the last resort of those seeking work
PHOTO • Jyoti Shinoli

ડાબે: અર્જુન, તેની માતા સુમન અને પિતરાઈ બહેન અનિતા સાથે. જમણે: જાધવવાડીમાં ઈંટના ભઠ્ઠાની સાઈટ. સાવ નજીવા શોષણકારી વેતન ખાતર ખૂબ ઊંચા તાપમાનમાં પુષ્કળ શારીરિક શ્રમ માગી લેતા કામો કરવા પડતા હોવાને કારણે ઈંટના ભઠ્ઠા કામની શોધમાં નીકળેલા લોકો માટે નછૂટકાનો સાવ છેલ્લો ઉપાય હોય છે

વડગાંવમાં હોય ત્યારે અર્જુનના માતા-પિતા સુમન અને આબાસાહેબ ગંગાપુર તાલુકામાં વડગાંવ અને તેની આસપાસના ગામમાં ખેત મજૂર તરીકે કામ કરે છે. ખેતી અને લણણીની સિઝન દરમિયાન તેઓને મહિનામાં લગભગ 20 દિવસ કામ મળે છે અને લગભગ એક દિવસની મજૂરી પેટે દરેક જણ 250-300 રુપિયા કમાય છે. આ મહિનાઓ દરમિયાન અર્જુન તેના ગામની શાળામાં જઈ શકે છે.

ગયા વર્ષે તેના માતા-પિતાએ તેમની ઘાસ છાયેલી ઝૂંપડીની જગ્યાએ પાકું મકાન બનાવવા ઉચલ - એડવાન્સ લીધા. સુમન કહે છે, “અમે 1.5 લાખ રુપિયા એડવાન્સ લીધા હતા અને અમારા ઘરનો પાયો ચણ્યો હતો. આ વર્ષે દિવાલો ચણવા  માટે બીજા એક લાખ રુપિયા એડવાન્સ લીધા."

તેમની સ્થળાંતર કરવાની મજબૂરી વિશે સમજાવતા તેઓ ઉમેરે છે, “અમે બીજી કોઈપણ રીતે વર્ષમાં લાખ [રુપિયા] કમાઈ શકતા નથી. આ [ઈંટના ભઠ્ઠામાં કામ કરવા માટે સ્થળાંતર કરવું એ જ પૈસા કમાવા માટેનો] એકમાત્ર રસ્તો છે.” અને તેઓ ઉમેરે છે કે મોટેભાગે આવતા વર્ષે તેમને ફરીથી અહીં પાછા આવવું પડશે, "ઘરના પ્લાસ્ટર માટે પૈસાની વ્યવસ્થા કરવા."

પાકું મકાન બનાવવામાં બે વર્ષ વીતી ગયા અને (પૂરું થતા) હજી બીજા બે વર્ષ થશે  - તે દરમિયાન અર્જુનનો અભ્યાસ અટકી ગયો છે. સુમનના પાંચમાંથી ચાર બાળકોએ શાળા અધવચ્ચે જ છોડી દીધી હતી અને તેઓ 20 વર્ષના થયા તે પહેલાં તો તેમના લગ્ન પણ થઈ ગયા હતા. પોતાના બાળકના ભવિષ્ય વિશે ચિંતિત અને નાખુશ તેઓ કહે છે, “પહેલા મારા દાદા-દાદી ઈંટના ભઠ્ઠામાં કામ કરતા હતા; પછી મારા માતા-પિતા, અને હવે હું પણ ઈંટના ભઠ્ઠામાં કામ કરું છું. ખબર નથી સ્થળાંતરનું આ ચક્ર કેમનું અટકશે.”

અર્જુન એક જ છે જે હજી પણ અભ્યાસ કરી રહ્યો છે, પરંતુ તે કહે છે, "છ મહિનાની શાળા છૂટી ગયા પછી જ્યારે હું ઘેર પાછો જાઉં છું ત્યારે મને ભણવાનું મન નથી થતું."

