રાજેશ અંધારેએ તેમના જીવનનો પ્રથમ સ્માર્ટફોન મેળવવા માટે ૨૫૦૦ રૂ. ડાઉન પેમેન્ટ લેવું પડ્યું હતું. બે વર્ષ બાદ, તેઓ હજુ પણ તેને ચલાવી શકતા નથી. ૪૩ વર્ષીય રાજેશ કહે છે કે, “તે મારા મોટા દીકરા દિનેશ કે જેણે થોડા સમય પહેલાં જ શાળાનો અભ્યાસ પૂરો કર્યો હતો તેના માટે ભેટ હતી. અમે બાકીનું પેમેન્ટ ૧૦૦૦ રૂ. ના પાંચ હપ્તામાં આપ્યું હતું. ફોન અમને ૭૫૦૦ રૂ. માં પડ્યો હતો.”
આ સ્માર્ટફોન ૧૬ વર્ષીય દિનેશ પાસે છે, પરંતુ મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના ડોંગરી ગામના રહેવાસી રાજેશે પણ તેનો ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો – પણ એમાં તેમને સફળતા મળી નહીં.
આ ફોનની કિંમત રાજેશ મહિનામાં જેટલું કમાય છે લગભગ તેટલી છે – દૈનિક ૨૫૦-૩૦૦ રૂપિયા. તેઓ કહે છે કે, “મેં તેને વાપરવાનો પ્રયત્ન કર્યો હતો, પણ થોડા દિવસ પછી મેં બધા પ્રયત્નો છોડી દીધા. મને તો મારો જુનો કીપેડ વાળો ફોન જ ફાવે છે.”
તેમના પુત્રની પેઢી, મુશ્કેલ વિસ્તાર અને મુશ્કેલ તલાસરી તાલુકાની પરીસ્થિતિમાં પણ - ઓછી આવક ધરાવતા પરિવારોની બહુમતી આદિવાસી વસ્તીવાળા વિસ્તારમાં પણ - સ્માર્ટફોનનો ઉપયોગ કરવામાં વધુ કુશળ છે. પરંતુ ખર્ચ અને કનેક્ટિવિટી બંને દ્વારા તેમની કુશળતા ક્ષીણ થઇ ગઈ છે.
ગુજરાતની સરહદનો આ આદિવાસી પટ્ટો મુંબઇથી માત્ર ૧૩૦ કિલોમીટર દૂર છે - પરંતુ ઇન્ટરનેટથી ખૂબ જ નબળી રીતે જોડાયેલ છે. રાજેશ કે જેઓ વારલી જાતિના છે તેઓ કહે છે કે, “એટલે સુધી કે વીજ પુરવઠો પણ તૂટક તૂટક છે, એમાંય ચોમાસામાં તો ખાસ.”
આથી જો તમે ડોંગરીમાં છોકરાઓના સમુહને એક ઝાડ નીચે બેસેલા જુઓ, તો તમે માની શકો છો કે એ જગ્યાએ કોઈ અંશે નેટવર્ક આવતું હશે. આ સમુહમાં એક કે બે જણ પાસે સ્માર્ટફોન હશે અને બાકીના ઉત્સાહથી તેમાં તાકી રહ્યા હશે. અને હા, તેઓ છોકરાઓ જ હશે. અહીંયાં કોઈ છોકરી પાસે સ્માર્ટફોન હોવો એ અઘરી બાબત છે.
તો પછી મહારાષ્ટ્રના ગ્રામીણ જિલ્લાના કરોડો ગરીબ વિદ્યાર્થીઓ, કોરોનાવાઇરસ-સંબંધિત લોકડાઉનને પગલે, ‘ઓનલાઇન વર્ગો’ તરફ ઝડપથી જઈ રહેલી શિક્ષણ નીતિમાં કઈ રીતે પહોંચી વળશે? રાજ્યના આર્થિક સર્વે મુજબ, રાજ્યમાં ફક્ત પ્રાથમિક શાળાઓમાં જ ૧૫ કરોડથી વધુ વિદ્યાર્થીઓ છે, જેમાંથી ૭૭ ટકા ગ્રામીણ જિલ્લાઓમાં છે. જેમાંથી ઘણાંના માતાપિતાની આર્થિક પરિસ્થિતિ રાજેશ અંધારે જેટલી જ તંગ છે.
