"ઇન્સાન અબ ના ઝગડે સે મરેગા ના રગડે સે
મરેગા તો ભૂખ ઔર પ્યાસ સે."
"માણસ હવે ના વિવાદથી મરશે, ના તણાવથી
મરશે તો માત્ર ભૂખ અને તરસથી"
તો એવું નથી કે ખાલી વિજ્ઞાનજ વાતાવરણનાં બદલાવની ચેતાવણીઓ આપ્યા કરે છે. પંચોતેર વર્ષના દિલ્હીના ખેડૂત શિવ શંકરના કહેવા પ્રમાણે ભારતીય સાહિત્યના મહાકાવ્યોમાં તો આનો વર્ષો પહેલાં ઉલ્લેખ થયેલો છે. એ માને છે કે એ સોળમી સદીના રામચરિતમાનસની કોઈ પંક્તિઓને રૂપાંતરિત કરી રહ્યા છે ( જુઓ વીડિયો ). શક્ય છે કે શંકરની યાદશક્તિને થોડો કાટ ચઢ્યો હોય, કારણ અસલ રામચરિતમાનસમાં આ પંક્તિઓ મળવી મુશ્કેલ છે. પરંતું યમુનાના કિનારાના મેદાનોના આ ખેડૂતના શબ્દો આપણા આજના સમય માટે ખૂબ અનૂરૂપ છે.
શંકર, એમના કુટુંબીજનો અને બીજા ઘણા ખેડૂતો તાપમાન, આબોહવા, અને વાતાવરણમાં થતા ફેરફારોની શહેરી વિસ્તારના સૌથી મોટા પૂરના મેદાનો પર થતી અસરો વિષે ખૂબ વિસ્તારથી વાત કરે છે. 1376 કિલોમીટર લાંબી યમુનાનો માત્ર 22 કિલોમીટરનો પટ્ટો દેશની રાજધાનીમાં થઈને વહે છે અને એના 97 સ્કવેર કિલોમીટરના પૂરના પ્રદેશો દિલ્હીના કુલ પ્રદેશનો માત્ર 6.5 ટકા હિસ્સો છે. પરંતુ એની દેખીતી રીતે નાની હસ્તીનો વાતાવરણના સંતુલનમાં, તેમજ પ્રદેશના તાપમાનને કુદરતી રીતે નિયંત્રત કરવામાં મોટો ફાળો છે.
ખેડુતો અહીંયાના બદલાવની વાતો પોતાની બોલીમાં કરે છે. શિવશંકરના 35 વર્ષીય પુત્ર વિજેન્દ્ર સિંહ કહે છે, "25 વર્ષ પહેલાં અહીંયા લોકો સપ્ટેમ્બરમાં પાતળા ધાબળા ઓઢવા શરુ કરતા. હવે શિયાળો ડિસેમ્બર સુધી શરુ પણ નથી થતો. પહેલાના સમયમાં માર્ચમાં હોળીનો દિવસ ઘણો ગરમ દિવસ રહેતો. હવે જાણે એવું લાગે છે કે અમે શિયાળામાં માનવીએ છીએ."
શંકરના કુટુંબના જીવનના અનુભવો બીજા ખેડૂતોના અનુભવો વિષે પણ ઘણું કહી જાય છે. જુદી જુદી ગણના પ્રમાણે 5000 થી 7000 ખેડૂતો દિલ્હીના યમુના કિનારાના વિસ્તારોમાં રહે છે. યમુના એ ગંગાની સૌથી લાંબી ઉપનદી છે, અને પાણીના જથ્થામાં એ બીજા નંબરે આવે છે. અહીંના કૃષિકારો 24000 એકરમાં ખેતી કરે છે, અને એમના કહેવા મુજબ આ પહેલા કરતા ઘણી ઓછી જગ્યા છે. આ મોટા શહેરના ખેડૂતો છે, નહિ કે કોઈ નાના ગામડાગામના. એ લોકો એક અનિશ્ચિત જીવન જીવે છે જેમાં "વિકાસ" સતત એમના અસ્તિત્વની અવગણના કરતો હોય છે. કિનારાના પ્રદેશોમાં મોટાપાયા પર થઇ રહેલા ગેરકાનૂની બાંધકામનો વિરોધ કરતી કેટલીય અરજીઓથી નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ (એનજીટી)ની કચેરી ઉભરાય છે. અને એમાં માત્ર કૃષિકારો ચિંતિત નથી.
