એ. શિવકુમાર કહે છે, ''સામાન્ય દિવસોમાં હું મારી સાઈકલ પર 40-50 કિલોમીટરની સવારી કરી પ્લાસ્ટિકની ડોલ અને વાસણો જેવી ચીજવસ્તુઓ વેચવા જઉં. નાગાપટ્ટિનમ જિલ્લાની એક આદિવાસી વસાહત - અરસુરમાં રહેતા 33 વરસના શિવકુમાર માટે, દિવસની શરૂઆત પરોઢિયે 5 વાગે, તેની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવેલી એક ખાસ સાઈકલ ઉપર થાય. આ સાઈકલની ચારે ય બાજુ પ્લાસ્ટિકની રંગબેરંગી ચીજવસ્તુઓ બાંધેલી હોય. શિવકુમાર આ ચીજવસ્તુઓ વેચી ગુજરાન ચલાવે. તે કહે છે, સામાન્ય દિવસોમાં તે તેના છ સભ્યોના પરિવારને ખવડાવવા પૂરતા 300-400 રુપિયા રળી લે.
આ સામાન્ય દિવસો નથી.
લોકડાઉન હેઠળના જીવનમાં એ પ્રવૃત્તિ બંધ કરી દેવી પડી છે - અને તેની સાથે તેના પરિવારની આવકનો સ્રોત પણ બંધ થઈ ગયો છે. પરંતુ શિવકુમાર કોવિડ -19 ના સંકટના ઘેરા વાદળોમાં આશાનું કિરણ જુએ છે. તે કહે છે, “જો વનવીલ ન હોત તો અમે ભૂખે મરત.”
વનવીલ એ ‘મેઘધનુષ્ય’ માટેનો તમિલ શબ્દ છે. તે આ જિલ્લાના નાગપટ્ટિનમ બ્લોકના સિક્કલ ગામની એક પ્રાથમિક શાળાનું નામ પણ છે. 21 એપ્રિલ સુધી 44 લોકોના કોરોના વાયરસ માટેના પોઝિટિવ પરીક્ષણ સાથે, નાગપટ્ટિનમ તમિલનાડુના કોવિડ -19 હોટસ્પોટ્સમાંનું એક છે.
આ શાળામાં મુખ્યત્વે વિચરતી જનજાતિના વિદ્યાર્થીઓ ભણે છે અને હાલ આ શાળા - શૈક્ષણિક કાર્ય માટે બંધ હોવા છતાં - અરસુર અને અન્ય ગામોના પરિવારો માટે કરિયાણાની વ્યવસ્થા કરે છે. લોકડાઉનની અસર વધુ ને વધુ ઘેરી થતાં શાળા તરફથી મદદ મેળવતા પરિવારોની સંખ્યા વધીને 1,228 સુધી પહોંચી છે - તેમાં લગભગ 1000 પરિવારો અત્યંત છેવાડાના સમુદાયોના છે. અહીંના હજારો ગરીબ લોકો માટે, આ શાળા હવે તેમની અન્ન સલામતીનો મુખ્ય આધાર છે.
વનવીલે શરૂઆતમાં તો વિચરતી જનજાતિના જૂથોને સહાય પહોંચાડવા માંડી, જેમના માટે તેઓ કાર્યરત છે. પણ શાળાના વ્યવસ્થાપક અને વનવીલના મેનેજિંગ ટ્રસ્ટી - 43 વર્ષના પ્રેમા રેવતી કહે છે કે, બીજા લોકો પણ મુશ્કેલીમાં હતા "અને નજીકના ત્રિચી [તિરુચિરાપલ્લી] જિલ્લાના ગામડામાંથી પણ મદદની અપીલ આવી હતી." શાળાની શૈક્ષણિક પ્રવૃત્તિઓ નાગપટ્ટિનમ અને તિરુવરુર જિલ્લાને આવરી લે છે.