દરરોજ છ કલાક માટે અર્જુન અને અનિતા (અર્જુનના મામાની દીકરી, પિતરાઈ  બહેન) ભઠ્ઠાની સાઈટ પર અવની નામની બિન-સરકારી સંસ્થા દ્વારા શરુ કરવામાં આવેલ અને તેના દ્વારા જ ચલાવવામાં આવતા ડે-કેર સેન્ટરમાં હોય છે. અવની કોલ્હાપુર અને સાંગલીમાં 20 થી વધુ ઈંટ ભઠ્ઠાઓ અને શેરડીના ખેતરની કેટલીક સાઈટ્સ પર  ડે-કેર સેન્ટર ચલાવે છે. અવનીના ઘણા વિદ્યાર્થીઓ, પર્ટિક્યુલરલી વલ્નરેબલ ટ્રાઈબલ ગ્રુપ્સ (પીવીટીજીસ - ખાસ કરીને નબળા આદિજાતિ જૂથો) તરીકે સૂચિબદ્ધ  કાટકરી (સમુદાયના) છે, અથવા વિચરતી જાતિ તરીકે સૂચિબદ્ધ બેલદાર (સમુદાયના) છે. અવનીના પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર સત્તપ્પા મોહિતે સમજાવે છે કે કોલ્હાપુરમાં લગભગ 800 નોંધાયેલા ઈંટના ભઠ્ઠાઓ હોવાને કારણે કામ શોધતા સ્થળાંતરિતો અહીં ખેંચાઈ આવે છે.

Avani's day-care school in Jadhavwadi brick kiln and (right) inside their centre where children learn and play
PHOTO • Jyoti Shinoli
Avani's day-care school in Jadhavwadi brick kiln and (right) inside their centre where children learn and play
PHOTO • Jyoti Shinoli

જાધવવાડી ઈંટ ભઠ્ઠામાં અવનીની ડે-કેર સ્કૂલ અને (જમણે) કેન્દ્રમાં બાળકો રમવામાં અને શીખવામાં વ્યસ્ત છે

અનીતા હસતાં હસતાં કહે છે, "અહીં [ડે-કેર સેન્ટરમાં] હું 4 થા ધોરણના પુસ્તકો નથી વાંચતી . જોકે અમને ખાવા અને રમવા મળે છે." 3 થી 14 વર્ષની વયના લગભગ 25 સ્થળાંતરિત બાળકો આખો દિવસ કેન્દ્રમાં વિતાવે છે. અહીં બાળકોને મધ્યાહન ભોજન તો મળે જ છે એ ઉપરાંત તેમને રમતો રમવા મળે છે અને વાર્તાઓ સાંભળવા મળે છે.

અર્જુન ખચકાટ સાથે ઉમેરે છે કે જ્યારે કેન્દ્રમાં તેમનો દિવસ પૂરો થાય છે ત્યારે, "અમે આઈ-બાબાને [ઈંટો બનાવવામાં] મદદ કરીએ છીએ."

સાત વર્ષની રાજેશ્વરી નયનેગેલી કેન્દ્રમાં આવતા બાળકોમાંની એક છે. તે ઉમેરે છે, "હું ક્યારેક રાત્રે મારી મા સાથે ઈંટો બનાવું છું." કર્ણાટકમાં તેના ગામમાં ધોરણ 2 ની વિદ્યાર્થીની, નાનકડી રાજેશ્વરી આ પુષ્કળ મહેનત માગી લેતું મુશ્કેલ કામ કરવામાં કુશળ થઈ ગઈ છે: “આઈ-બાબા બપોરે માટી તૈયાર કરે છે, અને રાત્રે તેઓ ઈંટો બનાવે છે. એ લોકો જેવું કરે છે તેવું જ હું પણ કરું છું.” તે ઈંટના ઢાંચામાં માટી ભરે છે અને તેને સતત થપથપાવીને સેટ કરે છે. પછી માં-બાપમાંથી કોઈ એક તેને અનમોલ્ડ કરે છે કારણ કે તે ખૂબ જ વજનદાર હોય છે, તેના નાનકડા હાથ વડે એ ઉપાડવાનું મુશ્કેલ છે.

રાજેશ્વરી કહે છે, “મને ખબર નથી હું કેટલી [ઈંટો] બનાવતી હોઈશ, પણ થાકી જાઉં ત્યારે હું સૂઈ જાઉં છું અને આઈ-બાબા કામ કરતા રહે છે."

