રામ વાકાચૂરે 275 વિદ્યાર્થીઓ અને અન્ય લોકો માટે પોતાના ઘર નજીકના બજારમાંથી શાક ખરીદે છે – ત્રણ કિલો બટાકા, ફ્લાવર, ટમેટા અને બીજુ ઘણું બધું. “મને દરેક શાકનો ભાવ મોઢે આવડે છે. હું આ થેલા મારી મોટરસાઇકલ પર લટકાવીને શાળાએ જાઉં છું,”વીરગાંવ ગામની જિલ્લા પરિષદની શાળાના શિક્ષક કહે છે.
જૂનમાં એહમદનગરના અકોલા તાલુકાના કલસગાંવના રહેવાસી, 44 વર્ષના વાકચુરેની લગભગ 20 કિલોમીટર દૂર આવેલા વીરગાંવની શાળામાં બદલી થઈ. તેમણે 18 વર્ષ સુધી કલસગાંવની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે કામ કર્યું હતું. હવે એમનું મુખ્ય કર્તવ્ય છે મધ્યાહ્ન ભોજન યોજના (પ્રાથમિક શિક્ષણમાં પોષણ સંબધી મદદ માટેનો રાષ્ટ્રીય કાર્યક્રમ) લાગુ થાય તે સુનિશ્ચિત કરવું.
“પ્રિન્સિપાલ બધુંજ ન કરી શકે, એટલે એમણે જવાબદારીઓ બીજાઓને સોંપી છે,” તેઓ જે ભરી રહ્યા છે તે મધ્યાહ્ન ભોજન રજિસ્ટરમાંથી માંડ-માંડ ઊંચુ જોતા તેઓ કહે છે. “સરકારી નોકરી તમને સુરક્ષા આપે, પણ મને નથી લાગતું કે હું શિક્ષક હોઉં.”
વાકચૂરેની શાળા ઇતર પ્રવૃત્તિઓ અસામાન્ય નથી – મહારાષ્ટ્રની જિલ્લા પરિષદની શાળાઓના શિક્ષકોને ઘણીવાર બિન-શૈક્ષણિક કામો સોંપવામાં આવે છે આના કારણે, તેઓ કહે છે, તેમની પાસે ભણાવવા માટે ભાગ્યેજ સમય બચે છે.
વીરગાંવની સાતમા ધોરણ સુધીની શાળામાં વાકચૂરેના સહકર્મચારી, 42 વર્ષના સબાજી દાતિર, કહે છે કે વર્ષ દરમિયાન આ વધારાના કામોનો સરવાળો 100થી વધુ થાય છે. સરેરાશ દાતિર બિન-શૈક્ષણિક કામોમાં અઠવાડિયે 15 કલાક વાપરે છે. “આ ઘણીવાર શાળાના કલાકો દરમિયાન હોય છે [દિવસના ચાર કલાક],” તેઓ કહે છે. “અમે શક્ય હોય ત્યાં સુધી શાળાના કલાકો પછી કામ કરવાનો પ્રયત્ન કરીએ છીએ.” જ્યારે બંને એકજ સમયે કરવાના હોય, ત્યારે બિન-શૈક્ષણિક કામોને પ્રાથમિકતા આપવામાં આવે છે.