******
અહમદનગર જિલ્લાના અકોલે શહેરમાં શાળાના શિક્ષક અને કાર્યકર, ભાઉ ભાસ્કર શિક્ષણની ઓનલાઈન શિક્ષણ તરફની દોડ વિષે કહે છે કે, "આ ડિજિટલ વિભાજન સિવાય બીજું કશું નથી, વ્હોટસએપ એ શિક્ષણનું યોગ્ય માધ્યમ ન હોઈ શકે."
આ વર્ષે ૧૫ જૂને, મહારાષ્ટ્ર સરકારે શૈક્ષણિક વર્ષ શરૂ કરવા અંગેના પડકારો વિષે એક પરિપત્ર બહાર પાડ્યો હતો. તેમાં જેના લીધે છેલ્લા ત્રણ મહિનાથી બધે શાળાઓ બંધ હતી, એ કટોકટીને નાથવાના સંભવિત રસ્તાઓ વિષે તપાસ કરી હતી.
પરિપત્રમાં જણાવવામાં આવ્યું કે, “આગળ જતા, વિવિધ માધ્યમોથી શિક્ષણ આપવું મહત્વપૂર્ણ રહેશે. આપણે પહેલા જે માધ્યમોથી લેકચરો થતા હતા તેનાથી બચવું પડશે. વિદ્યાર્થીઓએ જાતે જ અભ્યાસ કરવો પડશે અને શિક્ષકો તેમની શંકાઓ પછીથી દૂર કરી શકશે. આપણી પાસે ટીવી, રેડીઓ અને અન્ય ઓનલાઈન માધ્યમો ઉપલબ્ધ છે. આપણે તેમનો ઉપયોગ કરવો જોઈએ.”
વ્યવહારમાં, આનો મતલબ ઓનલાઈન શિક્ષણ પર જોર આપવામાં આવ્યું છે.
૧૫ જૂનના આ પરિપત્ર પછી, ડોંગરી ગામના જીલ્લા પરિષદના શિક્ષક રવિ રાય કહે છે કે, એમણે અને એમના સહયોગીઓએ જેમના ઘરોમાં સ્માર્ટફોન છે એમની સંખ્યા નોંધી છે. “અમારી પાસે શિક્ષકોનું એક વ્હોટસએપ ગ્રુપ છે જેમાં અમે બાળકો માટે જરૂરી દિશાનિર્દેશો અને પીડીએફ ફાઈલો કે વિડીઓ મેળવીએ છીએ. અમે આ બધું જે લોકો પાસે સ્માર્ટફોન છે તેમને ફોરવર્ડ કરીએ છીએ. અમે વાલીઓને અનુરોધ કરીએ છીએ કે બાળકોને સ્માર્ટફોન ઉપલબ્ધ કરાવે. તેઓ હકારમાં જવાબ તો આપે છે, પણ તેમાં કંઈ પ્રગતી જોવા નથી મળી રહી.”
એ કલ્પના કરવી મુશ્કેલ છે કે આ કઈ રીતે થઇ શકશે.
રાષ્ટ્રીય સેમ્પલ સર્વેની ૨૦૧૭-૧૮ના એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે મહારાષ્ટ્રમાં ફક્ત ૧૮.૫ ટકા ગ્રામીણ પરિવારો પાસે કોઈ ઈન્ટરનેટ સુવિધા છે. અને ગ્રામીણ મહારાષ્ટ્રમાં ૬ માંથી ફક્ત ૧ વ્યક્તિ પાસે “ઈન્ટરનેટનો ઉપયોગ કરવાની ક્ષમતા હતી.” મહિલાઓમાં, એ ૧૧ માંથી ૧ હતું.
અહેવાલમાં આગળ કહેવામાં આવ્યું છે કે, ગ્રામીણ મહારાષ્ટ્રમાં ૭ માંથી ફક્ત ૧ વ્યક્તિ સર્વેક્ષણના ૩૦ દિવસ પહેલા ઈન્ટરનેટનો ઉપયોગ કરવામાં સફળ રહી હતી. મહિલાઓમાં આ પ્રમાણ ૧૨ માંથી ૧ હતું. આમાં સૌથી વધારે વંચિત આદિવાસી અને દલિત હશે, જે મહારાષ્ટ્રની વસ્તીના ક્રમશઃ ૯.૪ ટકા અને ૧૨ ટકા છે.
