એમ. કરુપ્પિયા ઈચ્છે છે - મરવું તો કોમ્બુ વગાડતા વગાડતા. ઐતિહાસિક રીતે, યુદ્ધમેદાનમાં યુદ્ધની શરુઆતની ઘોષણા કરવા મોટેથી ફૂંકાતું એક સુષિર વાદ્ય હતું. શાબ્દિક રીતે, કહીએ તો લગભગ મૃત્યુ માટેનું સંગીત. પરંતુ કરુપ્પિયા પિત્તળ અથવા કાંસાથી બનેલું અને હાથીની સૂંઢના આકારનું આ શિંગુ વગાડતા વગાડતા આ જગતને અલવિદા કહેવા માગે છે તેનું કારણ જુદું છે.
૪૯ વર્ષીય કરુપ્પિયા માટે કોમ્બુ એક મહાન કલા-સ્વરૂપ છે. તેઓ ચોથી પેઢીના કલાકાર છે, મદુરાઇમાં તેમના ગામમાં આજીવિકા રળવા માટે નાછૂટકે ચલાવવી પડતી ઓટોરિક્ષા કરતા તેઓને આ વાદ્ય સાથે ઘણો વધારે લગાવ છે.
કરુપ્પિયા કહે છે કે લગભગ ત્રણ દાયકા પહેલા આ કળા ટોચ પર હતી. તેમને ૧૯૯૧માં મુખ્યમંત્રી જયલલિતાએ કોમ્બુ વગાડવા આમંત્ર્યા હતા તેમને હજુ પણ યાદ છે. “તે એટલા બધા પ્રભાવિત થયા હતા કે તેમણે અમને ફરી એકવાર વગાડવાનું કહ્યું!”
પરંતુ આજકાલ, તેમના માટે અને તિરૂપરનકુન્દ્રમ તાલુકાના મેલાકુયિલકુડી ગામના અન્ય કોમ્બુ કલાકારો માટે સરખું કામ મળવું મુશ્કેલ છે. આ લયબદ્ધ કળા પદ્ધતિ પહેલાથી નિસ્તેજ થઇ રહી હતી અને અત્યારે પોપ સંસ્કૃતિ તેના પર હાવી થઇ રહી છે. માર્ચ 2020 થી કોવિડ લોકડાઉન દરમિયાન તો આ કળા-સ્વરૂપને ભારે નુકસાન થયું છે. કલાકારો કામ અને પૈસા વિહોણા છે.
જ્યારે કરુપ્પિયાને મંદિરમાં, જાહેર સ્થળોએ અથવા અંતિમ વિધિ દરમિયાન કોમ્બુ વગાડવાનું કંઈ કામ મળે છે, ત્યારે તેમને પ્રસ્તુતિ દીઠ ૭૦૦-૧૦૦૦ રૂપિયા મળે છે. “ગયા વર્ષથી લોકડાઉન ના લીધે અમે અલગાર કોઈલ થિરુવિળા [તહેવાર] માટે કોમ્બુ વગાડ્યું નથી.. અમને એ સમય દરમિયાન આઠ દિવસનું કામ મળતું હતું.” આ વાર્ષિકોત્સવ (એપ્રિલ-મે) દરમિયાન જ્યારે લાખો શ્રદ્ધાળુઓ મદુરાઈ શહેરથી ૨૦ કિલોમીટર દૂર અલગાર કોઈલ મંદિરમાં એકઠા થાય ત્યારે કોમ્બુ કલાકારો તેમની કલા પ્રસ્તુત કરે છે.
ચેન્નાઈમાં લોક કલાકારો અને કળાઓને ટેકો આપતી સંસ્થા, અલ્ટરનેટીવ મીડિયા સેન્ટર (એએમસી) ના સ્થાપક આર. કાલેસ્વરન કહે છે, “દરેક વ્યક્તિ કોમ્બુ વગાડી શકતી નથી, તેમાં ઘણા કૌશલ્યની જરૂર પડે છે.” આ વાદ્ય કાર્યક્રમની શરૂઆતમાં અને પછી વચ્ચે-વચ્ચે વગાડવામાં આવે છે, પણ સળંગ વગાડવામાં નથી આવતું. આથી કલાકારો ૧૫ મિનીટ સુધી આ વાજિંત્ર વગાડે છે, પછી ૫ મિનીટ આરામ કરે છે, અને ફરી પાછા વાજિંત્ર વગાડે છે. “સામાન્ય રીતે, કલાકારો ખુબજ ઊંડો શ્વાસ લે છે, અને તેને [કોમ્બુમાં] ફૂંકે છે.” કાલેસ્વરન કહે છે, આ શ્વાસ લેવામાં તેમની નિપુણતા ના લીધે જ આ ૧૦૦ વર્ષની વયના કલાકારો પણ હજુ સુધી કામ કરી શકે છે.