નિવૃત ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ ઓફિસર મનોજ મિશ્રા કહે છે, "જે રીતે કિનારાના મેદાનોમાં બાંધકામ થઇ રહ્યું છે તે જોતાં દિલ્હીના લોકોએ આ શહેર છોડવું પડશે કારણ ઉનાળા ને શિયાળામાં તાપમાન ખમી શકાશે નહીં." મિશ્રા 2007માં શરુ થયેલ યમુના જીયે અભિયાન (વાયજીએ) ના આગેવાન છે. દિલ્હીની સાત અગ્રગણ્ય પર્યાવરણ સાથે સંલગ્ન સંસ્થાઓ અને ચિંતીત નાગરિકોનું સંગઠન વાયજીએ(YGA), નદીઓ અને જીવસૃષ્ટિના સંરક્ષણનું કામ કરે છે. "આ શહેર જીવવા લાયક નથી રહ્યું અને તમે ઘણું સ્થળાંતર જોશો. જો એ એની હવાની ગુણવત્તા નહિ સુધારે એલચી કચેરીઓ પણ અહિયાંથી બહાર જશે."
*****
આ તરફ પૂરના મેદાનોમાં છેલ્લા કેટલાક દસકાઓથી અનિયમિત વરસાદને કારણે ખેડૂતો અને માછીમારો પીડિત છે.
યમુના નદી પર નિર્ભર સમુદાયો હજુય દર વર્ષે વરસાદને આવકારે છે. માછીમારોને માટે એ વધારાનું પાણી નદીમાંથી દૂર કરે છે અને માછલીઓમાં વધારો થાય છે; જયારે ખેડૂતો માટે એ દર વર્ષે કાંપનું નવું સ્તર પાથરી આપે છે. શંકર સમજાવે છે, "ઝમીન નયી હો જાતી હૈ, ઝમીન પલટ જાતિ હૈ [જમીન નવી થઇ જાય છે. વરસાદનું પાણી જમીનને બદલી નાખે છે]. અને 2000ની સાલ સુધી આવું લગભગ દર વર્ષે થતું હતું. હવે વરસાદ ઓછો પડે છે. પહેલા ચોમાસુ જૂન મહિનાથી બેસી જતું હતું. આ વખતે જૂન અને જુલાઈ સાવ કોરા ગયા. વરસાદ મોડો થાય એની અમારા પાક પર અસર થાય.
"વરસાદ જ્યારે ઓછો હોય છે ત્યારે પાણીમાં મીઠાનું પ્રમાણ [એટલેકે ક્ષારનું, મીઠાનું નહીં] વધી જાય છે," અમને ખેતરો બતાવતાં શંકરે કહેલું. દિલ્હીની કાંપવાળી જમીન નદીએ એના કિનારાપર કરેલા પથરાવનું પરિણામ છે. એ જમીન ઘણા લાંબા સમયથી શેરડી, ચોખા, ઘઉં, બીજા અનેક જાતના પાક અને શાકભાજી માટે અનુરૂપ હતી. શેરડીની ત્રણ જાત - લાલરી, મિરાતી, અને સોરઠ -- એ 19મી સદી સુધી શહેરનું ગૌરવ હતી એમ દિલ્હીનું ગૅઝેટિયર બોલે છે.
શંકર સમજાવે છે કે, "ઝમીન નયી હો જાતી હૈ, ઝમીન પલટ જાતિ હૈ [જમીન નવી થઇ જાય છે. વરસાદનું પાણી જમીનને બદલી નાખે છે]”
કોલામાં પહેલા શેરડીના સાંઠામાંથી ગોળ બનાવતા. એક દાયકા પહેલા તાજો શેરડીનો રસ વેચતી નાની કામચલાઉ દુકાનો ને લારીઓ દિલ્હીના રસ્તાઓ પર ઠેક ઠેકાણે જોવા મળતી. શંકરના કહેવા પ્રમાણે, "સરકારે અમને શેરડીનો રસ વેચતા બંધ કર્યાં, શેરડીનું વાવેતર પણ બંધ થયું." 1990થી શેરડીના રસ વેચનારાઓ પર સરકારી પ્રતિબંધ છે -- અને કોર્ટમાં એને પડકારતા કેસો પણ છે. "શેરડીનો રસ બીમારીમાં ફાયદો કરે છે એ સૌ જાણે છે, ગરમીમાં રાહત કરે છે," તેઓ કહી રહ્યા હતા, "સોફ્ટ ડ્રિંક્સની કંપનીઓએ અમારો ધંધો બંધ કર્યો છે. એમના લોકો પોતાની તાકાત વાપરી અને અમને રસ્તે રઝળતા કર્યા છે."
