દેશવ્યાપી કોવિડ -19 લોકડાઉન દરમ્યાન મુંબઈમાં ગાળેલા શરૂઆતના થોડા દિવસો યાદ કરતા દોલા રામ કહે છે, “અમને પોલીસ દ્વારા ઘરની અંદર રહેવાનું કહેવામાં આવ્યું હતું. જ્યારે પણ અમે કરિયાણું અથવા અન્ય જરૂરી ચીજો લેવા બહાર નીકળતા ત્યારે પોલીસો અમને ફટકારીને અમારી ખોલીમાં પાછા ધકેલતા. અમે રાત્રે પેશાબ કરવા બહાર નીકળીએ તો પણ, તેઓ અમારી પર તૂટી પડતા.”
25 મી માર્ચે સવારે, લોકડાઉન વિશે સાંભળ્યા પછી દોલા રામ અને તેના સાથી મજૂરો મલાડમાં તેમના કામના સ્થળેથી બોરીવલીની તેમની ખોલી પર પાછા આવ્યા. આ સાંકડી ખોલીમાં 15 લોકો એકસાથે રહે છે અને દરેક જણ મહિને 1000 રુપિયા એ ખોલીના ભાડા પેટે ચૂકવે છે. પરિસ્થિતિ બદલાશે એવી આશામાં ને આશામાં છ-છ દિવસ તેમણે તેમની આ સાવ સાંકડી ખોલીમાં કાઢ્યા. થોડા વખતમાં તેમના અનાજ-પાણી ખલાસ થવા માંડ્યા. અને એટલે 37 વર્ષના દોલા રામ અને અન્ય લોકોએ તેમના ઘેર રાજસ્થાનના ગામોમાં પાછા જવાનું નક્કી કર્યું.
દોલા રામ ફોન પર અમારી સાથે વાત કરતાં કહે છે, “મુંબઈમાં કોઈ કામ નહોતું. હોળી પછી અમે થોડા વખત પહેલા જ [ગામમાંથી] પાછા આવ્યા હોવાથી, અમારી પાસે ખાસ કંઈ બચત પણ નહોતી. એટલે શહેરમાં રોકાવાનો કોઈ અર્થ નહોતો, ”. શહેર છોડતા પહેલા તેમને સમાચાર મળ્યા હતા કે તેમનો પાંચ વર્ષનો પુત્ર બીમાર છે. તેમની પત્ની, સુંદર અને અન્ય સંબંધીઓ બાળકને પહેલા હોસ્પિટલ, ને પછી ભોપા અથવા સ્થાનિક પરંપરાગત ઉપચારક લઈ ગયા હતા, પણ તેની તબિયત સુધરતી ન હતી.
રાજસ્થાનના ઉદેપુર જિલ્લાના બરોલિયામાં હોળી (9-10 માર્ચ) ઊજવીને થોડા દિવસો પછી દોલા રામ મુંબઈ પાછા ફર્યા હતા. તેઓ પેટિયું રળવા, વરસમાં 8-9 મહિના, સલુમ્બર બ્લોકમાં આવેલા પોતાના ગામથી દૂર રહે છે. છેલ્લા 15 વર્ષથી, તેઓ બાંધકામના સ્થળો પર કડિયા તરીકે કામ કરે છે. એ માટે તેઓ રાજસ્થાનના શહેરોમાં કે પછી છેક ગોવા, પુણે કે ગુજરાત સ્થળાંતર કરે છે. છેલ્લા બે વર્ષથી તેઓ મુંબઈ આવે છે. દોલા રામની છેલ્લી નોકરીમાં આરસનું પોલિશિંગ કરવાનું કામ હતું. આ કામના તેમને મહિને 12000 રુપિયા મળે. તેમાંથી 7000-8000 રુપિયા તેઓ ઘેર મોકલતા. તેઓ હોળી દરમ્યાન અને ઓક્ટોબર-નવેમ્બરમાં એમ વર્ષમાં બે વાર તેમના કુટુંબને મળવા જાય છે અને દર વખતે 15 થી 30 દિવસ ત્યાં રહે છે.
પણ મુંબઈથી બારોલિયાની તાજેતરની સફર એ દોલા રામ માટે માત્ર આ ક્રમની બહારની હતી એટલું જ નહીં, પણ મુશ્કેલ પણ હતી. તેઓ અને અન્ય લોકો લોકડાઉન શરૂ થયાના છ દિવસ પછી, 31 મી માર્ચે શહેરથી નીકળ્યા હતા. તેઓ કહે છે, “અમારામાંના ઓગણીસ લોકોએ ભેગા થઈને રાજસ્થાનના અમારે ગામ પહોંચવા 20000 રુપિયા ખર્ચીને એક ટેક્સી ભાડે કરી હતી. પણ પોલીસે અમને મહારાષ્ટ્ર બોર્ડરથી જ પાછા કાઢ્યા અને મુંબઈમાં બંધ કરી દીધા."






