“આ હાર્મોનિયમ એ અમારું જીવન અને જીવનદોરી છે, અમારું ખેતર, અમારું ઘર છે.”
આ ૨૪ વર્ષીય આકાશના શબ્દો છે, જે હાર્મોનિયમના ધમણમાં એર લીક છે કે નહીં તે ચકાસવા તેમાં હવા ફૂંકી રહ્યો છે. તે ચાવી ઢીલી કરીને તેની સફાઈ કરવા માટે ઉંધી કરે છે, અને કહે છે કે, “અમે ભાગ્યે જ એક ટંકનું ભોજન મેળવીએ છીએ. અમે નિસહાય થઈને અમારા બાળકોને જોઈએ છીએ – જેઓ કોઇપણ ફરિયાદ કર્યા વિના ભૂખ્યાં સુઈ જાય છે. આ લોકડાઉન અમારા જીવનનો સૌથી ક્રૂર અને આઘાતજનક સમય છે.”
આકાશ અને તેનાં ૧૭ અન્ય સાથી રિપેરમેન એ અહિયાં એક વિરલ સમૂહ છે. તેઓ દરવર્ષે ઓક્ટોબરથી જુન મહિનામાં મધ્યપ્રદેશથી મહારાષ્ટ્રમાં ૨૦થી વધુ શહેરો અને નગરોમાં હાર્મોનિયમનું સમારકામ કરતા ફરે છે. આ કામમાં ખુબજ કુશળતાની જરૂર છે, જેમાં શાસ્ત્રીય સંગીતનું ઊંડું જ્ઞાન અને અસામાન્ય શ્રવણ શક્તિ જરૂરી છે.
તેઓ જે હાર્મોનિયમ અને ટુલબોક્સ લઈને ફરે છે તેને લીધે તેઓ મોટે ભાગે જ્યાં જાય છે ત્યાં પેટીવાલા તરીકે ઓળખાય છે. તેઓ બધા કરાહિર સમુદાયના છે કે જે આહિર કે ગાવલી જાતિની પેટાજાતિ છે અને અનુસુચિત યાદવ જાતિમાં તેમનો સમાવેશ થાય છે.
આકાશ મારી સાથે રેનાપુર કે જે મહારાષ્ટ્રના લાતુર નગરથી ૧૮ કિમી દૂર આવેલું છે ત્યાંથી વાત કરી રહ્યો હતો. ૧૮ એ ૧૮ હાર્મોનિયમ રિપેરમેનની સાથે તેમના કુટુંબ છે જે બધા મળીને કુલ ૮૧ માણસો થાય છે. લોકડાઉનના લીધે તેઓ રેનાપુર મ્યુનિસિપલ કાઉન્સિલે મંજુરી આપેલ ખુલા મેદાનમાં તંબુમાં રહેવા મજબૂર હતા.
એ સૌ મધ્યપ્રદેશના જબલપુર જીલ્લાના સિહોર તાલુકામાં આવેલ ગાંધીગ્રામ ગામ કે જેની વસ્તી ૯૪૦ લોકોની છે (૨૦૧૧ની વસ્તીગણતરી મુજબ) ત્યાંના વતની છે. “જો આ બિમારી [કોવિડ-૧૯] ના લીધે મુસાફરી પર અંકુશ ચાલુ રહેશે તો અમે મરી જઈશું. અમારી પાસે જરાપણ પૈસા નથી. દર વર્ષે અમે અમારી મુસાફરીની શરૂઆત કરીએ તે પહેલાં અમારા મહત્વના દસ્તાવેજો અમારા ગામનાં પાડોશી પાસે મૂકી દઈએ છીએ કારણ કે અમે કાચા ઘરો [કાદવના ઘરો]માં રહીએ છીએ. કે જેથી અમારું રાશન અમાન્ય ન થઇ જાય. અમે અહિયાં ભૂખમરાનો સામનો કરી રહ્યા છીએ. શું તમે મહેરબાની કરીને સત્તાધારીઓને વિનંતી કરી શકો ખરા કે અમને પાછા જવા દે?” આકાશ પૂછે છે.