અને કોઈવાર વાતાવરણની તીવ્રતા રાજકીય પ્રશાસન સાથે તાલ મિલાવતી ચાલે તો ઘણી તારાજી સર્જે છે. આ વર્ષે યમુનાના પૂર -- ઓગસ્ટમાં હરિયાણાએ છોડેલું હાથની કુંડ બરાજનું પાણી દિલ્હીના વરસાદ ભેગું થતાં આવેલ -- અમારો તમામ પાક નષ્ટ કરી ગયાં. વીરેન્દ્ર અમને સાવ નાના થઇ ગયેલા મરચાં, ચીમળાયેલા રીંગણ, અને ટચુકડા મૂળાના છોડ બતાવી રહ્યા જે આ ઋતુમાં એમના બેલા એસ્ટેટની(રાજઘાટના રાષ્ટ્રીય સ્મારક અને શાંતિવનની પાછળ આવેલા) પાંચ વીઘા(એક એકર)ની જમીનમાં નહિ ઉગે.
આ રાજધાનીના શહેરનું વાતાવરણ ઘણા વખતથી થોડું શુષ્ક છે. 1911માં દિલ્હી અંગ્રેજ સામ્રાજ્યની રાજધાની બન્યું એ પહેલાં એ ખેતી પ્રધાન પંજાબ રાજ્યનો દક્ષિણ-પૂર્વ હિસ્સો રહી ચૂક્યું હતું, અને પશ્ચિમમાં રાજસ્થાનનું રણ, ઉત્તરમાં હિમાલય પર્વત, અને પૂર્વમાં ભારતીય ગંગાનાં મેદાનોથી ઘેરાયેલું હતું. આનો અર્થ હતો કડકડતા શિયાળા અને બળબળતા ઉનાળા, અને વચમાં 3 થી 4 મહિનાની રાહતભર્યું ચોમાસું.
હવે એ વધુ અનિયમિત છે. ભારતીય હવામાન ખાતાની અહેવાલ પ્રમાણે આ વખતે દિલ્હીમાં જૂન-ઓગસ્ટમાં વરસાદના પ્રમાણમાં 38 ટકાનો ઘટાડો જોવા મળે છે. આ વખતે વરસાદ 648.9 મિમિ ના બદલે 401.1 મિમિ રહ્યો. સરળ ભાષામાં કહું તો, દિલ્હીમાં આ વખતનું ચોમાસુ છેલ્લા પાંચ વરસમાં સૌથી ખરાબ રહ્યું.
વરસાદનું ચક્ર બદલાઈ રહ્યું છે અને એ વધારે અનીયમીત થયો છે એવું સાઉથ એશિયા નેટવર્ક ઓફ ડેમ્સ, રિવર્સ, એન્ડ પીપલનાં સંયોજક હિમાંશુ ઠક્કર કહે છે. "વરસાદના દિવસો ઓછા થયા છે, જો કે વરસાદનું પ્રમાણ એટલું ઘટ્યું નથી. જયારે વરસાદ પડે છે ત્યારે ખૂબ જોરથી પડે છે. દિલ્હી બદલાઈ રહ્યું છે અને એનો પ્રભાવ યમુના અને એના કિનારાના મેદાનો પર પડશે જ. સ્થળાંતર, રસ્તાપરના વાહનો, અને હવાનું પ્રદુષણ- બઘું જ વધ્યું છે, જેના કારણે ઉત્તરપ્રદેશ અને પંજાબના બાજુના રાજ્યોમાં ઘણો બદલાવ આવ્યો છે. આ સૂક્ષ્મ વાતાવરણ (નાના વિસ્તારનું) સ્થાનિક વાતાવરણ પર અસર કરે છે."