અવનીના 25 બાળકોમાંના ઘણા મહારાષ્ટ્રમાંથી જ છે - આ બાળકોમાંથી કોઈ પણ બાળક પાસે કોલ્હાપુર સ્થળાંતર કર્યા પછી તેનો અભ્યાસ ચાલુ રાખવા માટે ઈજીસી કાર્ડ નથી. તદુપરાંત, ભઠ્ઠાની સૌથી નજીકની શાળા પાંચ કિમી દૂર છે.

અર્જુન જાણવા માંગે છે, “એ [શાળા] તો બહુ દૂર છે. અમને કોણ ત્યાં લઈ જશે?”

વાસ્તવમાં આ કાર્ડ માતાપિતા અને બાળકોને ખાતરી આપે છે કે નજીકની શાળા એક કિમીથી વધુ દૂર હોય, ત્યારે "સ્થાનિક શિક્ષણ વિભાગ, જિલ્લા પરિષદ અથવા મ્યુનિસિપલ કોર્પોરેશને સ્થળાંતરિત બાળકોના અભ્યાસ માટે વર્ગખંડોની અને આવવા-જવા માટે વાહનની (પરિવહન) સુવિધાઓ આપવી જોઈએ."

પરંતુ એનજીઓ અવનીના સ્થાપક અને નિર્દેશક, અહીં 20 વર્ષથી કામ કરી રહેલા અનુરાધા ભોસલે જણાવે છે, "આ બધી જોગવાઈઓ માત્ર કાગળ પર જ છે."

Left: Jadhavwadi Jakatnaka, a brick kiln site in Kolhapur.
PHOTO • Jyoti Shinoli
Right: The nearest state school is five kms from the site in Sarnobatwadi
PHOTO • Jyoti Shinoli

ડાબે: જાધવવાડી જકાતનાકા, કોલ્હાપુરમાં ઈંટના ભઠ્ઠાની એક સાઈટ. જમણે:  સરનોબતવાડીમાં સૌથી નજીકની સરકારી શાળાસાઈટથી પાંચ કિમી દૂર છે

અહમદનગર જિલ્લાના આરતી પવાર કોલ્હાપુર ઈંટના ભઠ્ઠામાં કામ કરે છે. તેમણે 7 મા ધોરણ પછી અધવચ્ચે શાળા છોડી દેવી પડી હતી. 23 વર્ષના આરતી કહે છે, “મારા મા-બાપે 2018 માં મને પરણાવી દીધી.”

આરતી કહે છે, “હું શાળાએ જતી હતી. હવે હું ઈંટના ભઠ્ઠામાં કામ કરું છું."

*****

માર્ચ 2020-જૂન 2021ના સમયગાળામાં જ્યારે શિક્ષણ સંપૂર્ણપણે ઓનલાઈન થઈ ગયું હતું તેનો ઉલ્લેખ કરતા અર્જુન કહે છે, "બે વર્ષ હું કશું જ ભણ્યો નહોતો. અમારી પાસે સ્માર્ટફોન નથી."

હાલ ધોરણ 8 માં ભણતો અર્જુન કહે છે, “મહામારી પહેલા પણ મારા માટે પાસ થવું મુશ્કેલ હતું કારણ કે ઘણા મહિનાઓ હું  શાળાએ જઈ જ શકતો નહોતો. મારે ધોરણ 5 ફરીથી કરવું પડ્યું હતું.”  સરકારી આદેશો મુજબ મહારાષ્ટ્રના ઘણા વિદ્યાર્થીઓની જેમ અર્જુનને પણ મહામારી દરમિયાન શાળામાં ન જવા છતાં બે વાર (ધોરણ 6 અને 7 માં) આગલા ધોરણમાં ચડાવવામાં આવ્યો હતો.

દેશની અંદર જ સ્થળાંતર કરતા લોકોની સંખ્યા ભારતની કુલ વસ્તીના 37 ટકા (450 મિલિયન) છે (વસ્તીગણતરી 2011), અને તેમાંના ઘણા બાળકો હોવાનો અંદાજ છે. આ વિશાળ સંખ્યાને કારણે અસરકારક નીતિઓ ઘડવી - અને તેનું યોગ્ય અમલીકરણ કરવું - એ એક તાકીદની જરૂરિયાત બની જાય છે. સ્થળાંતરિત શ્રમિકોના બાળકો કોઈ પણ અવરોધ વિના તેમનું શિક્ષણ ચાલુ રાખી શકે તે સુનિશ્ચિત કરવું એ 2020 માં પ્રકાશિત આઈએલઓ અહેવાલ દ્વારા સૂચવવામાં આવેલ નિર્ણાયક નીતિ વિષયક પગલું છે.