બોમ્બે વિશ્વવિધાલય અને કોલેજ શિક્ષક સંઘના સર્વેક્ષણ બતાવે છે કે એ આદિવાસી ક્ષેત્રોમાં ઉચ્ચ શિક્ષણમાં પણ શાળાઓ જેવી જ હાલત છે. ડૉ. તાપતી મુખોપાધ્યાય અને ડૉ. મધુ પરાંજપે દ્વારા લખવામાં આવેલ ૭ જૂનના અહેવાલમાં તેમણે પાલઘર જીલ્લાના જૌહર તાલુકાની સ્થિતિ તપાસી હતી એમાં પામ્યું કે “દરેક વસ્તુ રોકાઈ ગઈ છે. કેમ્પસ બંધ થઈ ગયાં છે અને શિક્ષણ કે ઇતર પ્રવૃત્તિઓ પણ બંધ છે.” ઈન્ટરનેટ કનેક્ટિવિટી જ્યાં પણ છે, ત્યાં ખૂબજ ખરાબ બેન્ડવિથ છે. વિજ પુરવઠો પણ નિરાશાજનક છે. તેઓ આગળ કહે છે કે, “આવી હાલતમાં કોઈ ઓનલાઈન ભણવા/ભણાવાની પ્રવૃત્તિ ન થઇ શકે.”
ભાઉ ભાસ્કર ચેતવે છે કે જે બાળકો મોંઘા ઉપકરણો ન હોવાને કારણે પાછળ રહી ગયાં છે તેઓમાં “ગૌણ સંકુલ વિકસી શકે છે.” તેમનો તર્ક છે કે ગ્રામ્ય વિસ્તારોમાં ટીવીનો વ્યાપ વધુ છે. અને કહે છે કે, “રાજ્ય સરકારે એક ચેનલ શરૂ કરવી જોઈએ. જેમાં વિદ્યાર્થીઓને ભણાવી શકાય અને અન્ય ગતિવિધિઓમાં શામેલ કરી શકાય. તે માટે રાજ્યએ તાત્કાલિક ધોરણે વર્કબુક તૈયાર કરવી જોઈએ. કેરળ સરકારે પણ કંઈ આવું જ કર્યું છે. [મહારાષ્ટ્ર] પરિપત્રમાં ટીવી અને રેડીઓનો ઉલ્લેખ તો છે પણ તેનો કઈ રીતે ઉપયોગ કરવામાં આવશે તે વિષે કોઈ યોજના નથી.”
*****
રાજેશ અંધારેની નાની દીકરી, ૧૧ વર્ષીય અનીતા ગામની જીલ્લા પરિષદની શાળામાં ભણે છે. જ્યારે તેણીને ભણવાની જરૂર પડે ત્યારે શું તેનો મોટો ભાઈ દિનેશ ફોન મૂકી દે છે? અનીતા કહે છે કે, “મૂકી તો દે છે, પણ અનિચ્છાએ. લોકડાઉન પહેલાં પણ તેણે મને વધારે ઉપયોગ નથી કરવા દીધો.”
પાછળનાં બે વર્ષોમાં, અનિતાએ પોતાને અમુક હદ સુધી સ્માર્ટફોનથી પરિચિત કરી દીધી છે. પણ તેમાંથી કંઈ શીખવાની વાત આવે ત્યારે તેણીને સંદેહ છે. તેણીની કહે છે કે, “હું ઓનલાઈન વર્ગની કલ્પના નથી કરી શકતી. મને કોઈ પ્રશ્ન હોય તો શું કરવાનું? જો હું મારો હાથ ઊંચો કરું તો શું શિક્ષકો તેને જોઈ શકશે?”
૧૩ વર્ષીય વિક્લુ વિલાટને આવી કોઈ ચિંતા નથી. એમના ગામના બાજુના મહોલ્લાની આઠમા ધોરણની વિદ્યાર્થીનીએ ક્યારેય સ્માર્ટફોન નથી લીધો. અને ઓનલાઈન વર્ગ કેવો હોઈ શકે એ વિષે તો કોઈ વિચાર સુદ્ધાંય નથી. એમના પિતા શંકર, રાજેશની જેમ એક ગરીબ મજુર છે. તેઓ કહે છે કે, “અમારી પાસે એક એકરથી પણ ઓછી જમીન છે. હું અહીંયાં બાકી લોકોની જેમ મજૂરી કરીને જીવનનિર્વાહ કરું છું.”
તો પછી એવા લોકો વિષે શું કે જેમની પાસે સ્માર્ટફોન છે જ નહીં? ડોંગરીના શિક્ષક રવિ રાય કહે છે કે, આમ પણ શિક્ષકોએ બધી ચોપડીઓ બાળકોને આપી દીધી છે. તેઓ આગળ કહે છે કે, “અમે તેમને તેમાંથી અમુક પાઠનું અધ્યયન કરવાની સુચના આપી દીધી છે. અમે માતા-પિતાને તેમના કામ પર નજર રાખવાનું કહ્યું તો છે પણ આ એક મોટી જવાબદારી છે.”