‘હાર્મોનિયમને ટ્યુનીંગ કરવા માટે સ્વર અને શ્રુતિનું અસામાન્ય જ્ઞાન જરૂરી છે... સ્વર એ ૭ મૂળભૂત સૂર છે અને ૨૨ શ્રુતિ એ સ્વર વચ્ચેનો વિરામ છે.’
આ સમૂહ લાતુરમાં રંગ પંચમી (હોળી) ના દિવસે પહોંચ્યું, જે લગભગ ૧૫ માર્ચ આસપાસ અને લોકડાઉન જાહેર થવાના થોડાક જ દિવસો પહેલાં. આકાશ કહે છે કે, “આ દિવસોમાં મેં માંડ ૧૫૦૦ રૂપિયા કમાયા છે. બીજા બધાની પણ આ જ હાલત છે. હવે બે મહિનાથી પણ વધારે સમય થઇ ગયો અને અમારી પાસે પૈસા જ નથી.”
આકાશના પત્ની, અમીથી ઉમેરે છે કે: “ખાવાનું તો છોડો, પણ પીવાનું ચોખ્ખું પાણી મેળવવું પણ પડકાર છે. હું એક અઠવાડિયા વધારે સમય સુધી કપડા નહોતી ધોઈ શકી, કારણ કે અમારી પાસે પાણી જ નહોતું. રેનાપુર મ્યુનિસિપલ કાઉન્સિલ અઠવાડિયા માં એક જ વાર પાણી પૂરું પાડે છે. હું જાહેર પરબ પાસે પાણી લેવા માટે અડધો કિલોમીટર ચાલુ છું. અમારી પાસે એક અઠવાડિયા સુધી સંગ્રહી શકાય એવી ટાંકી નથી.” આથી તેઓ પાણી આવવાનું એ હોય એ દિવસે ઘણી વાર આટલું ચાલીને જાય છે. તેઓ આગળ કહે છે કે, “અમે અમારી દીકરીઓને પણ સમયસર ખવડાવી શકતા નથી.” તેમની નાની દીકરી યામિની ફક્ત ૧૮ મહિનાની છે. તેઓ કહે છે કે તેમની મોટી દીકરી ૫ વર્ષીય દામિનીને ઘણી વાર ખોરાકમાં પાણીમાં બિસ્કીટ ભીંજવીને સંતોષ માનવો પડે છે.
આ ૮૧ જણના સમુહમાં ૧૮ પુરુષો, ૧૭ સ્ત્રીઓ અને ૧૬ વર્ષથી ઓછી વયના ૪૬ બાળકો છે. બધા કુટુંબોની સંભાળ સ્ત્રીઓ જ લે છે. આકાશ કહે છે કે, “પુરુષો તો હાર્મોનિયમનું સમારકામ કરે છે. અમે ઘણી વાર મહીને ૬૦૦૦ રૂપિયા કમાઈએ છીએ તો ઘણી વાર ફક્ત ૫૦૦ રૂપિયા. એક હાર્મોનિયમ દીઠ ટ્યુનીંગ લગભગ ૧૦૦૦-૨૦૦૦ રૂપિયા મળે છે, જયારે લીકેજને સરખી કરવી, ધમણ તપાસવા, ચામડું સરખું કરવું, ચાવીઓ સરખી કરવી, સ્કેલમાં બદલાવ કરવો વગેરે જેવા નાના કામ ૫૦૦-૭૦૦ રૂપિયા અપાવે છે. દરેક વસ્તુ અમે જે નગરની મુલાકાત લઈએ એના પર અને ત્યાં કેટલું કામ મળે છે એના પર આધાર રાખે છે.”
