માછલી વેચવા માટે દરરોજ ઓછામાં ઓછા 130 કિલોમીટરની મુસાફરી કરતા 40 વર્ષના સેંતિલ કુમારી કહે છે, "હું ચિંતા અને તણાવ અનુભવું છું, પરંતુ ચિતા કરીને બેસી રહેવું મને પોસાય નહીં. થોડુંઘણું કમાવા અને મારા પરિવારનું ગુજરાન ચલાવવા મારે રોજેરોજ લાંબા અંતરની મુસાફરી કરવાનું ચાલુ રાખવું પડશે." કોવિડ-19 લોકડાઉન દરમિયાન જ્યારે માછીમારી, પરિવહન, બજારો, બધું જ ઠપ્પ થઈ ગયું હતું ત્યારે તેમની ચિંતા વધી ગઈ હતી. તેઓ કહે છે, “મારું દેવું વધી રહ્યું છે. મારી દીકરીના ઓનલાઈન ક્લાસ માટે સ્માર્ટફોન ખરીદવાનું મને પોસાય તેમ નથી. (આ બધાનો) બોજ ઘણો છે. "
સેંતિલ કુમારી જ્યાં રહે છે તે તમિલનાડુના માયલાદુતુરાઈ જિલ્લાના એક માછીમારી ગામ વાનાગીરીમાં વિવિધ વય જૂથોની લગભગ 400 મહિલાઓ માછલીના વેચાણમાં રોકાયેલી છે. તેમની કામ કરવાની રીત અલગ અલગ હોય છે: કેટલાક તેમના માથા પર માછલીની ટોપલીઓ ઊંચકીને વાનાગીરીની શેરીઓમાં વેચવા લઈ જાય છે, બીજા કેટલાક રિક્ષા, વાન અથવા બસ દ્વારા નજીકના ગામોમાં (માછલી વેચવા) જાય છે, ને બીજા કેટલાક તો બસ દ્વારા અન્ય જિલ્લાઓમાં જઈને ત્યાંના સ્થાનિક બજારોમાં માછલી વેચે છે.
સેંતિલ કુમારીની જેમ મોટાભાગની મહિલાઓ પોતાની કમાણીથી જ ઘર ચલાવે છે. જોકે તેમાં તેમને વિવિધ પડકારોનો સામનો કરવો પડે છે, મહામારીને કારણે એ બધી મહિલાઓને ભારે અસર પહોંચી છે. પરિવારની પાયાની જરૂરિયાતો પૂરી કરવા ખાનગી શાહુકારો અને માઈક્રોફિનાન્સ કંપનીઓ પાસેથી પૈસા ઉધાર લેવા પડ્યા હોવાથી ઘણા લોકો - લોન ચૂકતે કરવાની બહુ ઓછી શક્યતાઓ સાથે - દેવામાં ડૂબેલા છે. એક લોન ચૂકતે કરવા માટે તેઓ બીજેથી ઉધાર લે છે અને અંતે વધુ ઊંચા વ્યાજદર ચૂકવે છે. વાનાગીરીના 43 વર્ષના માછલી વિક્રેતા અમુતા કહે છે, “હું સમયસર લોન ચૂકતે કરી શકતી નથી અને વ્યાજ વધતું જાય છે."
જોકે રાજ્યની કોઈ પણ નીતિમાં ક્યારેય મહિલા માછલી વિક્રેતાઓની મૂડી અને બીજી નાણાકીય જરૂરિયાતોને ધ્યાનમાં લેવામાં આવી નથી. અને જેમ જેમ પુરૂષોની બેરોજગારી વધી છે તેમ તેમ બિન-માછીમાર સમુદાયોમાંથી પણ વધુ ને વધુ મહિલાઓએ માછલીઓનું વેચવાનું શરૂ કર્યું છે. આનાથી માછલીના ભાવ અને પરિવહન ખર્ચમાં વધારો થયો છે અને વળતરમાં ઘટાડો થયો છે. અગાઉ તેઓને એક દિવસના વેચાણમાંથી કદાચ 200-300 રુપિયાની ચોખ્ખી આવક થઈ હોત, પણ હવે સો રૂપિયાથી વધુ આવક થતી નથી, અને ક્યારેક નુકસાન પણ થાય છે.
તેમના માટે જીવન મુશ્કેલ છે, તેમ છતાં રોજેરોજ સંઘર્ષ કરવાનું ચાલુ રાખે છે, બંદર પર જવા માટે વહેલા ઊઠીને, માછલી ખરીદે છે, અપશબ્દો સાંભળે છે, તેમ છતાં બની શકે તેટલી વધુ માછલીઓનું વેચાણ કરતા રહે છે.
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક