નામ: વજેસિંહ પારગી. જન્મ: 1963. ગામ: ઈટાવા. જિલ્લો:દાહોદ, ગુજરાત. જાતિ: આદિવાસી પંચમહાલી ભીલી. કુટુંબમાં: પિતા ચિસ્કાભાઈ, માતા ચતુરા બેન, અને પાંચ ભાઈબહેનમાં વજેસિંહ સૌથી મોટા. કુટુંબની આજીવિકા: ખેત મજૂરી.
ગરીબ આદિવાસી કુટુંબમાં જન્મથી એમને વારસામાં મળ્યું તે એમના જ શબ્દોમાં: 'માની કૂખમાંથી મળ્યું અંધારું'. એક 'રણ એક્લતાનું'. એક 'કૂવો પરસેવાનો'. અને 'ભૂખ', સાથે 'એક ભૂરો રંગ ઉદાસીનો' અને થોડું 'આગિયાનું અજવાળું'. અને ગળથૂથીમાં મળ્યો શબ્દપ્રેમ.
એકવાર એક ઝગડામાં સપડાયેલા વજેસિંહને અચાનક વાગેલી એક ગોળી એમના જડબા ને ગળામાં થઇ ચાલી. એમાં એમના આવાજને પણ ઇજા થઇ અને છ સાત વર્ષની સારવાર, 14 ઓપરેશનો, અને દેવાના ડુંગર પછી પણ એમાંથી તેઓ કદી સંપૂર્ણ પણે બહાર આવ્યા જ નહીં. એ બમણો ફટકો હતો -- એક તો એવા સમુદાયમાં જનમ જેનો આવાજ જ સમાજમાં નહિવત સંભળાય અને એમાં એમનો આગવો મળેલો અવાજ હવે હંમેશ માટે ભાંગી ગયો. પણ કંઈ એકદમ તેજ રહ્યું હોય તો એ એમની આંખો. વજેસિંહ આજે પણ ગુજરાતી સાહિત્ય જગતમાં ભાષાના શ્રેષ્ઠ ભાવક અને પ્રૂફરીડરોમાંના એક છે. પરંતુ એમણે રચેલ સાહિત્યને જોઈએ એટલું સન્માન ભાગ્યે જ મળ્યું છે.
અહીં વજેસિંહની એમની પોતાની મૂંઝવણને રજુ કરતી મૂળ પંચમહાલી ભીલીમાં લખાયેલી એક કવિતાનો ગુજરાતી અનુવાદ


