ગધેડીના એક લિટર દૂધના સાત હજાર રૂપિયા? અરે, કોઈપણ વસ્તુના એક લિટરના આટલા તે હોતા હશે કંઈ? વાત તો બુદ્ધિની બહારની લાગે છે , પરંતુ સપ્ટેમ્બર 2020 માં અખબારના મથાળામાં ગુજરાતના સૌરાષ્ટ્રની હાલારી ગધેડીઓના દૂધ વિશે આ જ કહેવામાં આવ્યું હતું. તે સાચું પણ નીકળ્યું - જો કે ફક્ત એક માત્ર ચકાસી શકાય તેવા દાખલામાં. અને જો તમે ભૂલેચૂકે ય ગુજરાતના હાલારી-ઉછેરનારા સમુદાયોને એવું સૂચવવાની હિંમત કરી કે ગધેડીના દૂધના કાયમ આવા જ ભાવ મળે છે તો તેઓ તમારી ઠેકડી ઉડાવી તમને ત્યાંથીહાંકી કાઢશે.
દુર્લભ ઔષધીય ગુણો ધરાવતા હોવાનું કહેવાતા આ દૂધના ભાવ ગુજરાતમાં મહત્તમ 125 રુપિયે લિટર સુધી પહોંચ્યા છે. અને તે પણ સંશોધન માટે મર્યાદિત માત્રામાં આ દૂધ ખરીદતી સંસ્થાએ આપ્યા છે.
અને અખબારના મથાળા નો પીછોકરતો હું આવી પહોંચ્યો સૌરાષ્ટ્રમાં. રાજકોટ જિલ્લાના કપાસના ઉજ્જડ ખેતરોમાં હું દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ બ્લોકના જામપર ગામના 60 વર્ષના પશુપાલક ખોલાભાઇ જુજુભાઇ ભરવાડને મળ્યો. તેઓ તેમના પરિવાર તેમજ બકરીઓ અને ઘેટાંનાં ટોળાં અને પાંચ હાલારી ગધેડાં સાથે વાર્ષિક સ્થળાંતરના રસ્તે હતા. .
ખોલાભાઈએ કહ્યું, "ફક્ત રબારી અને ભરવાડ સમુદાય જ હાલારી ગધેડાં રાખે છે.” અને તેમાંના ઘણા ઓછા પરિવારો "પરંપરાને જીવંત રાખે છે. આ પ્રાણીઓ સુંદર છે પરંતુ આમાંથી અમને ખાસ આવક ના થાય. એક પૈસો ના આવે.”" ખોલાભાઈ અને તેમના પાંચ ભાઈઓ પાસે કુલ મળીને 45 ગધેડા છે .
વિચરતા પશુપાલકોની આવકની ગણતરી ખૂબ ગૂંચવણભરી છે. તેમની આવક ન તો સ્થિર છે અને ન તો નિશ્ચિત. અને બીજા કેટલાકની માફક ઇંધણ અને વીજળી પર તેમનો માસિક ખર્ચો એકસરખો હોતો નથી. કોઈ સામાન્ય અનુમાન ન કાઢવા અંગે અમને તાકીદ કરતા ભુજના સહજીવન પશુપાલન કેન્દ્રના (એનજીઓ) સંશોધનકારો કહે છે કે પાંચ વ્યક્તિના પરિવારની કુલ આવક (પશુઓના ટોળાના કદના આધારે) વર્ષે 3-5 લાખ રુપિયા અને ચોખ્ખી આવક (બધા ખર્ચ પછી) વર્ષે 1-3 લાખ રુપિયા જેવી હોઈ શકે. આ બકરા અને ઘેટાંનું ઊન ને દૂધ વેચવાથી થતી આવક છે.
ગધેડાં તેમના માટે નહિવત આવક પેદા કરતા હોય અથવા કોઈ જ આવક પેદા ન કરતા હોય એવું લાગે છે. હવે છેલ્લા કેટલાક વર્ષોથી પશુપાલકોની આવકમાં ઘટાડો થતા તેઓને હાલારી ગધેડાંના ટોળાં સંભાળવાનું મુશ્કેલ લાગે છે.



