*****
જમુના પાર કે મટર લે લો' (યમુના' કિનારાના વટાણા લઇ લો') ની શાકવાળાની મોટી બૂમો જે ક્યારેક દિલ્હીની ગલીઓમાં ગૂંજતી હતી એ 1980ની આસપાસ શાંત પડી ગઈ. નેરેટિવ ઓફ ધ એન્વાયર્નમેન્ટ ઓફ દિલ્હી [દિલ્હીના પર્યાવરણની કથાઓ] નામના પુસ્તકમાં (ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલચરલ હેરિટેજ દ્વારા પ્રકાશિત કરાયેલા), જુના સમયને યાદ કરતા લોકો કહે છે કે શહેરમાં મળતાં તરબૂચ "લખનૌરી ખરબૂજા" (લખનૌરી તરબૂચ) જેવા હતા. કાંપવાળી જમીનમાં ઉગાડેલા ફળના રસનો આધાર એ સમયની હવા ઉપર પણ હતો. જુના સમયના તરબૂચ એકસરખા લીલા અને વજનદાર હતા (એટલેકે ખૂબ મીઠાં) અને વરસમાં એકવાર મળતાં. ખેતીની પદ્ધતિમાં ફેરફારો હવે નવા બીજ લાવ્યા છે. હવે તરબૂચ નાના અને પટ્ટેદાર હોય છે -- નવા બીજ નાના અને વધુ ફળ આપે છે.
એ તાજા શિંગોડાના ઢગલેઢગલા જે ફેરિયાઓ ઘેર ઘેર વેચવા આવતા તે બે દાયકા પહેલા ગૂમ થઇ ગયા. એ નજફગઢના તળાવમાં ઉગાડવામાં આવતા હતા. આજે નજફગઢ અને દિલ્હી ગેઇટના નાળાં યમુનાના 63 ટાકા પ્રદૂષણ માટે જવાબદાર છે એવું નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ(એનજીટી)ની વેબસાઈટ કહે છે. દિલ્હી ખેડૂત બહૂઉદ્દેશ્ય સહકારી મંડળીના 80 વર્ષના મહાસચિવ બલજીત સિંહ કહે છે, "શિંગોડાની ખેતી નાના પાણીના જળાશયોમાં થાય છે. દિલ્હી માં લોકોએ ઉગાડવાનું બંધ કર્યું કારણ એ માટે પાણી બરાબર પ્રમાણમાં જોઈએ-- ખૂબ ધીરજ પણ જોઈએ." રાજધાનીમાં આજે પાણી ને ધીરજ બેય ખૂટી ગયાં છે.
બલજીત સિંહના કહેવા મુજબ ખેડૂતોને એમની જમીની ઉપજ મેળવવાની ઉતાવળ હોય છે. એટલે એ લોકો એવા પાક પસંદ કરે છે જે 2 કે 3 મહિના માં ઉગી જાય અને વર્ષમાં 3-4 વાર વાવણી થાય, જેવા કે ભીંડા, ફણસી, રીંગણ, મૂળા, ફુલાવર. "મૂળાના બીજની નવી જાતો દાયકાઓ પહેલા વિકસાવવામાં આવી હતી, " એમ વિજયેન્દ્ર કહે છે. શંકરના મતે, "વિજ્ઞાને આપણને ઉપજ વધારવામાં મદદ કરી છે. પહેલા 45-50 કવીન્ટલ મૂળા થતાં (એક એકરમાં) અને હવે અમને ચાર થી પાંચ ગણા મળે છે. અને અમે વરસમાં ત્રણ વાર વાવી શકીએ છીએ."
દરમ્યાનમાં દિલ્હીમાં, અને માત્ર યમુનાના કિનારાના પ્રદેશોમાંજ નહિ, કાંકરેટનો વિકાસ અજબ ગતિથી આગળ વધે છે. 2018-19ના દિલ્હીના આર્થિક સર્વેક્ષણ અનુસાર 2000 થી 2029 ની વચમાં ખેતીનો વિસ્તાર ઘટીને લગભગ 2 ટકા થઇ ગયો છે. આજની તારીખે શહેરની 2.5 ટકા વસ્તી અને લગભગ 25 ટકા વિસ્તાર (1991ના 50 ટકાથી ઘટીને) ગ્રામીણ છે. રાજધાનીના 2021ના માસ્ટર પ્લાનમાં દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી(ડીડીએ) સંપૂર્ણ શહેરીકરણની હિમાયત કરે છે.
સંયુક્ત રાષ્ટ્રના માનવા પ્રમાણે શહેરીકરણની ગતિને જોતાં-- ખાસકરીને, ઝડપી બાંધકામની પ્રવૃત્તિ, કાયદેસર અને બિનકાયદેસર---2010 સુધીમાં દિલ્હી વિશ્વનું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર થઇ જશે. અત્યારે 20 મિલિયનથી વધુ લોકોની વસ્તી ધરાવતી આ રાજધાની એ સમયે ટોકિયોથી(અત્યારે 37 મિલિયન) આગળ વધી જશે એવું નીતિ આયોગ કહે છે.
