"આ લો તમારી ભેટ," કહીને ગુમલા જિલ્લાની સ્થાનિક 'લાભાર્થી સમિતિ'ના સભ્ય બિહારી લાકરાએ તેત્રા ગ્રામ પંચાયતના સરપંચ ટેરેસા લાકરાના હાથમાં 5,000 રૂપિયા ધમાવ્યા. ટેરેસાને તો જાણ નહોતી કે 'ભેટ' એ રોકડા 5,000 રૂપિયા છે. ના તેને આ પૈસા ખરેખર મળ્યા - કારણ કે, બરાબર એ જ ઘડીએ રાંચીની એક ભ્રષ્ટાચાર વિરોધી કાર્યાલય (એન્ટી કરપ્શન બ્યુરો - એસીબી ) ટીમ સરપંચ પર તૂટી પડી અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 1988 હેઠળ "ગેરકાયદેસર ભેટ" મેળવવા માટે તેમની ધરપકડ કરી.
આ ઘટનાએ ઓરાઓન જનજાતિના આદિવાસી, 48 વર્ષના ટેરેસાને અંદરથી તોડી નાખ્યા. અને ઝારખંડના બસિયા બ્લોક જ્યાં પંચાયત આવેલી છે ત્યાંના 80,000 થી વધુ લોકોને ઓર આઘાતમાં મૂકી દીધા. કોઈને એ વાત જરાય વિચિત્ર ના લાગી કે 5,000 રૂપિયાની લાંચ લેવાના આરોપમાં ધરપકડ કરવા એસીબીની ટીમ રાંચીથી લગભગ 100 કિલોમીટર દૂર આ સ્થળે આવી હતી - જે અંતર કાપવામાં, એક SUVમાં, મને બે કલાકથી વધુ સમય લાગ્યો હતો. જો કે એ ન્યાયાધીશ જેમની સામે તેમને ઘસડી જવામાં આવેલા તેમણે આ બાબત પર ટિપ્પણી જરૂર કરેલી. એસીબી ટીમને તેમની ગાડીમાં જવા આવવામાં લગભગ પાંચ કલાક જેટલો સમય લાગ્યો હશે અને બીજા આડાઅવળા ખર્ચાઓની વાત તો જવા દો, લાંચની રકમથી અડધા તો એમણે પોતે આવવા જવામાં જ ખર્ચ્યા હશે.
કોઈને એ વાતની પણ નવાઈ નહોતી કે જ્યાં લાંચના આરોપ પર ટેરેસાની ધરપકડ કરવામાં આવી એ બસિયા બ્લોક પંચાયતની ઓફિસ સુધી એમને દોરી જનાર એમના સાથી, ગ્રામ પંચાયતના સભ્યો જ હતા. અને એનાથી ય વધુ નવાઈની વાત તો એ હતી કે એમની ધરપકડ કરવા આવેલી ટીમ, એમના પોતાના જ કહેવા મુજબ, "મને બસિયા પોલીસ સ્ટેશન પર ના લઇ ગઈ," જે પંચાયત ઑફિસની બરાબર સામે પડતું હતું. આ નાટકના સ્થળથી માંડ થોડા ડગલાં દૂર. પણ એને બદલે "એ લોકો મને 10-15 કિલોમીટર દૂર ઠેઠ કામદારા બ્લોકના પોલીસ સ્ટેશને લઇ ગયા."
આ જૂન 2017ની વાત છે.
પછીથી વિચાર કરતાં 12મું ધોરણ પાસ ટેરેસા સમજે છે કે એમને બીજા પોલીસ સ્ટેશન લઇ જવાનું કારણ હતું કે, “બસિયા પોલીસ સ્ટેશનમાં તો એકેએક માણસ મને ઓળખે છે. અને તેઓ બધા જાણે છે કે હું ગુનેગાર નથી.” ત્યારબાદ, તેમનો કેસ રાંચીની વિશેષ અદાલત સમક્ષ આવ્યો.






