જેમ જેમ રામ અવતાર કુશવાહા, આહારવાનીમાં પ્રવેશ કરે છે, તેમ તેમ તેઓ કાદવવાળા રસ્તાઓ પર તેમની મોટરસાયકલ ચલાવવા માટે ધીમા પડી જાય છે. તેઓ ગામડાના ખરબચડા રસ્તાવાળા વિસ્તારમાં પહોંચે છે અને તેમની 150 સીસી બાઇકનું એન્જિન બંધ કરે છે.
લગભગ પાંચ મિનિટમાં, ભૂલકાઓ, નાના બાળકો અને કિશોરો તેમની આસપાસ ભેગા થવા લાગે છે. સહરિયા આદિવાસી બાળકોનું ટોળું ધીરજથી રાહ જુએ છે, એકબીજા સાથે વાતો કરે છે, હાથમાં સિક્કા અને 10 રૂપિયાની નોટો પકડે છે. તેઓ ચાઉ મીનની થાળી ખરીદવાની રાહ જોઈ રહ્યા છે, જે હલાવીને તળેલા નૂડલ્સ અને શાકભાજીથી બનેલી વાનગી છે.
હાલ સારી વર્તણૂક કરનારા આ ભૂખ્યા ગ્રાહકો ટૂંક સમયમાં જ અશાંત થઈ જશે તે જાણનારા, મોટરબાઈક વિક્રેતા ઝડપથી કામે લાગી જાય છે. તેમના સામાનમાં વધારે કંઈ નથી − તેઓ પ્લાસ્ટિકની બે બોટલ બહાર કાઢે છે. તેઓ સમજાવે છે, “આ લાલ ચટણી [મરચાંની] છે અને આ કાળી ચટણી [સોયા સૉસ] છે.” અન્ય વસ્તુઓમાં કોબીજ, છોલેલી ડુંગળી, લીલી કેપ્સિકમ અને બાફેલા નૂડલ્સનો સમાવેશ થાય છે. “હું મારો પુરવઠો વિજયપુર [નગર]માંથી ખરીદું છું.”
સાંજના લગભગ 6 વાગ્યા છે અને રામ અવતારે આજે મુલાકાત લીધી હોય તેવું આ ચોથું ગામ છે. તેઓ જે ગામોની નિયમિતપણે મુલાકાત લે છે અન્ય ગામડાઓ છે − લાડર, પાંડરી, ખજૂરી કાલન, સિલપારા, પારોંડ, આ બધાં ગામ વિજયપુર તાલુકામાં ગોપાલપુરા ગામ સાથે જોડાયેલ સુતયપુરામાં તેમના ઘરની 30 કિલોમીટરની ત્રિજ્યામાં આવેલાં છે. આ ગામડાં અને નેસમાં જે બીજા તૈયાર નાસ્તા ઉપલબ્ધ છે તેમાં પેકેજ્ડ ચિપ્સ અને બિસ્કીટનો સમાવેશ થાય છે.
આશરે 500 લોકોની વસ્તી ધરાવતા આદિવાસી બહુમતી ધરાવતા આહારવાનીમાં તેઓ અઠવાડિયામાં ઓછામાં ઓછા બેથી ત્રણ વખત આવે છે. આહારવાની એ નવીનવી બનેલી વસાહત છે, ત્યાંના રહેવાસીઓ એ લોકો છે જેમને 1999માં કુનો ખાતે સિંહો માટે એક અખંડિત રાષ્ટ્રીય ઉદ્યાન બનાવવા માટે ત્યાંથી વિસ્થાપિત કરવામાં આવ્યા હતા. વાંચોઃ કુનોમાંઃ ચિત્તા અંદર, આદિવાસીઓ બહાર. આ ઉદ્યાનમાં એકેય સિંહ આવ્યો નથી, પરંતુ સપ્ટેમ્બર 2022માં આફ્રિકાથી ચિત્તાને ઉદ્યાનમાં ખસેડવામાં આવ્યા હતા.