જ્યારે 24મી માર્ચે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું ત્યારે, શાળાએ બાળકોને તેમના પરિવારો સાથે વધુ સારું લાગશે એ આશા સાથે મોટાભાગના બાળકોને તેમના ઘેર પાછા મોકલી દીધા - સિવાય કે એ 20 બાળકો જેના માટે વનવીલ જ એમનું ઘર છે . 5 કર્મચારીઓ કેમ્પસમાં રહ્યા. લોકડાઉન ચાલુ રહ્યું એટલે શાળાના પદાધિકારીઓને સમજાયું કે ઘેર પાછા ફરેલા બાળકો ન તો તંદુરસ્ત રહેશે, કે ન તો સંકટ પૂરું થયા પછી શાળાએ પાછા ફરશે. એટલે હવે તેમણે માત્ર પોતાના વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો પર જ નહીં, પણ ઘણા વિશાળ, ગંભીર રીતે વંચિત સમુદાય પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
શૈક્ષણિક કાર્ય માટે વનવીલે હંમેશાં બે અનુસૂચિત જનજાતિ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું: અદિયન અને નરીક્કુરવર. અદિયન બૂમ બૂમ માટ્ટુકારર (BBM ; ‘બૂમ બૂમ’ શબ્દ માટ્ટુકારર/પશુપાલકો દ્વારા તે ઉરુમીના - રેતઘડિ આકારના ડ્રમના- અવાજ પરથી આવે છે) તરીકે જાણીતા છે. આ નામનું (બૂમ બૂમ માટ્ટુકારર) મૂળ તેમણે અપનાવેલા ભવિષ્ય ભાખવાના વ્યવસાયમાં છે, જેમાં તેઓ ખૂબ સુશોભિત બળદનો મદદ માટે અથવા ઉપકરણ તરીકે ઉપયોગ કરતા. હવે તેમાંથી ખૂબ ઓછા લોકો તે વ્યવસાય કરે છે.
૨૦૧૧ ની વસ્તી ગણતરીમાં જણાવ્યા પ્રમાણેના તમિલનાડુમાં તેમના 950 પરિવારો છે, પણ હકીકતમાં તેના કરતા ઘણા વધારે પરિવારો હોય તેમ લાગે છે. સમુદાયના સંગઠનોનું માનવું છે કે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં થઈને આશરે 10,000 પરિવારો છે. તેમાંના મોટાભાગના પોતાને અદિયન તરીકે ઓળખાવે છે, પરંતુ ઘણા પાસે સમુદાયનું પ્રમાણપત્ર નથી. આરસુરમાં ઓછામાં ઓછા 100 BBM (બૂમ બૂમ માટ્ટુકારર) પરિવારો છે.શિવકુમારનો પરિવાર તેમાનો એક છે - અને આ જૂથ આજે વનવીલની સહાયથી ટકી રહ્યું છે.
મૂળ શિકાર કરીને કે જંગલમાંથી કંદમૂળ શોધીને ખોરાક ભેગો કરનારા નરીક્કુરવ ઘણા લાંબા સમય સુધી સૌથી વધુ પછાત સમુદાય તરીકે સૂચિબદ્ધ થયા હતા. તેઓને છેક 2016 ના અંતમાં અનુસૂચિત જનજાતિ તરીકેની ઓળખ મળી હતી. વનવીલના મોટા ભાગના વિદ્યાર્થીઓ બૂમ બૂમ માટ્ટુકારર છે.
વનવીલ ટ્રસ્ટ, BBMના બાળકો ભીખ માગવાથી દૂર રહે તે માટે, એ બાળકો માટે તેમના પરિસરમાં બાળકોનું ઘર ચલાવે છે. રેવતી કહે છે, “ઘણી વિચરતી જનજાતિના આદિવાસીઓની જેમ, આ બાળકો પણ - અતિશય ગરીબી, વહેલાં લગ્ન, અનેક ગર્ભાવસ્થા, ખોરાકની ટેવો - જેવા ઘણા બધા કારણો ભેગા થવાને કારણે લાંબા સમય સુધી કુપોષણનો ભોગ બને છે. તેથી અમે તેમના સ્વાસ્થ્ય પર પણ ધ્યાન આપીએ છીએ. ”
11મા ધોરણની, 16 વર્ષની, વિદ્યાર્થીની એમ. આરતી માટે, વનવીલ છાત્રાલય જ તેનું ઘર છે. તે કહે છે, "વનવીલ છાત્રાલયનું મારા જીવનમાં શું મહત્વ છે તે સમજાવવા માટે આનાથી વધુ શું કહું?" પરંતુ 11મા ધોરણની વિદ્યાર્થીની પ્રાથમિક શાળામાં શું કરે છે? વૈકલ્પિક શિક્ષણ પદ્ધતિના ઉપયોગથી વનવીલમાં ફક્ત 5 ધોરણ સુધી જ ભણી શકાય છે પરંતુ વનવીલ એક નિવાસી શાળા તરીકે પણ કામ કરે છે. અને સરકારી માધ્યમિક શાળાઓમાં ભણતા વિચરતી સમુદાયોના વિદ્યાર્થીઓને રહેવાની સગવડ કરી આપે છે. આરતીએ વનવીલમાં પાંચમા ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો, હવે તે એક સરકારી શાળામાં જાય છે - પરંતુ દરરોજ સાંજે, અહીં પોતાને ‘ઘેર’ પાછી આવે છે.