અશોક તાંગડે કહે છે, "રાજ્ય કે કેન્દ્ર સ્તરે, સરકાર સ્થળાંતર કરતા બાળકો માટે શિક્ષણની ખાતરી આપે એવી નીતિઓનો અમલ કરવામાં ગંભીર નથી." નીતિઓના અમલમાં ગંભીરતાનો અભાવ સ્થળાંતરિત શ્રમિકોના બાળકોને તેમના શિક્ષણના અધિકારથી વંચિત કરી રહ્યો છે એટલું જ નહિ  તેઓ અત્યંત અસુરક્ષિત વાતાવરણમાં રહેવા માટે પણ મજબૂર થાય છે

ઓડિશાના બારગઢ જિલ્લાના સુનલરંભા ગામની નાનકડી ગીતાંજલિ સુના નવેમ્બર 2022માં લાંબી મુસાફરી કરીને તેના માતા-પિતા અને બહેન સાથે કોલ્હાપુરના ઈંટના ભઠ્ઠામાં આવી હતી 10 વર્ષની ગીતાંજલિ  અવનીના બીજા બાળકો સાથે પકડદાવ રમે છે અને મશીનોના કર્કશ અવાજોની વચ્ચે થોડી ક્ષણો માટે બાળકોના હસવાનો અવાજ પણ કોલ્હાપુર ઈંટના ભઠ્ઠાની આસપાસની ધૂળિયા હવામાં ગૂંજી રહે છે.

અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક

Jyoti Shinoli

Jyoti Shinoli is a Senior Reporter at the People’s Archive of Rural India; she has previously worked with news channels like ‘Mi Marathi’ and ‘Maharashtra1’.

यांचे इतर लिखाण ज्योती शिनोळी
Illustration : Priyanka Borar

Priyanka Borar is a new media artist experimenting with technology to discover new forms of meaning and expression. She likes to design experiences for learning and play. As much as she enjoys juggling with interactive media she feels at home with the traditional pen and paper.

यांचे इतर लिखाण Priyanka Borar
Editors : Dipanjali Singh

Dipanjali Singh is an Assistant Editor at the People's Archive of Rural India. She also researches and curates documents for the PARI Library.

यांचे इतर लिखाण Dipanjali Singh
Editors : Vishaka George

विशाखा जॉर्ज बंगळुरुस्थित पत्रकार आहे, तिने रॉयटर्ससोबत व्यापार प्रतिनिधी म्हणून काम केलं आहे. तिने एशियन कॉलेज ऑफ जर्नलिझममधून पदवी प्राप्त केली आहे. ग्रामीण भारताचं, त्यातही स्त्रिया आणि मुलांवर केंद्रित वार्तांकन करण्याची तिची इच्छा आहे.

यांचे इतर लिखाण विशाखा जॉर्ज
Video Editor : Sinchita Parbat

सिंचिता माजी पारीची व्हिडिओ समन्वयक आहे, ती एक मुक्त छायाचित्रकार आणि बोधपटनिर्माती आहे. सुमन पर्बत कोलकात्याचा ऑनशोअर पाइपलाइन अभियंता आहे, सध्या तो मुंबईत आहे. त्याने दुर्गापूर, पश्चिम बंगालच्या राष्ट्रीय प्रौद्योगिकी संस्थेतून बी टेक पदवी प्राप्त केली आहे. तोदेखील मुक्त छायाचित्रकार आहे.

यांचे इतर लिखाण Sinchita Parbat
Translator : Maitreyi Yajnik

Maitreyi Yajnik is associated with All India Radio External Department Gujarati Section as a Casual News Reader/Translator. She is also associated with SPARROW (Sound and Picture Archives for Research on Women) as a Project Co-ordinator.

यांचे इतर लिखाण Maitreyi Yajnik