આમ તો, પાછળના વર્ષોમાં જ્યારે આ સમય દરમિયાન શાળાઓ ખુલતી હતી ત્યારે માતા-પિતા આરામથી પોતાના કામે જતાં રહેતાં હતાં. અનિતાનાં માતા ૪૦ વર્ષીય ચંદન કહે છે કે, “શિક્ષકો બાળકોની સારી કાળજી લેતા હતા. તેમને બપોરે મધ્યાહન ભોજન મળતું હતું, જેથી એક સમયના ખોરાકની કાળજી લેવાઈ જતી હતી. અમારે ચિંતા નહોતી કરવી પડતી.”
પરંતુ, અત્યારે લોકડાઉનમાં તેઓ વિવશ છે. આ વિસ્તારમાં મજુરો, કે જેઓ તેમની આવશ્યકતાઓ પૂરી કરવા માટે હંમેશા સંઘર્ષ કરતા હતા, તેઓ હવે હાલત ખરાબ થતી જોઈ રહ્યા છે. આર્થિક ગતિવિધિ ધીમે ધીમે સુધરી રહી હોવાથી બાળકોનાં માતા-પિતા કામ અર્થે બહાર જઈ રહ્યાં છે. શંકર કહે છે કે, “અમે પાછળના અઢી મહિનાની ભરપાઈ કરવા માગીએ છીએ. વધુમાં, અમે જલ્દીથી અમારા ખેતરમાં બીજ વાવવાની શરૂઆત કરી દઈશું. આ બધું પોતાના ઉપયોગ માટે છે, વેચાણ માટે નહીં. અમારા પોતાના ખેતર અને અન્યોના ખેતરોમાં કામ કરવાનું હોવાથી, અમે બાળકો પર નજર નથી રાખી શકતા.”
બાળકો પાઠ્યપુસ્તકો કે વ્હોટ્સએપ પર મળતી પીડીએફ વાંચે છે કે નહીં, આ સુનિશ્ચિત કરવાની જવાબદારી વાલીઓ પર નાખવાથી તેમને અજાણ્યા વિસ્તારમાં ધકેલવા જેવું છે. ચંદન કહે છે કે, “અમે વધારે ભણેલા નથી, માટે અમે કહી શકતા નથી કે બાળકો બરાબર અભ્યાસ કરી રહ્યા છે કે નહીં. તેઓ શાળામાં રહે તો સારું રહેશે. હા, કોરોનાની બીક તો છે. પરંતુ, જો સરકાર શાળાઓ ફરીથી શરૂ કરશે તો અમે અનીતાને મોકલી દઈશું.”
અહીંયાં વાલીઓમાં ઈન્ટરનેટની જાણકારી ના બરાબર છે. અને અમુક જ પરિવારોના ઘરોમાં સ્માર્ટફોન જોવા મળે છે. આ સિવાય રાય કહે છે કે, “ડોંગરીમાં અમારી શાળા આઠમા ધોરણ સુધીની ઉચ્ચ પ્રાથમિક શાળા છે. જે બાળકો પાસે સ્માર્ટફોન છે તે બધાની વય ૧૬ વર્ષ કે તેથી વધુ છે.”
*****
૧૫ જૂનના પરિપત્રમાં કહેવામાં આવ્યું હતું કે, જે ગામોમાં કોરોનાના કેસ ન હોય ત્યાં શાળાઓ ધીમે ધીમે ખોલી શકાય છે. ધોરણ ૬-૮માં અભ્યાસ કરતાં બાળકો ૨૦૨૦ના ઓગસ્ટ મહિનાથી શાળામાં આવવાની શરૂઆત કરી શકે છે. ધોરણ ૩-૫ના બાળકો તે બાદ મહિના પછી આવી શકે છે. અને પહેલા અને બીજા ધોરણના બાળકો માટે પરીપત્રમાં દરેક શાળામંડળની વિવેકબુદ્ધિ પર નિર્ણય છોડવામાં આવ્યો હતો.
પરિપત્રમાં કહેવામાં આવ્યું હતું કે શાળાઓ ફરીથી શરૂ કરતા પહેલાં, “રાજ્યની દરેક શાળાએ સફાઈ, બેઠક વ્યવસ્થા અને સ્વચ્છતા પર ધ્યાન આપવું જોઈએ. અને જો શાળા ખોલ્યા પછી કોરોના વાઇરસના કારણે શાળા બંધ કરવાની થાય તો ઓનલાઈન શિક્ષણની તૈયારી રાખવી જોઈએ.”