મનોજ મિશ્રા સમજાવે છે, "કાંકરેટયું શહેર એટલે વધારે ને વધારે ફૂટપાથો, ઓછો પાણીનો નિતાર, ઓછી હરિયાળી... પાકા ચણતરની જગ્યાઓ ગરમી ને વધુ શોષે પણ છે અને છોડે પણ છે."
ન્યૂયોર્ક ટાઈમ્સ ના એક વાતાવરણના ફેરફારો માપતાં સંવાદાત્મક સાધન મુજબ1960માં જયારે શંકર 16 વર્ષના હતાં ત્યારે દિલ્હીમાં સામાન્ય રીતે 178 દિવસો રહેતા જયારે તાપમાન ઓછામાં ઓછું 32 ડિગ્રી સેલ્સિસ પહોંચતું. 2019માં એ પ્રખર ગરમીના દિવસો વધીને 250 થયા છે. આ સદીના અંત સુધીમાં ભારતની રાજધાની વર્ષના છ થી આઠ મહિના 32 ડિગ્રી સેલ્સિયસ ગરમી સહન કરનારું શહેર હશે. માનવ ગતિવિધિઓ આ માટે ઘણા ઔંશે જવાબદાર છે.
મિશ્રા દિલ્હીમાં દક્ષિણ-પશ્ચિમમાં આવેલા પાલમ અને એની પૂર્વમાં આવેલા કિનારાના મેદાનના પ્રદેશોનાં તાપમાનમાં લગભગ 4 ડિગ્રી સેલ્સિયસનો તફાવત નોંધે છે. "જો પાલમમાં 45 ડિગ્રી સેલ્સિયસ હોય, તો કિનારાના મેદાનોમાં 40 થી 41 ડિગ્રી હોય." એમના મતે, "મોટા શહેરોમાં આવા કિનારાના મેદાનો એ ખરેખર એક કુદરતની ભેટ છે."
*****
એનજીટીએ સ્વીકાર્યું છે એ પ્રમાણે યમુનાનું 80 ટકા પ્રદૂષણ રાજધાનીમાંથી આવે છે, તો માનો કે એ જો દિલ્હી છોડી જાય તો શું થાય? -- કોઈપણ વ્યથિત સંબંધમાં આવું સ્વાભાવિક છે. મિશ્રા કહે છે, "દિલ્હી યમુનાને લીધે છે, નહી કે યમુના દિલ્હીને લીધે. દિલ્હીનું 60 ટકા પીવાનું પાણી યમુનાના ઉપરના હિસ્સામાંથી કાઢેલી એક સમાંતર નહેર લાવે છે. વરસાદ નદીને બચાવે છે. પહેલી લહેર, કે પહેલું પૂર નદીનું પ્રદુષણ દૂર લઇ જાય છે, બીજી કે ત્રીજી લહેરમાં એ શહેરનું ભૂગર્ભજળ સંજીવન કરવાનું કામ કરે છે. નદી આ કામ 5 થી 10 વર્ષના ગાળામાં કરે છે અને બીજું કોઈ આ કામ કરવાને સક્ષમ નથી. જયારે 2008, 2010 અને 2013 માં પૂર જેવી સ્થિતિ હતી ત્યારે પછીના પાંચ વર્ષ માટે ભૂગર્ભજળ સંજીવન થયું હતું. મોટાભાગના દિલ્હીના લોકો આ સમજતા નથી."