શાળા માંડ 15 વર્ષ પહેલા શરુ થયેલી છે પણ આટલા ટૂંકા ગાળામાં પણ આરતીના સમુદાય પર આ શાળાની સકારાત્મક અસર પડી છે. જ્યાં પહેલા મોટાભાગના બાળકોનો 5 મા ધોરણ સુધી જ ભણતા હતા , ત્યાં પ્રાથમિક શાળાનો અભ્યાસ અહીં પૂરો કરનારા વિદ્યાર્થીઓમાંના ચાર વધુ અભ્યાસ કરી સ્નાતક થયા છે, અને કામ કરે છે. અન્ય ત્રણ ચેન્નઈ ની વિવિધ કોલેજોમાં છે.
હાલમાં ચેન્નઈની IT કંપનીમાં કામ કરતી એન્જીનિયરિંગની સ્નાતક પી. સુધા કહે છે, "મારી દશા પણ મારા સમુદાયની બીજી અનેક સ્ત્રીઓ જેવી જ હોત, પરંતુ વનવીલે મારું જીવન બદલી નાખ્યું." સુધા વનવીલની એ 4 ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓમાંની એક છે જે તેમના સમુદાયની સૌથી પહેલી મહિલા સ્નાતકો છે. "અહીં મારા પાર જે વ્યક્તિગત ધ્યાન અપાયું તેને કારણે મને અશક્યને શક્ય બનાવવામાં મદદ મળી ."
લોકડાઉન પહેલા, 45 નિવાસી બાળકો સહિત કુલ 81 બાળકો અહીં ભણતા હતા. ઉપરાંત સરકારી શાળાઓમાં ભણતા 102 બાળકો પરિસરમાં રહેતા હતા. ટ્રસ્ટે ગામોમાં ‘શાળા પછીના કેન્દ્રો’ પણ શરુ કર્યા હતા. આ કેન્દ્રો 500 થી વધુ બાળકોને દરરોજ સાંજે પૌષ્ટિક નાસ્તો પૂરો પાડતા હતા. પરંતુ હવે આ કેન્દ્રો મુખ્યત્વે હેન્ડ સેનિટાઈસર્સ રાખે છે - કારણકે તકલીફ અનુભવતા પરિવારોની સંખ્યા વધતી જાય છે અને તેમને કરિયાણું સીધું જ પહોંચાડવામાં આવી રહ્યું છે.
રેવતી કહે છે, “ઘણા ગામોમાં લોકો દિવસમાં માત્ર એક જ ટંક ખાવા પામે છે. લોકડાઉનની સૌથી માઠી અસર બાળકોને પહોંચી છે કારણ તેમને તેમનું મધ્યાન-ભોજન મળતું બંધ થયું છે. વનવીલમાં, તેમને અહીં ભોજન આપવાનું શક્ય નહોતું - મોટાભાગના ઘેર જતા રહ્યા હતા. ” અને તેથી તેમણે ઈમર્જન્સી પ્રોગ્રામ શરૂ કર્યો. એક જ શાળા માટે આ પ્રોગ્રામનું સંચાલન કરવું કદાચ ખૂબ મુશ્કેલ હતું. આ કાર્યક્રમ ઝડપથી વિસ્તર્યો અને હવે છેવાડાના ઘણા વધુ લોકો કરિયાણું પ્રાપ્ત કરી રહ્યાં છે.
ઈમર્જન્સી પ્રોગ્રામ દ્વારા નાગપટ્ટિનમ અને તિરુવરુરના નવ અને તાંજૌર જિલ્લાના એક ગામમાંના વિચરતી જનજાતિના 1288 પરિવારોની જરૂરિયાતોને પહોંચી વળવા માટે વનવીલે
ભંડોળ
એકત્ર કર્યું છે. હવે, તે ત્રિચી જિલ્લામાં કેટલાક પરિવારોને પણ મદદ પહોંચાડી રહ્યું છે. તેઓ નાગપટ્ટિનમના 20 ટ્રાન્સ-વ્યકિતઓ/કિન્નરો અને તે પાલિકાના જંગલ અને પર્યાવરણ સંરક્ષણ વિભાગના કામદારોને પણ અનાજ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.