પરંતુ, તલાસરીમાં શિક્ષકો શાળાઓ ફરીથી ખોલવાના પક્ષમાં નથી, ભલેને આ તાલુકો ગ્રીન ઝોનમાં છે અને અહીંયાં એક પણ સક્રિય કેસ નથી.
તલસારી નગરની જીલ્લા પરિષદ શાળાના શિક્ષક દત્તાત્રેય કોમને આ વિચાર જોખમ ભર્યો લાગે છે. તેઓ કહે છે કે, “અમારે અહીંયાં ભલે એક પણ કોરોનાનો કેસ ન હોય, પરંતુ, પાડોશના દહાનું તાલુકામાં છે. તલસારીના ઘણા શિક્ષકો ત્યાંથી અને અન્ય જગ્યાઓથી અવરજવર કરે છે. મજૂર તરીકે કામ કરતા ઘણા વાલીઓ ઘણીવાર અમારા તાલુકાથી બહાર જાય છે.”
કોમ કહે છે કે, “શાળાઓને બાળકો અને શિક્ષકોની સુરક્ષા માટે પુરતી સંખ્યામાં સેનીટાઈઝર અને માસ્કની આવશ્યકતા રહેશે. તેમણે નક્કી કરવું પડશે કે બાળકોને મધ્યાહન ભોજન કઈ રીતે પહોંચાડવું. સામાન્ય રીતે, તેને મોટા વાસણમાં બનાવીને બાળકોને પીરસવામાં આવે છે.”
શિક્ષકોને એ વાતની ચિંતા છે કે તેઓ ૭-૧૩ વર્ષના બાળકોને સામજિક દૂરી બનાવવાનું કઈ રીતે સમજાવી શકશે. કોમ કહે છે કે, “તેઓ શરારત કરે છે અને ચંચળ હોય છે. ભગવાન ન કરે – કદાચ એમને કોરોના થઇ ગયો તો છેવટે શિક્ષકોને જવાબદાર ઠેરવવામાં આવશે. અમારે આ બોજ નથી જોઈતો.”
ડોંગરી ગામમાં ૨૧ વર્ષીય અંકેશ યાલ્વી તેમને સરકારી નોકરી અપાવે એવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે. તેઓ સ્માર્ટફોન અને પૈસા આપીને ખરીદેલી ઓનલાઈન શૈક્ષણિક એપ્સ અને સેવાઓનો ઉપયોગ કરે છે પણ, “હું નેટવર્ક સારું હોય ત્યારે જ આનો ઉપયોગ કરી શકું છું.”
અંકેશને તેની ૧૨ વર્ષીય બહેન, પ્રિયંકા સાથે પોતાનો ફોન શેર કરવામાં કોઈ તકલીફ નથી, જેથી તે ભણી શકે. તે કહે છે કે, “પરંતુ, જો અમે બંને રોજ ફોન વાપરવાનું શરૂ કરી દઈશું તો અમારે મોંઘા ડેટા પેકની જરૂર પડશે. અત્યારે અમે પ્રતિદિન ૨ જીબીના ૨૦૦ રૂપિયા મહીને આપીએ છીએ.”
ડોંગરી ગામથી ફક્ત ૧૩ કિલોમીટર દૂર, તલાસરી શહેરના ૯ વર્ષીય નિખિલ ડોબરે ભાગ્યશાળી છે કે તેમની પાસે એક સારો સ્માર્ટફોન છે – પરંતુ તેની કિંમત રાજેશ અંધારેના સ્માર્ટફોન કરતાં ૪ ઘણી વધારે છે. તે એક ખાનગી શાળામાં ભણે છે અને એમના પિતા શહેરની એક જીલ્લા પરિષદ શાળામાં ભણાવે છે. નિખિલ પાસે સારું નેટવર્ક પણ છે.
પણ તેમના પિતા કહે છે કે, “એવું લાગે છે કે એને મજા નથી આવી રહી...”
નિખિલ કહે છે કે, “હું શાળાઓ ફરીથી શરૂ થવાની રાહ જોઈ રહ્યો છું. મને મારા મિત્રોની યાદ આવે છે. એકલા ભણવામાં મજા નથી આવતી.”
અનુવાદક: ફૈઝ મોહંમદ