82 વર્ષે આરિફાએ બધુંજ જોયું છે. એમનું આધાર કાર્ડ કહે છે કે એમનો જન્મ 1 જાન્યુઆરી, 1938ના રોજ થયો હતો. આરિફા નથી જાણતા કે તે સાચું છે કે નહીં, પણ તેમને યાદ છે કે 16 વર્ષની ઉંમરે તેઓ 20ની આસપાસના રિઝવાન ખાનના બીજાં પત્ની બન્યાં અને હરિયાણાના નુહ જિલ્લાના બિવાન ગામમાં આવી ગયાં “ભાગલા દરમિયાન એક ભાગદોડમાં મારી મોટી બહેન [રિઝવાનની પહેલી પત્ની] અને તેના છ બાળકોના મૃત્યુ પછી મારી મા એ મને રિઝવાનને પરણાવી દીધી,” આરિફા (તેમનું સાચું નામ નહીં) યાદ કરે છે.
એમને એ સમય પણ આછો-આછો યાદ છે જ્યારે મહાત્મા ગાંધી મેવાતના એક ગામમાં મીઓ મુસલમાનોના સમુદાયને પાકિસ્તાન ન ચાલ્યા જવાની વિનંતી કરવા આવ્યા હતા. દર 19 ડિસેમ્બરે હરિયાણાના મીઓ મુસલમાનો નુહના ઘાસેરા ગામમાં ગાંધીજીની મુલાકાતની યાદમાં મેવાત દિવસની ઉજવણી કરે છે (નુહને 2006 સુધી મેવાત કહેવાતું હતું).
આરિફાને તેમણે શા માટે રિઝવાન સાથે લગ્ન કરી લેવા જોઈએ તે સમજાવતાં તેમના મા વધુ સ્પષ્ટપણે યાદ છે. “તેની પાસે કશું નથી રહ્યું, મારી મા એ મને કહ્યું હતું. મેરી મા ને મુઝે ઉસે દે દિયા ફિર [પચી મારી માએ મને તેમને આપી દીધી],” આરિફા કહે છે, અને યાદ કરે છે કે તેમના પોતાના ગામ રેથોરાથી આશરે 15 કિલોમીટર દૂર આવેલ બિવાન કેવી રીતે તેમનું ઘર બની ગયું. બંને ગામ એક એવા જિલ્લામાં હતા જ્યાં દેશમાં સૌથી ખરાબ વિકાસના સૂચકો હતો.
રાષ્ટ્રીય રાજધાનીથી આશરે 80 કિલોમીટર દૂર આવેલ બિવાન હરિયાણા અને રાજસ્થાનની સીમાએ અરવલ્લીની પહાડીઓની તળેટીમાં આવેલ ફિરોઝપુર ઝિરકા બ્લૉકમાં છે. દિલ્લીથી નુહનો રસ્તો દક્ષિણ હરિયાણાના ગુરુગ્રામમાંથી પસાર થાય છે જે ભારતમાં ત્રીજી સૌથી વધુ વાર્ષિક આવક ધરાવતું આર્થિક અને ઔદ્યોગિક મુખ્યાલય છે, અને તમને દેશના 44મા સૌથી પછાત જિલ્લામાં લઈ આવે છે. અહીં, લીલાં ખેતરો, સૂકા પહાડો, ઓછી મૂળભૂત સુવિધાઓ અને પાણીની અછત અરિફા જેવા અનેક લોકોના જીવનને ચિહ્નિત કરે છે.
મીઓ મુસલમાન સમુદાય મોટા ભાગે હરિયાણાના આ ભાગમાં અને પાડોશી રાજસ્થાનના કેટલાક ભાગમાં રહે છે. મુસલમાનો નુહ જિલ્લાની વસ્તીના 79.2 ટકા છે (વસ્તી ગણતરી 2011).
1970ના દાયકામાં, જ્યારે આરિફાના પતિ રિઝવાને બિવાનથી ચાલીને જઈ શકાય એટલી દૂર આવેલ રેતી, પથ્થર અને સિલિકાની ખાણોમાં કામ કરવાનું શરૂ કર્યું, ત્યારે આરિફાની દુનિયા પહાડીઓથી ઘેરાયેલી હતી, અને તેમનું મુખ્ય કામ હતું પાણી ભરી લાવવું. રિઝવાનના ગુજરી ગયા પછી, 22 વર્ષ અગાઉ પોતાનું અને પોતાના 8 બાળકોનં ગુજરાન ચલાવવા માટે આરિફાએ ખેતરોમાં મજૂરી શરૂ કરી, જેનાથી તેઓ દિવસના ₹10થી ₹20 જેટલી મામૂલી રકમ કમાતા. “અમારા લોકો કહે છે, થઈ શકે એટલા બાળકો પેદા કરો, અલ્લાહ તેમના માટે આપી રહેશે,” તેઓ ઉમેરે છે.