બૂમ બૂમ માટ્ટુકારર બળદ સાથે લઈને ફરતા ભવિષ્યવેત્તાઓ શી રીતે બન્યા એ અંગે પ્રવર્તતી અનેક દંતકથાઓને કારણે સાચી હકીકત અસ્પષ્ટ છે. તમિલનાડુ અદિયન ટ્રાઈબલ પીપલ્સ વેલ્ફેર એસોસિએશનના જનરલ સેક્રેટરી કે. રાજુ કહે છે: “એવું મનાય છે કે અમારા પૂર્વજો સદીઓ પહેલા સામંતવાદી જમીનદારોના બંધવા મજૂર તરીકે કામ કરતા હતા. દુષ્કાળ દરમિયાન, જમીનદારો તેમના આશ્રિતોને કાઢી મૂકતા, તેમનાથી છૂટકારો મેળવવા તેમને ગાય-બળદ આપતા." જો કે બીજા લોકો કહે છે કે BBM ક્યારેય ખેતી સાથે સંકળાયેલા નહોતા.
રાજુ કહે છે, "સંકટથી બચવા અમે મોટે ભાગે પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ, અથવા ઢીંગલીઓ વેચવા માંડ્યા અથવા બીજા સામાન્ય છૂટક કામ કરવા માંડ્યા પણ હવે અમે શિક્ષણ પર ધ્યાન આપીએ છીએ." તે તેમના સમુદાયમાં શિક્ષણના મોરચે વનવીલના યોગદાનની પ્રશંસા કરે છે.
રાજુ કહે છે કે સમુદાયના પ્રમાણપત્રો મેળવવા એ પણ અમારા લોકો માટે લાંબા સમયથી ચાલતો સંઘર્ષ છે. પ્રેમા રેવતી સમજાવે છે, “કેટલાંક ગામોમાં, તેઓને કયા પ્રમાણપત્રો મળે છે, તેનો આધાર મહેસૂલ વિભાગીય અધિકારીની મનસુબી પર છે.”
ઘણા રાહત કાર્યોમાં વિચરતી જનજાતિના લોકો વિરુદ્ધ દેખીતા ભેદભાવ વચ્ચે 2004ના સુનામીના માત્ર એક વર્ષ પછી વનવીલની સ્થાપના કરવામાં આવી હતી. આ પ્રકારની શરૂઆત સાથે, વનવીલે 2015 ના ચેન્નઈ પૂર અને 2018 ના ગાજા ચક્રવાત જેવી આફતો પછીના રાહત પ્રયાસોમાં દરમ્યાનગીરી કરવાનું ચાલુ રાખ્યું.
25 વર્ષના કે.એન્થની નાગાપટ્ટિનમની અપ્પરાકુડી વસાહતમાં જવલ્લે જ જોવા મળે એવા એક શિક્ષિત વ્યક્તિ છે. તેઓ એન્જિનિયરિંગ ડિપ્લોમા ધરાવે છે અને ટેલિકોમ ક્ષેત્રમાં કામ કરે છે. તેઓ માને છે કે વનવીલ ન હોત તો આખું ગામ ભૂખે મર્યું હોત. એન્થની કહે છે , “અમારે ત્યાં કેટલાક સંગીતકારો છે જે
નાદસ્વરમ
અને તવીલ (હાથથી અથવા દાંડીથી ઠોકીને વગાડવાનું ઢોલ જેવું વાદ્ય) વગાડે છે. પણ તેમને પણ માત્ર દૈનિક વેતન જ મળતું હતું. તેથી આવો સમય અમારા માટે ખૂબ વસમો હોય છે." એન્થની કહે છે કે શાળાને કારણે તેમને રાહત રહે છે.
યુવાન આરતી પણ કહે છે, : “મેં 11મા ધોરણની પરીક્ષા આપી છે અને મને મને ખબર છે કે હું પાસ થઈશ. મારે શાળા પૂરી કરીને શિક્ષક-તાલીમનો કોર્સ કરવો છે. ” ભવિષ્યમાં તે કદાચ વનવિલના અધ્યાપન સ્ટાફમાં જોડાશે.
કવર ફોટો: એમ. પલની કુમાર
અનુવાદ : મૈત્રેયી યાજ્ઞિક