મથુરા નિર્ગુડે ખી-ખી કરીને હસીને જોરથી ગુસપુસ કરતી કહે છે, “એમણે અમને કંઈ શીખવાડ્યું નથી.” એ નાસિક જિલ્લાના ત્રિમ્બકેશ્વર તાલુકાના ટાકે હર્ષા ગામમાં આવેલા પોતાના એક ઓરડાના ઘરની નજીક એક ગાડા પાસે બેઠી છે. ગામની લગભગ 1,500 રહેવાસીઓની વસ્તીમાંથી મોટાભાગના ઠકાર આદિવાસી સમુદાયના છે.
ડિસેમ્બર 2017 સુધી 11 વર્ષની મથુરા લગભગ આઠ કિલોમીટર દૂર આવેલા દહાલેવાડી ગામમાં આવેલી જિલ્લા પરિષદ (જિપ) ની શાળામાં 5માં ધોરણમાં ભણતી હતી. હવે તે ટાકે હર્ષાથી લગભગ ચાર કિલોમીટર દૂર આવેલા અવહાટે ગામમાં એક બિન-સરકારી સંસ્થા દ્વારા ચલાવાતી શાળામાં ધોરણ 6માં જાય છે.
જ્યારે તેને પૂછવામાં આવે કે તેને કઈ શાળા વધુ ગમે છે, ત્યારે તે તરત જ કહે છે: “પહેલી.”
જ્યારે દહાલેવાડીની જિપ શાળા બંધ થી ગઈ ત્યારે અવહાટેમાં આવેલી શાળાએ તેના 14 વિદ્યાર્થીઓને સમાવી લીધા, એજ તાલુકાના વાવી હર્ષા ગામમાં રહેતા શિક્ષણ કાર્યકર્તા ભગવાન મધે કહે છે. “તેને રાજ્ય પાસેથી ગ્રાંટ નથી મળતી, અને તેઓ એને ગંભીરતાપૂર્વક નથી ચલાવતા,” તેઓ ઉમેરે છે. અવહાટેની શાળા – શ્રી ગજાનન મહારાજ વિદ્યાલયમાં અઠવાડિયામાં ફક્ત બે દિવસ વર્ગો લેવાય છે.
પણ મથુરાનું તેની દહાલેવાડીની શાળાનું ખોવું એ અપવાદ નથી. છેલ્લાં કેટલાંક વર્ષોમાં આખા મહારાષ્ટ્રમાં થઈને હજારો બાળકોએ તેમની શાળાઓ બંધ થતી જોઈ છે.







