તેમના માટીના ઘરની બહાર બેઠેલા નંદરામ જામુનકર કહે છે , “તમે અજવાળા સાથે જન્મ્યા છો અને અમે અંધારા સાથે.” અમે અમરાવતી જિલ્લાના ખાદિમલ ગામમાં છીએ, જ્યાં 26 એપ્રિલ, 2024ના રોજ સામાન્ય ચૂંટણીમાં મતદાન થવાનું છે. નંદરામ જે અંધારા વિશે બોલે છે તે શાબ્દિક અર્થમાં છે; મહારાષ્ટ્રના આ આદિવાસી ગામમાં ક્યારેય વીજળી સુલભ નથી થઈ.
48 વર્ષીય નંદરામ કહે છે, “દર પાંચ વર્ષે, કોઈક આવે છે અને વીજળી લાવવાનું વચન આપે છે. પરંતુ વીજળી તો જવા જ દો, તે પણ ક્યારેય પાછો ફરકીને અહીં નથી આવતો.” વર્તમાન સાંસદ અને અપક્ષનાં ઉમેદવાર નવનીત કૌર રાણા 2019માં શિવસેનાના ઉમેદવાર અને પૂર્વ કેન્દ્રીય મંત્રી આનંદરાવ અડસુલને હરાવીને સત્તામાં આવ્યાં હતાં. આ વર્ષે તેઓ ભારતીય જનતા પાર્ટીનાં ઉમેદવાર તરીકે આ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે.
ચિખલદરા તાલુકાના આ ગામના 198 પરિવારો (2011ની વસ્તી ગણતરી અનુસાર) મુખ્યત્વે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી (મનરેગા) પર નિર્ભર છે અને જમીન ધરાવતા કેટલાક લોકો વરસાદ આધારિત ખેતી કરે છે, મોટે ભાગે મકાઈની ખેતી કરે છે. ખાદિમલમાં મોટાભાગે અનુસૂચિત જનજાતિઓ (ST) નો સમાવેશ થાય છે જેઓ હંમેશાં પાણી અને વીજળી વિના જીવતા આવ્યા છે. નંદરામ કોર્કૂ જનજાતિના છે. તેઓ 2019માં આદિજાતિ બાબતોના મંત્રાલય દ્વારા લુપ્તપ્રાય ભાષા તરીકે ઓળખવામાં આવેલી કોર્કૂ ભાષા બોલે છે.