તેઓ તેમના કુટુંબની દરવર્ષે ઓક્ટોબર અને જુન મહિનામાં સાથે જબલપુરથી મહારાષ્ટ્ર મુસાફરી કરે છે, અને ફક્ત ચોમાસા જ ઘરે હોય છે. તેઓ છેલ્લા ૩૦ વર્ષથી મહારાષ્ટ્રની મુલાકાત લે છે અને એક જ નિશ્ચિત રસ્તો અપનાવે છે - તેઓ જબલપુરથી જલગાઉ જીલ્લાના ભુસાવલની ટ્રેન પકડે છે. ત્યાંથી તેઓ રાજ્યના ઓછામાં ઓછા ૨૦ અન્ય શહેરો અને નગરોની મુલાકાત લે છે જેમાં કોલ્હાપુર, લાતુર, નાંદેડ, નાગપુર, પુને, સાંગલી, વર્ધા તથા અન્યોનો સમાવેશ થાય છે.
તેમનાં સામાનમાં તંબુ, થોડાક વાસણો, રાશન અને ખાવાપીવાની થોડીક વસ્તુઓ અને હાર્મોનિયમ તથા એના સમારકામ માટેના સાધનોનો સમાવેશ થાય છે. આ સમાન તેમની મુસાફરીને મોંઘી કરી દે છે. ૮૦ લોકો માટે ૨ મિનીબસ ભાડે કરવાનો ખર્ચ ૫૦ કિલોમીટર માટે ૨૦૦૦ રૂપિયા થાય છે, માટે તેઓ ટ્રેન દ્વારા કે પગપાળા મુસાફરી કરવાનું પસંદ કરે છે. જેમ કે, તેઓએ નાંદેડથી રેનાપુરની ૧૩૬ કિલોમીટરની મુસાફરી ૬ દિવસમાં પગપાળા કરી, જેમાંથી અમુકે તો ઉઘાડા પગે મુસાફરી કરી હતી.
આકાશના ૫૦ વર્ષીય પિતા અશોક યાદવ કહે છે કે, “આ લોકડાઉન ના હોત તો અમે અત્યારે વિદર્ભના અમરાવતી જીલ્લામાં પહોંચી ગયા હોત. ત્યાંથી ૧૫૦ કિલોમીટર અને અમે મધ્યપ્રદેશની સરહદે પહોંચી ગયા હોત. દરેક વસ્તુ સરળ અને સામાન્ય હોત. મેં ક્યારેય નહોતું વિચાર્યું કે મારા પોતાના દેશમાં મુસાફરી કરવાથી અમારી જીંદગી આટલી હદે ઉજડી જશે.” આ લોકડાઉન તેઓ જીવનની ઘણી મુશ્કેલીઓને સામાન્ય ગણે છે તેનાથી પર વધારે અસર રહી છે.
અશોક યાદવ કહે છે કે, “અમે આ સંસ્થાના કારણે જીવિત રહી શક્યા છીએ.” તેઓ લાતુર સ્થિત ભારતીય સંગીતના પ્રચાર માટે કામ કરતી સંસ્થા આવર્તન પ્રતિસ્થાન વિષે વાત કરી રહ્યા છે કે જેમણે તેમની સામાન્ય કામગીરીથી આગળ વધીને ઘણા ટયુનર અને તેમના કુટુંબોની મદદ કરી છે. તેમણે ૧૧,૫૦૦ રૂપિયા એકત્ર કરી દરેક પરિવારને ૧૫ કિલોગ્રામ ઘઉં, ૨ પેકેટ બિસ્કીટ, ૨ લીટર તેલ, થોડાક સાબુ અને અન્ય વસ્તુઓથી સજ્જ રાશન કીટ આપી છે.
આવર્તનના સ્થાપક અને સંગીત શિક્ષક શશીકાંત દેશમુખ કહે છે કે, “શાસ્ત્રીય સંગીતને સાચવી રાખનારા લોકોને બચાવવા અમારી ફરજ છે.”
