ઝાંખી પડી ગયેલી દિવાલો વાળા બે માળના મકાનના ઉપલા માળે, અઝલાન અહમદ તેના ઓરડાના એક ખૂણામાં તેના ફોન પર વ્યસ્ત બેઠો છે. તેના હાથ ધ્રુજી રહ્યા છે અને તે કશ્મીરીમાં તેની માતાને બૂમ પાડે છે, “મેં ગો ખબર ક્યા (મને નથી ખબર મને શું થઇ રહ્યું છે).” તે માથાના અને શરીરના દુખાવાની ફરિયાદ કરે છે. તેની માતા, સકીના બેગમ રસોડામાં પાણીનું ગ્લાસ લેવા દોડે છે. અઝલાનનો અવાજ સાંભળી, તેના પિતા બશીર અહમદ ઓરડામાં આવે છે અને આશ્વાસન આપવાનો પ્રયત્ન કરે છે, એમ કહેતા કે ડોકટરોએ તેમને જાણ કરી દીધી હતી કે ડ્રગ્સ છોડવાના આ પ્રકારના લક્ષણો રહેશે.
સમય જતા, સકીના બેગમ અને બશીરે (ગોપનીયતા સુનિશ્ચિત કરવા માટે બધા નામો બદલી કાઢવામાં આવ્યા છે)૨૦ વર્ષિય અઝલાનના ઓરડાને તાળું મારવાનું શરૂ કરી દીધું છે, અને તેમના ઘરની ૧૦ બારીઓને બંધ રાખવામાં આવે છે. ઓરડો રસોડાની નજીક છે, જ્યાંથી તેની માં તેના પર સાવધ નજર રાખી શકે છે. “પોતાના દીકરાને બંધ રાખવું દુઃખદાયક છે, પરંતુ મારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી,” ૫૨ વર્ષના સકીના બેગમ, એ ડર સાથે કહે છે, કે જો તેમનો દીકરો બહાર નીકળી જશે તો તે ડ્રગ્સની શોધ શરુ કરી દેશે.
બેરોજગાર અને ભણતર અધ્વચ્ચે છોડનાર, અઝલાનને હેરોઈનની લત લાગે બે વર્ષ થઇ ગયા છે. નશો કરવાની આ ટેવ ચાર વર્ષ પહેલાં જૂતાની પોલીશની સાથે શરુ થઇને મેડીસીનલ ઓપીએટ્સ (ઊંઘ લાવનારી અને દરદ ઓછું કરનારી અફીણવાળી દવા) અને ચરસ અને છેવટે હેરોઈન સુધી પહોંચી.
દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના ચૂરસૂ વિસ્તારમાં રહેતા અઝલાનના પરિવાર માટે આ વ્યસન એક આઘાત છે. “ડ્રગ્સ ખરીદવા તેણે તેની માંની એરિંગ્સથી લઈને તેની બહેનની વીંટી સુધી, અમારી પાસે જે કઈ મૂલ્યવાન વસ્તુ હતી તે બધી વેચી દીધી છે,” ૫૫ વર્ષિય ડાંગરના ખેડૂત બશીર કહે છે. અઝલાને તેમનું એટીએમ કાર્ડ ચોરીને તેમના ખાતામાંથી આશરે રૂ. ૫૦,૦૦૦ ઉપાડી લીધા પછી તેમને પોતાના દીકરાની ડ્રગ લેવાની ટેવ વિષે જાણ થઇ. “અમારે ઘેર રોકાતા અતિથિગણ પણ અહીં તેમના પૈસા ચોરી થવાની ફરિયાદ કરતા,” તેઓ ઉમેરે છે.
પરંતુ સમસ્યા વિષે સંપૂર્ણ રીતે થોડા મહિના પહેલાં જાણ થઇ જ્યારે બશીરે તેમના દીકરાને હેરોઇન ખરીદવા પોતાની ૩૨ વર્ષિય બહેનની આંગળીમાંથી એક વીંટી ઝોટતા જોયો. “બીજા જ દિવસે હું તેને સારવાર માટે શ્રીનગરના ડ્રગ ડી-એડિક્શન સેન્ટર (વ્યસન મુક્તિ કેન્દ્ર) લઈ ગયો. મેં મારા પુત્ર પર આંધળો વિશ્વાસ કર્યો અને કદી વિચાર્યું ન હતું કે તેને એક દિવસે નશાબાજ કહેવામાં આવશે,” તેઓ કહે છે.




