પાંચ મહિનાની સગર્ભા પલ્લવી ગાવીત ત્રણ કલાકથી એક ખાટલા પર પીડાની મારી વળ ખાતી પડી હતી. . જ્યારે પલ્લવીનું ગર્ભાશય એના યોનિમાર્ગમાંથી બહાર સરકી આવ્યું ત્યારે એની જેઠાણી 45 વર્ષની સપના ગરેલ એની પાસે જ હતી. એમાં પાંચ માસનો નિર્જીવ પુરુષ ગર્ભ હતો. પલ્લવીની પીડા અસહ્ય હતી , તેના શરીરમાંથી લોહી અને અન્ય સ્ત્રાવ વહેતા રહ્યાં અને પલ્લવી બેભાન થઈ ગઈ.
25 મી જુલાઈ, 2019 સવારના 3 વાગ્યા હતા. મુશળધાર વરસાદમાં સાતપુડા પર્વતમાળામાં 55 ભીલ પરિવારોની વસાહત હેંગળપાણીમાં પલ્લવીનું કાચું ઝૂંપડું ભીંજાઈ રહ્યું હતું. મહારાષ્ટ્રની ઉત્તર-પશ્ચિમે નંદુરબાર જિલ્લાના આ દુર્ગમ ભાગમાં ન તો પાકા રસ્તાઓ છે અને ન તો મોબાઇલ નેટવર્ક. પલ્લવીનો પતિ ગિરીશ( આ અહેવાલમાં બધા જ નામો બદલ્યા છે.) કહે છે, “ આપત્તિ કદી કહીને થોડી આવે છે? તે કોઈપણ સમયે આવી શકે છે. મોબાઈલ નેટવર્ક વિના એમ્બ્યુલન્સને કે ડોક્ટરને પણ કઈ રીતે ફોન કરી શકીએ ?”
30 વર્ષનો ગિરીશ પોતાની વાત ચાલુ રાખતા કહે છે, “ હું ખૂબ ગભરાઈ ગયો હતો . મારે એને મરવા નહોતી દેવી.” પરોઢિયે ચાર વાગે અંધારામાં ધોધમાર વરસાદમાં ગિરીશ અને એનો એક પડોશી વાંસ અને ચાદરથી બનાવેલ કામચલાઉ સ્ટ્રેચર પર પલ્લવીને ગામથી 105 કિલોમીટર દૂર સાતપુડાના પહાડી અને કીચડવાળા રસ્તે ધાડગાંવ લઈ જવા નીકળ્યા.
હેંગળપાણી ગામ અકરાણી તાલુકાના તોરણમલ ગ્રામપંચાયત વિસ્તારમાં આવે. તોરણમલ ગામની હોસ્પિટલ વધારે પાસે ગણાય પણ રાતના વખતે એ રસ્તો સુરક્ષિત ન હતો. કાદવમાં ચપ્પલ સરકી જાય એટલે સાવ ખુલ્લે પગે કાદવવાળા ડુંગરાળ રસ્તે અંધારામાં ગિરીશ અને એનો સાથી મુશ્કેલીથી આગળ વધતાં રહ્યા. ઝોળા પર પ્લાસ્ટિક ઓઢીને પલ્લવી પીડાના ઊંહકારા ભરતી પડી હતી.
લગભગ ત્રણ કલાક પહાડી ઊંચાઈ ચઢીને એ લોકો તોરણમલ ઘાટ રોડ પહોંચ્યા. ગિરીશ કહે છે, “ એ લગભગ 30 કિલોમીટરનું ચઢાણ છે." ત્યાંથી રૂ. 1000 આપીને એમણે જીપ ભાડે લીધી અને ધડગાંવ પહોંચ્યા. પાંચ કલાકની મુસાફરી પછી પલ્લવીને ધડગાંવની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. ગ્રામીણ હોસ્પિટલ તો હજી ત્યાંથી બીજા દસ કિલોમીટર દૂર હતી. તે કહે છે, “ મને જે પહેલું દવાખાનું [આરોગ્ય સુવિધા] દેખાયું એમાં હું તેને લઈ ગયો . આ હોસ્પિટલ મોંઘી હતી પણ તેઓએ મારી પલ્લવીને બચાવી તો લીધી”. ડૉક્ટરે તેમની પાસેથી 3000 રૂપિયા લીધા અને બીજે દિવસે પલ્લવીને રજા આપી દીધી. ગિરીશે યાદ કરે છે, “ ડૉક્ટર કહેતા હતા કે બહુ લોહી વહી જવાથી પલ્લવીનું મરણ પણ થઈ ગયું હોત.”












