"મને આખા વરસમાં એક દિવસ આવો મળે."
સ્વપ્નાલી દત્તાત્રેય જાધવ 31 ડિસેમ્બર, 2022ની ઘટનાઓનો ઉલ્લેખ કરી રહ્યા છે. મરાઠી ફિલ્મ વેદ તાજેતરમાં જ સિનેમા હોલમાં પ્રદર્શિત થઈ હતી. કેટલાક જાણીતા ચહેરાઓ સાથેની આ ભાવનાપ્રધાન ફિલ્મે રાષ્ટ્રીય સ્તરે પ્રેક્ષકોનું ધ્યાન ખેંચ્યું ન હતું. પરંતુ ઘરેલુ નોકર સ્વપ્નાલી માટે એ રજાના દિવસે - આખા વર્ષમાં મળતા રજાના માત્ર બે દિવસમાંથી એક દિવસે – એ ફિલ્મ જોવાનું પસંદ કર્યું હતું.
23 વર્ષના સ્વપ્નાલી તેમના રજાના દિવસને યાદ કરતાં કહે છે, “એ દિવસે નવું વર્ષ હતું એટલે. અમે ગોરેગાંવમાં ક્યાંક બહાર જમ્યા પણ હતા.”
મુંબઈમાં છ ઘરોમાં કલાકોના કલાકો સુધી વાસણો માંજતા, કપડાં ધોતા અને ઘરનાં બીજા કામો કરતા સ્વપ્નાલીનું (આ બે રજાના દિવસો સિવાય) બાકીનું આખુંય વરસ મહેનત માગી લેતા એકસરખા કંટાળાજનક રોજિંદા કામકાજમાં પસાર થઈ જાય છે. પરંતુ એક ઘેરથી બીજા ઘેર પહોંચવાની ભાગદોડમાં - વચ્ચે જે 10-15 મિનિટ ફુરસદનો સમય મળે તેમાં તેઓ પણ તેમના ફોન પર મરાઠી ગીતો સાંભળે છે. એ થોડીક ક્ષણોમાં તેમને મળતો આનંદ યાદ કરતા હસીને કહે છે, "એ (ગીતો) સાંભળીને મારો થોડો સમય (આનંદમાં) પસાર થઈ જાય છે."























