“ ગામલોકો અમને એમના આંગણામાં પણ નથી આવવા દેતા. એ લોકો કહે છે કે કશીક બિમારી આવી ગઈ છે. એ શું બિમારી છે તે કોઈ અમને નથી કહેતું. મને તો કશું નથી થયું. તેઓ મને કેમ રોકે છે?”
છેલ્લા એક અઠવાડિયાથી ફણસે પારધી આદિવાસી જાતિની ગીતાબાઈ કાળેને ખાવા નથી મળ્યું. કારણ કેઅઠ્યોતેર વર્ષની આ વૃદ્ધા સામાન્ય સંજોગોમાં પણ માગીભીખીને જ ખાય છે. લોકડાઉનને લીધે એ પણ બંધ થઈ ગયું છે. કોવિડ-૧૯ શું છે એની એને કંઈ ખબર નથી પણ તે અને અન્ય પારધીઓ રોજેરોજ તેની અસર અનુભવી રહ્યા છે. તેમને ભૂખે મરવું પડે છે.
એને યાદ છે એ પ્રમાણે છેલ્લે 25મી માર્ચે એણે કોઈએ આપેલી બાજરીની વાસી ભાખરી ખાધેલી. “કેટલાક અજાણ્યા છોકરાઓ રવિવારે [22મી માર્ચે] આવેલા અને એમણે મને ચાર ભાખરી આપેલી. એ મેં ચાર દિવસ સુધી રોજની એક એક ખાઈને ચલાવી.” એ પછી એ એની ભૂખ મારીને રહે છે/ભૂખે મરે છે. “એ પછી કોઈ અહીં આવ્યું નથી. ગામના લોકો મને ગામમાં પેસવા દેતા નથી.”
ગીતાબાઇ મહારાષ્ટ્રના પૂણે જિલ્લાના શિરુરમાં મુખ્ય રસ્તા પાસે પતરાની ઝૂંપડીમાં રહે છે અને ત્યાંથી બે કિલોમીટર દૂર ચવ્હાણવાડી ગામમાં ભીખ માગવા જાય છે. એ કહે છે, “લોકો અમને જે વધ્યુંઘટ્યું ખાવાનું આપે એ અમે ખાઈ લેતા. મેં સાંભળ્યું છે કે સરકાર મફત અનાજ આપે છે- પણ જેની પાસે રેશનકાર્ડ હોય તેને જ. મારી પાસે રેશનકાર્ડ નથી.”
ફણસે પારધીઓ અનુસુચિત જનજાતિ તરીકે સરકારી ચોપડે નોંધાયેલા છે. ગરીબ અને વંચિત એવા પારધી આદિવાસી જૂથોમાં પણ આ જાતિ તો સૌથી ખરાબ હાલતમાં છે. દેશને સ્વતંત્ર થયાને સિત્તેર વર્ષ થઈ ગયા પછી પણ પારધીઓ હજી ય અણઘડ વસાહતી કાયદાઓની પકડમાં જ છે. 1871માં બ્રિટિશ હકૂમતની સામે બળવો કરીને એના આધિપત્યને પડકારનાર ઘણાં આદિવાસી અને માલધારીઓના જૂથોને શિક્ષા કરવા અને કચડી નાખવા બ્રિટિશરોએ ક્રિમિનલ ટ્રાઇબ્ઝ એક્ટ બનાવ્યો અને દેશમાં લગભગ બસો સમુદાયોને જન્મજાત 'ગુનેગાર' જાહેર કરી દીધા. આ કાયદાને કારણે આ બધા જૂથો બરબાદ થઈ ગયા અને દેશના બાકીના સમાજથી એ અલગ થઈ ગયા.
ભારત સ્વતંત્ર થયું એ પછી તરત 1952માં આ કાયદો પાછો ખેંચાયો. ગુનેગાર જાતિઓની યાદી રદ કરવામાં આવી. આમ છતાં બાકીનો સમાજ હજી પણ એમના પ્રત્યેના પૂર્વગ્રહ છોડી શક્યો નથી. હજી પણ એમને એ કલંક અને સતામણી સહેવા પડે છે. આમાંના ઘણાં સમુદાયોને હજી પણ મુખ્ય ગામમાં જવાની બંધી છે. ગામના કૂવેથી પાણી ભરવાની પણ એમને મનાઈ છે. એ લોકો ગામથી બે-ત્રણ કિલોમીટર દૂર રહે છે. એમને કામ મળતું નથી. એમના શિક્ષણનું સ્તર સાવ નીચું છે. નાના સરખા ગુના માટે એમને જેલમાં નાખી દેવામાં આવે છે. આમાંના ઘણા પાસે માગીભીખીને ખાવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.