સ્વસ્થ પૂરનો વિસ્તાર ખૂબ અગત્યનો છે-- એ પાણીને ફેલાવાની ને ધીમા પાડવાની જગ્યા આપે છે. પૂરના સમયમાં એ વધારાના પાણીને સંઘરે છે અને ધીરે ધીરે ભૂગર્ભજળમાં સંગ્રહ કરે છે. જેનાથી છેવટે નદી ફરી સજીવન થાય છે. છેલ્લે દિલ્હી યમુનાના પૂરથી 1978માં તારાજ થયેલું જયારે યમુના એના જાહેર કરાયેલ સ્તર કરતા છ ફુટ ઊંચી સપાટી પર વહેતી હતી અને અનેક લોકો મૃત્યુ પામેલા, લાખો અસરગ્રસ્ત થયેલા, અને કેટલાય ઘરબાર વિહોણા થયેલા-- અને પાકને અને પાણીના સમૂહોને થયેલા નુકશાનને પણ ભૂલવું ના જોઈએ. છેલ્લે આ ભયજનક સપાટી એણે 2013માં વટાવેલી. યમુના નદી પરિયોજના: નવી દિલ્હીની શહેરી પર્યવરણની પરિસ્થિતિ (યુનિવર્સિટી ઓફ વર્જિનિયાના નેતૃત્વમાં)ના કહેવા પ્રમાણે કાંપના મેદાનોના સતત થતા અતિક્રમણના પરિણામો ગંભીર છે. "આ બધા બાંધકામ 100 વર્ષની પૂરની ઘટનામાં પડી ભાંગશે, પૂરના મેદાનોના નીચાણવાળા વિસ્તારોમાં બધા બાંધકામ ખતમ થઇ જશે અને પૂર્વ દિલ્હીમાં પાણીમાં ડૂબી જશે."
ખેડૂતો પૂરના મેદાનો પર વધારે બાંધકામ સામે ચેતવણી આપે છે. શિવ શંકર કહે છે, "એની ભારે અસર પાણીના સ્તર પર થશે. કારણ દરેક ઊંચી ઇમારત માટે એ લોકો ભોંયતળિયાનું પાર્કિંગ બનાવશે. એ લોકો લાકડા માટે નવી જાતના ઝાડ વવશે -- જે લોકોને ના ખાવામાં મદદરૂપ થશે ના કમાવામાં. એ લોકો જો ફળના ઝાડ વાવશે-- કેરી, જામફળ, દાડમ, પપૈયા-- તો લોકોને ખાવા ને કમાવામાં મદદ થશે. પંખીઓ અને પ્રાણીઓ પણ એને ખાઈ શકશે.
સરકારી આંકડાઓ બતાવે છે કે 1993થી શરુ કરીને 3100 કરોડ રૂપિયા યમુનાને સાફ કરવામાં વપરાયા છે. "તો આજે યમુના સાફ કેમ નથી?" બલજીત સિંઘ ટોણો મારતાં કહે છે.
દિલ્હીમાં એ બધું ભેગું થઇ રહ્યું છે-- એ પણ ખોટી રીતે: શહેરમાં લભ્ય તમામ જગ્યાઓની એકેએક ઇંચ પર અવિરત ફેલાતું કાંકરેજનું સામ્રાજ્ય, યમુનાના પૂરના મેદાનો પર નિરંકુશ બાંધકામની પ્રવૃતિઓ, અને એનો ગેરલાભ, ઝેરી પ્રદુષિત તત્વોથી મોટી નદીનું ગૂંગળાવું , જમીનના ઉપયોગ અને નવા બીજની પદ્ધતિઓમાં ધરખમ ફેરફારો, પદ્ધતિઓ અને ટેક્નોલોજીના અસરની પૂરી રીતે ના સમજાયેલી અસરો, અને હવાના પ્રદૂષણનું ગંભીર સ્તર. આ એક જીવલેણ રસાયણ છે.
શંકર અને એના સાથી ખેડૂતો એમના થોડા તત્વોને ઓળખે છે. એ પૂછે છે, "તમે કેટલા રસ્તા બાંધશો? જેટલું વધારે બાંધકામ એટલી વધારે ગરમી જમીન શોષષે। કુદરતના પર્વતો પણ જયારે વરસાદ આવે ત્યારે જમીનને પુર્નજીવિત થવા દે છે. પણ આ માણસે બાંધેલા પહાડો પૃથ્વીને શ્વાસ નથી લેવા દેતા, નથી પુર્નજીવિત થવા દેતા, નથી વારસાને સંઘરવા કે વાપરવા દેતા. તમે ખાવાનું ઉગાડશો કેમના જો પાણી જ નહિ રહે?"
PARIનો વાતાવરણના ફેરફારો વિષે રાષ્ટ્રીય અહેવાલો એકત્રિત કરવાનો આ પ્રયાસ સામાન્ય માણસોના આવાજમાં અને એમના જીવનના અનુભવોને લક્ષમાં રાખી નિરૂપવાની પહેલ કરવા બદલ અપાતી UNDPની સહાયનો ભાગ છે.
આ લેખ ફરી પ્રકાશિત કરવો છે? મહેરબાની કરીને સંપર્ક કરો: [email protected] અને cc મોકલો: [email protected] .
અનુવાદ: પ્રતિષ્ઠા પંડ્યા