તેઓ હાર્મોનિયમ રીપેરમેન કઈ રીતે બન્યા? અશોક યાદવે મને કહ્યું કે, “મારો દીકરો આકાશ અમારા આ ધંધામાં ચોથી પેઢી છે. મારા દાદા અમારા કુટુંબમાં પહેલાં હતા કે જેમણે ટ્યુનીંગ કરવાનું અને હાર્મોનિયમનું સમારકામ કરવાનું કામ ઉપાડ્યું હતું. આ કુશળતા તેઓએ ૬૦-૭૦ વર્ષ પેલા જબલપુરના સંગીતની સાધનોની દુકાનદારો પાસેથી શીખી હતી. એ દિવસોમાં ઘણા લોકો શાસ્ત્રીય સંગીતને પસંદ કરતા હતા અને હાર્મોનિયમ વગાડતા હતા. આ કુશળતાએ અમારા જમીન વગરના કુટુંબને જીવન આપ્યું.”
યુરોપથી ઉદ્ભવેલ સાધન હાર્મોનિયમ એ ૧૯મિ સદીના અંતમાં ભારતમાં પ્રવેશ્યું. હાથથી ચાલતા ધમણ વાળી તેની ભારતીય પ્રતિકૃતિ ૧૮૭૫માં બહાર આવી. અને ખુબજ ઝડપથી ઉત્તરમાં વધુ વપરાતા સાધનો માંથી એક બની ગયું. એ રીતે અશોક યાદવ અને તેમનું કુટુંબ હાર્મોનિયમનું આ દેશમાં જેટલું અસ્તિત્વ છે એનાથી અડધા સમય સુધી તેની સાથે સંકળાયેલા છે.
જો કે, અશોક કહે છે કે, છેલ્લાં થોડાક દસકાઓમાં “બીજા સાધનોએ લોકપ્રિયતા મેળવી છે.” તેની સાથે હાર્મોનિયમ અને તેનું સમારકામ કરતા રીપેરમેનની રોજી પણ ઘટવા માંડી. લગભગ એક દસકાથી, તેઓ જયારે જુનથી ઓક્ટોબર સુધી જયારે પોતાના ઘરે હોય ત્યારે મોટે ભાગે ખેતરમાં મજદૂરી કરે છે. તેમની દિહાડી પુરુષ દીઠ ૨૦૦ રૂપિયા અને સ્ત્રી દીઠ ૧૫૦ રૂપિયા છે. અને આ પણ અમુક દિવસોએ જ મળે છે. અહી લાતુરમાં એક જ દિવસમાં હાર્મોનિયમનું સમારકામ કરીને ૧૦૦૦ રૂપિયા સુધી કમાઈ શકે છે – જો કે આવા દિવસો ઓછા હોય છે.
શા માટે દર વર્ષે ફક્ત મહારાષ્ટ્રની જ મુલાકાત લો છો? અશોક યાદવ કહે છે કે થોડાક દસકાઓ પહેલાં તેઓ છતીસગઢ અને ગુજરાત જેવા રાજ્યોમાં પણ જતા હતા, પરંતુ, આવી જગ્યાઓથી આવક વર્ષો જતા ઓછી થતી ગઈ. આથી છેલ્લા ૩૦ વર્ષથી માત્ર મહારાષ્ટ્ર જ તેમનું એક માત્ર પીઠ છે.
અશોક કહે છે કે, “અન્ય કોઈ રાજ્યમાં અમારા કામની આટલી સારી અને એકધારી માંગ નથી રહેતી.” તેઓ કહે છે કે તેમની સૌથી વધું આવક કોલ્હાપુર-સાંગલી-મિરાજ પટ્ટામાંથી આવે છે, તેઓ કહે છે કે, “અહિયાં હાર્મોનિયમ સહીત ભારતીય સંગીતના સાધનોનું મોટું બજાર છે. પન્ધારપુર અને પુને પણ અમને સારી આવક કરાવી આપે છે.”
