સંદિપન વાળવે માટે આ વિનંતી અજુગતી નહોતી. મૃતક મહિલાના સંબંધીઓએ ચમકતી લીલી સાડી આપીને તેમને કહ્યું, “મહેરબાની કરીને મૃતદેહને અગ્નિદાહ દેતા પહેલા શરીર ઉપર આ ઓઢાડો" તેમને કહેવામાં આવ્યું એ પ્રમાણે તેમણે કર્યું.
મહારાષ્ટ્રના ઓસ્માનાબાદ શહેરના સ્મશાનગૃહમાં કતારમાં રાખેલા 15 મૃતદેહોમાંથી વાળવેએ તેમને જે મૃતદેહ પર સાડી ઓઢાડવાનું કહેવામાં આવ્યું હતું તે તેમણે શોધી કાઢ્યો. પોતાની પીપીઇ કીટ પહેરીને, ગ્લવ્ઝ પહેરી રાખીને સફેદ હવાચુસ્ત બોડી-બેગ ઉપર શક્ય તેટલી વ્યવસ્થિત રીતે તેમણે સાડી ઓઢાડી. તેમણે કહ્યું, "તેમના સંબંધીઓને ડર હતો કે ક્યાંક એ લોકોને પોતાને વાયરસનું સંક્રમણ થઈ ન જાય."
ઓસ્માનબાદની મ્યુનિસિપલ કાઉન્સિલના કાર્યકર 45 વર્ષના વાળવે માર્ચ 2020 માં ભારતમાં મહામારીની શરૂઆત થઈ ત્યારથી કોવિડ -19 ના દર્દીઓના મૃતદેહોનો નિકાલ કરી રહ્યા છે. ત્યારથી માંડીને આજ સુધીમાં તેમણે 100 થી વધુ અંતિમ સંસ્કાર કર્યા છે. (કોવિડ -19 ની) પહેલી લહેર કરતા બીજી લહેર વધુ તીવ્રતાથી ગ્રામીણ પ્રદેશોમાં પ્રવેશીને ફેલાઈ છે, અને તેઓ કહે છે કે આ વર્ષે એપ્રિલની શરૂઆતથી રોજના આશરે 15-20 મૃતદેહો સ્મશાનમાં લાવવામાં આવે છે. પરિણામે વાળવે અને તેમના સહકાર્યકરો પર કામનું દબાણ વધ્યું છે, અને લોકોમાં અતિશય ગભરાટ ફેલાયો છે.
વાળવે કહે છે, "વાયરસના ડરથી કેટલાક તેમના સ્વજનોની અંતિમવિધિમાં હાજર રહેવાનું પણ ટાળતા થઈ ગયા છે. તેથી તેઓ અગ્નિદાહ દેતા પહેલા મૃત વ્યક્તિ માટે કેટલીક મૂળભૂત વિધિઓ કરવાનું અમને કહે છે. આ મુશ્કેલ સમય છે. મૃતકના પોતાના કહી શકાય એવા કોઈ કુટુંબીજનો હાજર ન હોય તે રીતે બળતી ચિતાઓ જોઈ હૃદયમાં શૂળ ભોંકાય છે. આશ્વાસન એટલું જ છે કે મૃતકોને ખબર નથી કે તેમની અંતિમવિધિ શી રીતે થાય છે."