આવર્તનના શશીકાંત દેશમુખ કહે છે કે, “હાર્મોનિયમને ટ્યુનીંગ કરવા માટે સ્વર અને શ્રુતિનું અસામાન્ય જ્ઞાન જરૂરી છે. ભારતીય શાસ્ત્રીય સંગીતમાં સ્વર એ ૭ મૂળભૂત સૂર છે અને ૨૨ શ્રુતિ એ સ્વર વચ્ચેનો વિરામ છે. દરેક સ્વર અને શ્રુતિ વચ્ચેના તફાવતને સમજીને તેની સાથે અવાજને મિલાવવા માટે આવૃત્તિ, પીચ, રીધમ અને લય ઉપર પ્રભુત્વની જરૂર છે.”
દેશમુખ ઉમેરે છે કે, “અન્ય મહત્વનું પરિબળ તીણા અવાજને પણ પારખવાની ક્ષમતા અને સુક્ષ્મ તફાવતને પણ ઓળખવો છે. આ કૌશલ્ય દુર્લભ છે કારણ કે સ્વરકેન્દ્ર સુધી પહોંચવા માટે નિપુણતા ધરાવવી જરૂરી છે. આ લોકો નિપુણ છે. તેઓ લાંબા સમયથી હાર્મોનિયમ પાછળના વિજ્ઞાનને જાણે છે. શાસ્ત્રીય સંગીતને સાચવી રાખનારા લોકોને બચાવવા અમારી ફરજ છે.”
તેમની કમાણી તેમના કૌશલ્ય કરતા ઘણી ઓછી છે. દેશમુખ કહે છે કે, “પિઆનોને ટયુન કરવાનો સરેરાશ ખર્ચ ૭૦૦૦-૮૦૦૦ રૂપિયા થાય છે. અને હાર્મોનિયમ ટયુનર્સ એક પિયાનો દીઠ ૨૦૦૦થી પણ ઓછા કમાય છે.”
અશોક યાદવ દુઃખી થઈને કહે છે કે, “ભારતીય શાસ્ત્રીય સંગીતને હવે કોઈ માન આપતું નથી. આ દેશની પોતાની કળા સમય સાથે તેની ભવ્યતા અને મહત્વ ગુમાવી રહી છે. અત્યારના દિવસોમાં લોકો આ સુંદર વાજિંત્રને બાજુએ રાખીને કીબોર્ડ કે [ઇલેક્ટ્રોનિક કે ડીજીટલ વાજિંત્રો] કમ્યુટરાઈઝડ મશીન વાપરવાનું પસંદ કરે છે. અમારી ભવિષ્યની પેઢીઓ પોતાના પેટ ભરવા માટે શું કરશે?”
આકાશ જે ચાવીઓનું સમારકામ કરી રહ્યો છે તેને અંતિમ ઓપ આપતા પૂછે છે કે: “જયારે હાર્મોનિયમમાં એર લીક હોય ત્યારે અમે તેને સરખી કરી દઈએ છીએ. આ સમસ્યાને અવગણવાથી તે વધુ કર્કશતાવાળું અને સંવાદવિહીન થઇ જશે. શું આ આપણા દેશને પણ લાગું નથી પડતું?”
પોસ્ટસ્ક્રિપ્ટ: ૯ જુનના રોજ, અશોક યાદવે મને ફોન પર કીધું કે તેઓ મધ્યપ્રદેશમાં ગાંધીગ્રામ ગામમાં પહોંચી ગયા છે. અને ત્યાં પહોંચીને તેમણે કુટુંબ દીઠ ૩ કિલો ચાવલ મેળવ્યા છે. અને તેઓ બધા ‘હોમ ક્વારંટીન’ થઇ ગયા છે. તેમની પાસે હવે કંઈ પણ કામ નથી અને તેઓ સરકાર પાસેથી આર્થિક સહાયની આશા સેવી રહ્યા છે.
અનુવાદક: ફૈઝ મોહંમદ